ન્યૂઝ અપડેટ્સ
VTV / VTV વિશેષ / "પણ સગપણ તૂટ્યે અમારું જીવ્યું ઝેર થાશે, ને પાછળ..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 1
Last Updated: 10:59 AM, 3 June 2025
ADVERTISEMENT
શનિવારની અધરાત હતી, પેઢીના માલનો સ્ટૉક લેવાતો હતો, મોટા શેઠ ધૂવાપૂંવાં થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઇ રવિવાર પાળાવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. પોતે નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો; પણ બંને સંપીલા હતા, પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોંકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ-ક્લબ જેવું કરાવી આપ્યું હતું, બધા પર એકાએક હુમલો કરવાને બદલે, મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે, ને અમાસનો જ અણોજો પાછો માગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો. એટલે તેમણે શનિવારની રાતે કામ ખેંચવાનું આદર્યું હતું. પોતે અંતઃકરણપૂર્વક એવી માન્યતા ધરાવતા હતા કે રવિવારો પાળવાથી નોકરોનું અહિત વધે છે. તેઓ નાહક રઝળપાટ કરી બેપાંચ રૂપિયા ભાંગી નાખે છે, ને પાછું સોમવારે કામમાં ચિત્ત ચોંટતું નથી તે પોતાની જાતમાહેતીની વાત હતી. તેમણે ફરજ પાડીને નહીં, પણ સમજપૂર્વકનોનો નિર્ણય લેવરાવવા આ શનિવારોની રાતો લાગટ ખેંચાવવા માંડી હતી.
ADVERTISEMENT
એક શનિવારે રાત્રે અગિયાર વાગ્યે દુકાન પરથી ઘેર ટેલિફોન આવ્યો કે સુખલાલને લોહીની સખત નાખોરી ફૂટી છે, બેશુધ્ધ જેવો બની ગયો છે.
"તદન તકલાદી છોકરો છે. ફૂટી બદામ પણ કોઇ આપે તેમ નથી. આપણો જમાઇ થયો એ જાણે આપણો ગુનો! તકલીફ જ ન આપે ડિલને! મોકલું છું મોટર; દવાખાને મૂકી આવો." એવો જવાબ મોટા શેઠે ટેલિફોનમાં આપ્યો, મોટર મોકલી. સુખલાલ દવાખાને પહોંચ્યો. માંદગી લંબાયે ગઇ.
આ પણ વાંચો: એનું નારી રૂપ ચાલીસ વર્ષે પણ ત્રીસથી વધુ કળાવા દેતું નહીં, ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 4
ADVERTISEMENT
જુવાન સુખલાલ નાના શેઠનો જમાઇ હતો.લગ્ન હજુ નહોતાં થયાં. સગપણ તો બેઉ કુટુંબ સમાન કક્ષા પર હતાં - એટલે કે સુખલાલના બાપ તેમ જ આ બેઉ શેઠ ભાઇઓ વતનનાં ગામડાંમાં નાની હાટડીઓ રાખી કપાસ, ઘાસલેટ,અને ગંધારું ઘી વેંચતા - ત્યાર વેળાનું થયેલું હતું. પણ તે પછી સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઇને ગામડે જ પડ્યા રહ્યા, ત્યારે આ વેવાઇ ભાઇઓ એક મુનિશ્રીનું વચન ફળ્યે વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઇ ખાતે મોટરવાળા બન્યા. તેમણે સુખલાલ વેરે વરાયેલી દીકરી સંતોકનું નામ બદલી સુશીલા પાડ્યું; અને એમની પત્નીઓએ દોઢિયા સાડલા ઉતારી પાંચ હાથની સાડીઓ ચડાવી, કાપડાંનાં સ્થાન ફૂલેલ બાંયનાં પોલકાંને ને પછી બ્લાઉઝને આપ્યાં;ને નાનાની વહુએ તો 'સ'ને બદલે પ્રત્યેક ઠેકાણે 'ચ' ઉચ્ચાર કરવાનો આગ્રહ રાખી 'સાચું છે' ને બદલે 'ચાચું છે' બોલવાની ભૂલો વધારી; અને સંતોકમાંથી સુશીલા બનાવેલી પુત્રીને માટે ઘરે સંગીત, સંસ્કૃત તેમ જ અંગ્રેજી, એમ ત્રણ વિષયના શિક્ષકો રાખ્યા. સુશીલા નાનપણથી જ પૂરી સાડી પહેરતી થઈ ગઈ.
પછી તો મૂંઝવણ, બસ, એક જ રહી હતીઃ આવી નમણી અને સંસ્કારી પુત્રીનું સગપણ પેલા સુખલાલની સાથે શી રીતે ચાલુ રાખવું?
ADVERTISEMENT
સુખલાલના બાપને ઘણું સમજાવવામાં આવ્યા હતા કે, જમાઈને અમારી જોડે મુંબઇ મોકલો: ભણાવીએ-ગણાવીએ, ને પછી કામે લગાડીએ. સુખલાલના બાપે તો સુખલાલને કહ્યું કે, "ભાઇ, તારું જો સુધરતું હોય તો તું જા," પણ સુખલાલનું મન માનતું નહોતું. મા લાંબી માંદગીમાં પડ્યાં હતાં, તેની સતત સારવાર એકલો બાપ શી રીતે કરવાનો હતો? નાનાં ભાંડરુને ને કોણ રાંધી ખવરાવવાનું હતું? જેવી તેવી ચાલતી હાટડીને પણ કોણ ચાલુ રાખી શકે તેવું હતું?
સુખલાલે પિતાનું કહેવું પણ ન માન્યું ત્યારે માંદી માએ એક દિવસ સુખલાલને પોતાની પાસે એકાંતે તેડાવીને ખાટલે બેસાડી સમજ આપી હતી કે, "બીજું તો કાંઇ નહીં, ભાઇ, પણ વખત છે ને...મોટાં આબરુદાર છે.. એટલે ... મન ઉઠી જાય... તો ... વેશવાળ ફોક કરે, માડી! ને એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઇ જાય."
ADVERTISEMENT
વધુ વાંચો: "...મારે મારી એકની એક છોકરીનો ભવ નથી સળગાવી દેવો", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 2
માએ સંભારી આપેલો આ મુદ્દો સુખલાલને માટે નવીન જ માહેતી જેવો બન્યો. વેવિશાળ ફોક કરવાનું કારણ છેલ્લાં પાંચ વર્ષમાં ઊભું થઇ ગયું છે તેની સુખલાલને સરત જ નહોતી રહી. માએ વત વધુ સ્પષ્ટ કરીઃ
ADVERTISEMENT
"એક તો ઇશ્વરે એનો દા'ડો વાળ્યો છે. બીજું, કન્યા પાછી - ખમા! - શે'રમાં હજારો રૂપૈયાને ખરચે ભણતર ભણે છે. જે ત્યાં જઇને આવે છે તે સારા સમાચાર આપે છે કે કન્યા હાડેતી બની છે, ગજું કરી ગઇ છે, વાને ઉઘડી ગઈ છે, એ બધાંય વાનાં વિચારવાં જોવે, માડી! તમારો સંસાર બંધાઇ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. મારે કાંઈ કોઈની ચાકરી જોતી નથી, તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ, ને કન્યાના જેવો જ પાવરધો બન."
વધુ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3
ADVERTISEMENT
"ના," સુખલાલે જીભને તાળવે ફેરવીને બોલવા પ્રયત્ન કર્યો, "મને ત્યાં નહીં ગમે."
"નહીં કેમ ગમે?" ને માંદું માતૃ-મોં મલકાયું, "રૂડી વહુ તો ત્યાં હશે!"
"એટાલે જ નહીં ગમે, બા!" સુખલાલનો નમણો ચહેરો હસવાને બદલે લેવાઇ ગયો; એની આંખોમાં તે દિવસ પહેલી જ વાર ઝળઝળિયાં હતાં.
એ કહી કે સમજાવી ન શક્યો, પણ એની પાસે ભાષાભંડોળ હોત તો તેણે કહી નાખ્યું હોત કે, "સંતોકડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજેરોજ માપ લીધા જ કરશે, મારે તો સતત એને લાયક બનવા માટે જ મહેનત કરવી રહેશે ને હું મૂંઝાઇ જઇશ."
"તારા મનમાં તું સૂઝે એ ઘોડા ઘડતો હોય, ભાઇ," માએ મહામહેનતે કહ્યું," પણ સગપણ તૂટ્યે અમારું જીવ્યું ઝેર થાશે, ને પાછળ તારાં ભાંડરડાંને કોઇ નાળિયેર લેવા કે દેવા નહીં ડોકાય. વળી એવી પદમણી કન્યા આજ પંદર વરસના વેવિશાળ પછી પારકા ઘરમાં જઈને હિંડોળે હીંચકશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થાએ હવે નહીં સહેવાય. મારી આંતરડી આવી કકળી રહી છે માટે હું તને ફરી કહું છું, કે જા બાપ."
મુંબઇથી સુખલાલના મોટા સસરાએ પણ છેલ્લો કાગળ ભારી આકરો લખ્યો હતોઃ
"હવે જો સુખલાલને બહાર ન કાઢવો હોય, તો આખરી ચેતવણી સમજજો. અમે કાંઇ દીકરીને વેચી નથી. અમારે પેટના છોરુને જાણીબૂઝીને કૂવામાં નથી ધકેલવું. સુખલાલે જમાઇ રહેવું હશે તો લાયક બનવું પડશે.આંહીં આવીને ભણવું હશે તો ભણાવશું ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે? બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આકડે લાગેલ મધ છે, તો તમે ખાંડ ખાવ છો, શેઠ! તમારા ચોરવાડ ગામનાં ધૂડિયાં ખોરડાંમાં છાણના અને તલસારાના ધુમાડા ફૂંકવા સારુ દીકરીને કોઇ ભણાવતું નથી, શેઠ! જેવો વિચાર હોય તેવા લખી જણાવજો, એટલે અમે નાતને જાહેર કરી દઇએ."
વધુ વાંચો: "સ્માર્ટી, ઓ સ્માર્ટી ! તું અક્કેક ઈંડું....'' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 5
આ કાગળમાં સંપૂર્ણ ધમકી હતી. સુખલાલના પિતાને તે દિવસે ખાવું ભાવ્યું નહીં, અને પિતા તેમ જ મોટા ભાઈ ઝાંખા દેખાયા એટલે માતાસ્થાને મહામહેનતે રાંધણું કરનારી, નાના, પાતળા, પૂરો રોટલો પકડી પણ ન શકનારા હાથવાળી બહેન સૂરજે પણ ન ખાધું, ને નાનેરો ભાઇ પણ ખાધું ન ખાધું કરીને નિશાળે ચાલ્યો ગયો.
તે પછી ચોથે જ દિવસે સુખલાલને મુંબઇ જવા ઊપડવું પડ્યું. ગામ નજીકના કસબામાં ઝટ ઝટ પહોંચી જઈને એણે કૉલરવાળાં ખમીસ અને કોટ સિવડાવી લીધાં. બૂટ પણ નવા લઇને પહેર્યા. બહેન આ નવીન પોશાકમાં કોણ જાણે શાથી પણ ન શોભતા ભાઇને તેલના રેગાડા રેલાવતો ચાંલ્લો કર્યો. ને મરતી માએ 'ઘણું જીવો'ના આશીર્વાદ દેવા બહુ મહેનતે પતિને ટેકે ટેકે બેઠી થઇ દોરડી જેવા હાથ સુખલાલના નીચે ઢળેલા માથા સુધી લંબાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT