બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાપીના રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબમાં પૂરનો કહેર: 10 ફૂટ પાણીમાં 90 યુનિટ ડૂબ્યાં, કહ્યું, ‘આટલું પાણી ક્યારેય જોયું નથી’
Last Updated: 04:41 PM, 24 July 2026
વલસાડ: વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી વરસેલા વિક્રમજનક વરસાદ બાદ હવે પૂરનાં પાણી ઓસરવા લાગ્યાં છે, પરંતુ પાણી ઓસરતાં વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં વિનાશની ભયાનક તસવીરો સામે આવી રહી છે. દમણગંગા નદીના કિનારે આવેલા રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબમાં પૂરનું પાણી ઘૂસી જતાં 90 જેટલા નાના ઉદ્યોગો તેની ઝપેટમાં આવ્યા છે. અનેક ફેક્ટરીઓમાં 10 ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઇલેક્ટ્રિકલ સાધનોને ભારે નુકસાન થયું છે.
ADVERTISEMENT
પૂરના પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે અનેક વાહનો પણ પાણીમાં તણાઈ ગયાં હતાં. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે, કેટલાક યુનિટમાં ગળા સુધી પાણી ભરાઈ ગયું હતું. પાણી ઓસર્યા બાદ હવે ફેક્ટરીઓમાં કાદવના થર, ખરાબ થયેલી મશીનરી અને પાણીમાં પલળેલો માલ જોવા મળી રહ્યો છે. વર્ષોથી મહેનત કરીને ઉભા કરેલા નાના ઉદ્યોગોને એક જ પૂરે મોટો આર્થિક ફટકો આપ્યો છે.
ADVERTISEMENT
‘દરેક યુનિટમાં 70-80 લાખથી 1 કરોડનું નુકસાન’
રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબના ઉદ્યોગકાર રવિન્દ્ર ખેરે જણાવ્યું હતું કે, ‘દમણગંગા નદીના કિનારે રોયલ હબ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. અહીં આશરે 90 યુનિટ છે. પૂર દરમિયાન 10 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયું હતું. બધી ગાડીઓ પાણીમાં તરતી હતી. દરેક યુનિટમાં અંદાજે 70-80 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. ગળા સુધી પાણી હતું અને આગળ તો એનાથી પણ વધારે પાણી હતું.’
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘અમે અહીં છ વર્ષથી છીએ, અત્યાર સુધી આવી કોઈ સમસ્યા આવી નથી. આ વખતે આટલું પાણી આવશે તેવી કલ્પના પણ નહોતી.’
ADVERTISEMENT
‘આટલું પાણી કોઈ દિવસ નથી જોયું, રાત્રે પાણી છોડાયું’
અન્ય ઉદ્યોગકાર રુપેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ‘અહીં મોટા મોટા મશીનો છે અને અમે 2015થી કામ કરી રહ્યા છીએ. પરંતુ આટલું પાણી કોઈ દિવસ જોયું નથી. તંત્રને એટલું જ કહેવાનું છે કે જો 50 હજાર ક્યુસેક પાણી છોડવાનું હોય તો તેની જાણકારી આપવી જોઈએ. અચાનક આટલું બધું પાણી છોડવામાં આવ્યું અને એ પણ રાત્રિના સમયે, જેના કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થયું.’
ADVERTISEMENT
ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે, જો પાણી છોડવાની અગાઉથી જાણકારી મળી હોત તો મશીનરી અને અન્ય સામાનને સુરક્ષિત સ્થળે ખસેડી શકાયો હોત. અચાનક પાણીનો પ્રવાહ વધતાં અનેક ઉદ્યોગકારોને માલસામાન બચાવવાનો પણ સમય મળ્યો નહોતો.
ADVERTISEMENT
પાણી ઓસર્યું, હવે ફેક્ટરીઓમાંથી કાદવ કાઢવાની કામગીરી
હાલ પૂરનું પાણી ઓસરતાં રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબ સહિતના વિસ્તારોમાં સાફસફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફેક્ટરીઓમાંથી કાદવ અને પાણી કાઢવામાં આવી રહ્યું છે. જોકે, પાણીમાં ડૂબેલી મશીનરી અને તૈયાર માલને કારણે ઉદ્યોગકારો સામે મોટો આર્થિક પડકાર ઊભો થયો છે.
ઉદ્યોગકારોનું કહેવું છે કે નાના ઉદ્યોગો માટે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું સરળ નથી. હવે સરકાર દ્વારા નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ઉદ્યોગકારોને રાહત પેકેજ કે જરૂરી આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે બાવળા-સરખેજ હાઇવે બેટમાં ફેરવાયો, રાજકોટ તરફ જતા લોકોએ આ રસ્તો લેવો
વલસાડ જિલ્લામાં પૂરનાં પાણી ઓસરવા લાગ્યાં છે, પરંતુ વાપીના આ ઔદ્યોગિક વિસ્તારમાં કુદરતી આફતની અસર લાંબા સમય સુધી જોવા મળશે. એક તરફ ઉદ્યોગકારો ફરીથી પોતાની ફેક્ટરીઓ શરૂ કરવાની મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના નુકસાન બાદ સરકારની રાહત અને સહાયની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.