બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / ''...દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી, હવે ઝેર થોડું દેવાશે?", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 7

નવલકથા / ''...દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી, હવે ઝેર થોડું દેવાશે?", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 7

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 08:00 AM, 5 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"હવે એ ઝાઝું નહીં જીવે, શેઠ?" પોતાની પત્ની વિશે આવું બોલતો ગામડિયો પતિ દિલને વધુ ને વધું કઠોર બનાવી રહ્યો હતો.

રાત પડી ને મોટર માળા નીચે ઊભી રહી ને થડકાર કરવા લાગી. ત્યારે સુશીલાના હૃદયમાં પણ એવા જ થડકારા થયા. એણે બાપુજીના દાદર પરનાં પગલાં પણ કાન માંડી ગણ્યાં. બ્લોકનું કમાડ ઊઘડ્યું અને બૂટ નીકળ્યા. ત્યાર પછી પા કલાક સુધી બાપુજી સિંહગર્જના કરતા કરતા અંદર ન ધસી આવ્યા એટલે સુશીલા નિરાંત પામી.

પોતે બાની સાથે રસોડામાં હતી. કોઇક મહેમાન હતું? કોણ હતું? સુશીલાને કોઇએ ઓળખ ન આપી. બા અને ભાભુ છાનાંમાનાં કશું મિષ્ટાન્ન રાંધવાની વાતો કરતાં હતાં. જમવાની બેઠક પણ જે આજ સુધી રસોડાની સામેના ખંડમાં રહેતી, તે બ્લૉકના બીજે છેડે ગોઠવવામાં આવી. અજાણ્યા મહેમાનોને માટે પણ આવો સ્થળબદલો નહોતો થતો. તે આજે થતો દેખી સુશીલાને આશ્ચર્ય થયું.

આ પણ વાંચો: "પણ સગપણ તૂટ્યે અમારું જીવ્યું ઝેર થાશે, ને પાછળ..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 1

સુશીલાએ પૂછપરછ કરતાં ઘાટીએ જાણ કરી કે કોઇ ગામડિયો ડોસો મહેમાન છે.

"બગુન તો પા, બાઈ, હે જૂતે!" એમ કહીને મશ્કરી કરતા ઘાટીએ સુશીલાને, ત્યાં પડેલા મહેમાનના જોડા પછાડીને દેખાડ્યા. જોડા ઓખાઇ હતા. જીર્ણ છતાં તાજા તેલ પાયેલા હોવાથી તેના પર ધૂળ ચડી ગઇ હતી. એવડા તોતીંગ જોડા સુશીલાએ કોઇ દિવસ જોયા નહોતા.

આ પણ વાંચો: "...મારે મારી એકની એક છોકરીનો ભવ નથી સળગાવી દેવો", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 2

એવા જૂતા પહેરનાર ગામડીયા મહેમાનને માટે ભાભુ અને બા કંસાર રાંધવા કેમ બેસી ગયાં હશે? બાપુજી જોડે એ ખાનગી ઓરડામાં પેસીને શી વાત કરતો હશે? સૌનાં મોઢાં પરથી તો મહેમાન કાંઇક અણગમો અને અનાદરને પાત્ર માનવી લાગે છે.

છાનામાના સુશીલાએ જમવા બેઠેલા અતિથિની ચેષ્ટા નિહાળી. એના માથા પર એક ચોટી સિવાય બધુંજ મુડન હતું. ને હજામત વધેલી હોઇ મુંડન ઝગારા નહોતું કરતું. એણે પહેરણ પણ ઉતારી નાખ્યું હતું. ખુલ્લા દેહની કાઠી પાતળી હતી. ખૂબ દુઃખ સહન કરનાર ભાસે એવો એ દેહ ક્ષીણ છતાં કઠણ, અને ત્રાંબાવરણો છતાં સ્વચ્છ હતો.

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

નાહવાની ઓરડીમાં નળ વહેતો હતો, પુષ્કળ પાણી હતું છતાં પરોણાએ સાચવીને હાથ-પગ-મોં ધોયાં અને પાસે મૂકેલા ચોખ્ખા નૅપ્કિનને મેલો કરવાની બીકે હો કે કોઇ બીજા કારણે, એણે પોતાના પહેરેલ જાડા ધોતિયા વડે જ હાથપગ અને મોં લૂછ્યાં. પછી એ પાટલા પર બેસવાને બદલે પાટલા ઉપર થાળી રાખીને, 'હે રામ!' કહીને નીચે બેઠો. સામે મોટા શેઠે બેઠક લીધી.

ગામડિયો જ્યારે ખાવા લાગ્યો, ત્યારે એની ચીવટ નજરે પડી. એણે વધુ લાગ્યો તેટલો કંસાર કાઢી નાખ્યો. એની ખાવાની રીતમાં સંસ્કાર હતો. પહેલું તો એ ઉતાવળ કરીને નહોતો જમતો અને જોઈએ તેટલું માગી લેતો હતો. ઘીમાં એણે કંસાર ચોળ્યો ત્યારે બીજા ઓરડામાંથી સુશીલા એ બારીક નજરથી રસભેર જોયા કર્યું. એણે ધીરજથી કંસાર અને ઘી સારી પેઠે મસળ્યાં: મસળીને થાળીની એક બાજુ દાબો કર્યો: આખી થાળી સ્વચ્છ બની. ઘી અહીંતહીં રેલાયેલું ન રહ્યું. અથાણું પણ એટલી જુક્તિ અને જાળવણી રાખીને લીધું કે તેલનું ટીપું પણ આડેઅવળે ન રેલાયું.

આ પણ વાંચો: એનું નારી રૂપ ચાલીસ વર્ષે પણ ત્રીસથી વધુ કળાવા દેતું નહીં, ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 4

સુશીલા સાંભળે છે તેની કોઇને જાણ નહોતી. મોટા શેઠે પોતાનાં પત્નીને બહાર બોલાવ્યાં. એમણે બહાર આવીને આ પરોણાને આદરમાનના શબ્દો કહ્યા. જમતા પરોણાએ પણ વિનય દેખાડ્યો.અને 'ઘર આગળ તબિયત કેમ છે?' વગેરે પૂછાતા પ્રશ્નોના ઉત્તરમાં કહ્યુંઃ

"હા ઘરડાંને પુન્યે ને તમ જેવાં સગાંની આશિષે સારું ચાલે છે. તબિયત તો હવે લથડી ગઇ, પણ મન ભારી સમતામાં રહ્યું છે. કોઇ જાતની વળગણ નહીં, કોઇ વલોપાત ન મળે; છોકરાંઓ સાથે હસીને જ વાત કરે, ને જ્યારે પીડા સહેવાય નહીં ત્યારે મને ફક્ત 'ચત્તારી મંગળમ્'[૧] સંભળાવવાનુ કહે. "

સુશીલાને ગમ પડીઃ આ મહેમાન થોરવાડથી આવેલા સુખલાલના પિતા જ લાગે છે. ઘાણાં વર્ષો પહેલાં, દસેક વર્ષની હતી ત્યારે જોયેલા તેની અણસાર યાદદાસ્તમાં અંકાવા લાગી.
આ પણ વાંચો: "સ્માર્ટી, ઓ સ્માર્ટી ! તું અક્કેક ઈંડું....'' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 5

કોની વાત ચાલતી હતી? સુખલાલની બીમાર માતાની. સુશીલાની કલ્પનાની દુનિયા સળવળી ઊઠીઃ એક ગામડિયું ઘર છે, એના ઓરડામાં એક સ્ત્રી, દવાને નહીં અડકનારી, દાકતરી સારવાર વગરની, ધર્મના માંગલ્ય પાઠને પોતાની અસહ્ય વેદનાનું ઔષધ કરી શાતા મેળવી રહી છે.

"રાંધવે-ચીંધવે બહુ દુઃખી થતા હશો." મોટાં શેઠાણી ત્યાં ઊભાં ઊભાં વધુ રસ લેવા લાગ્યાં.

"ના બાપા, બહુ તો વપત નથી રહી," પરોણાએ સ્વાભાવિક અવાજે જ જવાબ દીધો, "દીકરી બાર વરસની થઈ ગઈ, ને નાનેરો દીકરો સાત વરસનો - બેય મળીને રાંધી નાખે છે. પાંચ મહેમાનોનેય સાચવી લે છે છોકરાં."

જમતાં જમતાં ચાલેલા આ વાર્તાલાપમાં મોટા શેઠે લેશમાત્ર ભાગ લીધો નહીં. એણે તો વારાંવાર ઠરી જતા શાકનો વાટકો એકાદ-બે વાર પછાડીને ગરમ શાક માગ્યા કર્યું. એમને મરીનો ભૂકો જોઇતો હતો ત્યારે કહ્યુંઃ "રામો ક્યાં મરી ગયો?"

વાળુ કર્યા પછી પરોણાને સુખલાલ પાસે ઇસ્પિતાલે સૂવા જવું હતું. દીકરાની માંદગીના ઊડતા ખબર સાંભળી દોડી આવેલો આ પિતા સુશીલાના ચાલી આવ્યા પછી દવાખાને સુખલાલને જોઇ આવેલો, પણ સુખલાલે એને કશી જ વાત નહોતી કરી. એણે બંડી પહેરીને માથા પર પાઘડી મૂકી.

"પાંચ મિનિટ બેસો. હમણાં મોટર મૂકવા આવે છે." એમ કહીને રોકેલા પરોણાને મોટા શેઠે ફરી પાછો એની એ જ વાતોમા ઘસડ્યો.

"શું ધાર્યું?"

"હમણે થોડું જાળવી જાવ."

"થોડુંક એટલે કેટલુંક?"

"એ તો હું કેમ કહી શકું, શેઠ? પણ નીકર ઈ માંદીનું હૈયું જ વાત સાંભળીને ફાટી જાશે એ તો ઠીક, પણ એના જીવની અવગત્ય થાશે; માટે હું હાથ જોડીને વીનવું છું કે થોડુંક જ જાળવી જાવ."

મોટા શેઠ તુચ્છકારથી હસ્યા.

"હવે એ ઝાઝું નહીં જીવે, શેઠ?" પોતાની પત્ની વિશે આવું બોલતો ગામડિયો પતિ દિલને વધુ ને વધું કઠોર બનાવી રહ્યો હતો.

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

"એવું કાંઈ ધાર્યું રે'છે, ભાઈ! ને હવે અમારો કાંઇ વાંક છે? દીકરીને ભણતર ભણાવ્યા પછી , સંસ્કાર દીધા પછી, હવે ઝેર થોડું દેવાશે?"

પરોણો પોતાના શરીર પર મોટા પ્રહારો અનુભવતો છતાં અબોલ રહ્યો. તેના મૌનને નબળાઇનું ચિહ્ન ગણનારા શેઠે કહ્યું: "જુઓ જાણે,સાંભળો, આપણે આપણી મેળે જ સમજી જાયેં, તો... આ લો બે હજાર રોકડા. ચાય ત્યાં દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદ્‍ગતિ કરો. બાકી જો ફિકર ન કરવી હોય, અમને દબાવવા જ હોય, અમારી ભલાઇનો કસ કાઢવો હોય, તો પછી હું લઉં નાતનું શરણું. નાત આ વેવિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશો નહીં હો, શેઠ! મારી પાસે તો દાક્તરનાં સર્ટિફિકેટો છે, કે છોકરો પરણવા માટે નાલાયક છે."

સુખલાલનો પિતા મોટા શેઠની સામો ને સામો સડક થઇ રહ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zaverchand Meghani Jhaverchand Meghani Vevishal Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ