ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પનો એક ફોન કોલ, અને Nvidiaના CEO પદ પર જેન્સન હુઆંગની ધમાકેદાર વાપસી

વર્લ્ડ / ટ્રમ્પનો એક ફોન કોલ, અને Nvidiaના CEO પદ પર જેન્સન હુઆંગની ધમાકેદાર વાપસી

Published By: Jinal Chauhan

Last Updated: 09:43 AM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની દિગ્ગજ ચિપ કંપની Nvidiaમાં માત્ર 11 દિવસમાં એવો મોટો ફેરફાર થયો કે આખી દુનિયાની નજર તેના પર ટકેલી છે. CEO પદેથી હટાવાયેલા જેન્સન હુઆંગની વાપસી પાછળ ટ્રમ્પનો એક ફોન કોલ અને વ્હાઇટ હાઉસની અંદર ચાલેલી ખાસ કવાયત જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

આ આખા ઘટનાક્રમમાં સૌથી રસપ્રદ વાત એ છે કે એક કંપનીના CEOને પાછા લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિએ સીધો હસ્તક્ષેપ કર્યો. ટ્રમ્પે બોર્ડના સભ્યો સાથે વાત કરી અને જેન્સન હુઆંગને પાછા લાવવાની તરફેણ કરી. ઉપ રાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પણ આ માટે ખાસ જવાબદારી સંભાળી હતી. માત્ર 72 કલાક સુધી ચાલેલી વાતચીત અને બેઠકો બાદ બોર્ડે પોતાનો નિર્ણય બદલ્યો. હુઆંગની વાપસીના સમાચાર આવતાં જ શેરબજારમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો.

11 દિવસમાં આખી રમત કેવી રીતે બદલાઈ?

Nvidiaના સહ-સ્થાપક જેન્સન હુઆંગને CEO પદેથી હટાવવાનો નિર્ણય કંપની માટે મોટો ઝટકો હતો. કંપનીના બોર્ડે તેમના વર્તનને આચારસંહિતા અને કંપનીના નિયમોની વિરુદ્ધ ગણાવ્યું હતું. આ નિર્ણય પાછળ તેમના અંગત સંબંધોને લઈને ઊભા થયેલા વિવાદની પણ ચર્ચા હતી.પરંતુ આ નિર્ણય લાંબો સમય ટક્યો નહીં. માત્ર 11 દિવસ બાદ જેન્સન હુઆંગ ફરી CEO તરીકે જવાબદારી સંભાળવા માટે પાછા ફર્યા. આ વખતે તેમની વાપસી પાછળ માત્ર કંપનીના બોર્ડની ભૂમિકા નહોતી, પરંતુ અમેરિકાના સૌથી શક્તિશાળી રાજકીય મથક વ્હાઇટ હાઉસની પણ મોટી ભૂમિકા હતી.ટ્રમ્પનું માનવું હતું કે Nvidia જેવી કંપનીના વડાને ગુમાવવું અમેરિકા માટે યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની રેસ ચાલી રહી છે અને ચીન સાથે ટેક્નોલોજીની કોમ્પિટીશન વધી રહી છે, ત્યારે હુઆંગ જેવા વ્યક્તિની ભૂમિકા અમેરિકાની દૃષ્ટિએ ઘણી મોટી છે.

ટ્રમ્પે બોર્ડના સભ્યોને ફોન કરીને શું સમજાવ્યું?

જેન્સન હુઆંગની વાપસી માટે ટ્રમ્પે સીધા કંપનીના બોર્ડના સભ્યોનો સંપર્ક કર્યો હતો. તેમણે બોર્ડ સમક્ષ હુઆંગની તરફેણમાં વાત મૂકી હતી. ટ્રમ્પને ચિંતા હતી કે જો Nvidiaના CEO પદેથી હુઆંગ દૂર રહેશે તો તેની અસર માત્ર કંપની પૂરતી સીમિત નહીં રહે.Nvidia અમેરિકાની AI અને ચિપ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. દુનિયાભરની ટેક્નોલોજી કંપનીઓ AI માટે જે ખાસ ચિપ્સનો ઉપયોગ કરે છે, તેમાં Nvidiaની ચિપ્સની મોટી ભૂમિકા છે. આવી સ્થિતિમાં કંપનીના નેતૃત્વમાં અચાનક ફેરફાર થાય તો રોકાણકારોનો વિશ્વાસ ડગમગી શકે છે.ટ્રમ્પને એ પણ ચિંતા હતી કે હુઆંગની વિદાયથી અમેરિકાના શેરબજાર અને દેશની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થઈ શકે છે. તેથી તેમણે બોર્ડને સમજાવ્યું કે હુઆંગને ફરી જવાબદારી સોંપવી અમેરિકાના લાંબા ગાળાના હિતમાં છે.

જે.ડી. વેન્સે 72 કલાક સુધી સંભાળ્યો મોરચો

ટ્રમ્પે આ મામલામાં ઉપ રાષ્ટ્રપતિ જે.ડી. વેન્સને પણ મેદાનમાં ઉતાર્યા હતા. બોર્ડના સભ્યોને મનાવવાની જવાબદારી વેન્સને સોંપવામાં આવી હતી. સિલિકોન વેલી સાથે અગાઉથી સંપર્ક ધરાવતા વેન્સે આ મામલે પોતાની ઓળખાણોનો ઉપયોગ કર્યો હતો.તેમણે લગભગ 72 કલાક સુધી જેન્સન હુઆંગ અને કંપનીના બોર્ડ સાથે સીધો સંપર્ક જાળવી રાખ્યો હતો. વેન્સનો પ્રયાસ હતો કે બોર્ડ પોતાના અગાઉના નિર્ણય પર ફરી વિચાર કરે. આ દરમિયાન તેમણે બોર્ડને સમજાવ્યું કે સરકારને એવી કોઈ સાબિતી મળી નથી કે હુઆંગે કોઈ અન્ય ગેરકાયદેસર કામ કર્યુ હોય અથવા તેમની પાસેથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું થયું હોય.આ સમગ્ર કવાયતમાં અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ પણ જોડાયા હતા. એટલું જ નહીં, અમેરિકાના એટર્ની જનરલ ટોડ બ્લેન્ચ અને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર જે ક્લેટને પણ હુઆંગ સામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો કોઈ ગેરકાયદેસર પુરાવો ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતું.આમ, એક કંપનીના CEOની વાપસી માટે અમેરિકાના ટોચના રાજકીય અને સરકારી સ્તરે સતત પ્રયાસો થયા હતા.

ટ્રમ્પે પોતે સ્વીકારી પોતાની ભૂમિકા

જેન્સન હુઆંગની વાપસી બાદ ટ્રમ્પે પણ આ સમગ્ર ઘટનામાં પોતાની ભૂમિકા અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. સોમવારે એક મુલાકાત દરમિયાન તેમણે સ્વીકાર્યુ હતું કે આ મામલે તેમનો હસ્તક્ષેપ ઘણો મહત્વનો રહ્યો હતો.ટ્રમ્પના કહેવા પ્રમાણે, તેમણે બોર્ડ સાથે વાત કરી હતી અને બોર્ડે તેમની ઇચ્છા પ્રમાણે નિર્ણય લીધો હતો. તેમણે હુઆંગને અમેરિકાના એક શાનદાર પ્રતિભાશાળી વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમના ફરી કામ પર પાછા ફરવાને આવકાર્યો હતો.ટ્રમ્પના આ નિવેદનથી એ સ્પષ્ટ થયું કે હુઆંગની વાપસી માત્ર કંપનીનો આંતરિક નિર્ણય નહોતો. અમેરિકાની AI નીતિ, ચીન સાથેની કોમ્પિટીશન અને શેરબજારના હિતને ધ્યાનમાં રાખીને આ મામલો રાષ્ટ્રપતિ સ્તર સુધી પહોંચ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનની પડખે કેમ ઊભું રહ્યું હતું ચીન? અમેરિકી અહેવાલમાં થયો મોટો ઘટસ્ફોટ

આખો વિવાદ શું હતો? ચીન સાથે જોડાયેલી કડી પણ સામે આવી

આ ઘટનાની શરૂઆત જેન્સન હુઆંગના અંગત સંબંધોને લઈને થયેલા વિવાદથી થઈ હતી. મળતી વિગતો પ્રમાણે, તેમના બે સંબંધોને લઈને કંપનીના બોર્ડમાં સવાલો ઊભા થયા હતા. જેમાં એક સંબંધ કંપનીમાં તેમની સાથે કામ કરતી એક મહિલા કર્મચારી સાથે અને બીજો મેગાસ્પીડ કંપનીની એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથે જોડાયેલો હતો.આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે એલિસ હુઆંગના ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંભવિત સંબંધ હોવાની આશંકા વ્યક્ત થઈ. અમેરિકાના અધિકારીઓને એવી પણ ચિંતા હતી કે મેગાસ્પીડ દ્વારા ખરીદવામાં આવેલી Nvidiaની ચિપ્સ ચીન સુધી પહોંચી શકે છે.આશંકા માત્ર વ્યક્તિગત સંબંધો પૂરતી સીમિત નહોતી. તેમાં અમેરિકાની ટેક્નોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ જોડાઈ ગયો હતો. જોકે, હુઆંગની વાપસીનો રસ્તો સાફ થયા બાદ પણ આ મામલો પૂરો થયો નથી.અમેરિકાના વાણિજ્ય વિભાગે મેગાસ્પીડને અમેરિકાની એન્ટિટી લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ યાદીમાં સામેલ થવાથી કંપની પર અમેરિકાની ટેક્નોલોજી અને ઉત્પાદનો મેળવવા મામલે નિયંત્રણો આવી શકે છે. બીજી તરફ, Nvidiaનું બોર્ડ પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી પોતાની આંતરિક તપાસ ચાલુ રાખશે.

હુઆંગની વાપસીથી Nvidiaના શેરમાં ઐતિહાસિક ઉછાળો

જેન્સન હુઆંગની વાપસીના સમાચારની સીધી અસર શેરબજારમાં જોવા મળી હતી. Nvidiaના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. આ કંપનીના ઇતિહાસના સૌથી સારા ટ્રેડિંગ દિવસોમાંનો એક રહ્યો હતો.એક જ ટ્રેડિંગ સેશનમાં કંપનીની માર્કેટ વેલ્યુમાં 952 અબજ ડોલરનો વધારો થયો હતો. એટલે કે CEOની વાપસીના સમાચારથી રોકાણકારોમાં વિશ્વાસ એટલો વધ્યો કે કંપનીના મૂલ્યમાં જંગી વધારો નોંધાયો.આ દરમિયાન Nasdaq Composite Indexમાં પણ 6.51 ટકાની તેજી જોવા મળી હતી. હુઆંગની વ્યક્તિગત સંપત્તિમાં પણ એક જ દિવસમાં અંદાજે 33 અબજ ડોલરનો વધારો થયો હતો. તેમની કુલ સંપત્તિ આશરે 143 અબજ ડોલર આંકવામાં આવી હતી.આ આંકડા બતાવે છે કે Nvidia જેવી કંપનીમાં નેતૃત્વનો નિર્ણય વૈશ્વિક શેરબજારને પણ કેટલી હદે અસર કરી શકે છે.

હવે અમેરિકાની સંસદમાં હુઆંગે આપવો પડશે જવાબ

CEO પદે પાછા ફર્યા બાદ પણ જેન્સન હુઆંગ માટે મુશ્કેલીઓ પૂરી થઈ નથી. આગામી ગુરુવારે તેઓ અમેરિકાની સેનેટ બેન્કિંગ કમિટી સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરશે.આ દરમિયાન તેમના અંગત વર્તન, ચીન સાથે જોડાયેલા મુદ્દા, Nvidiaની ચિપ્સની નિકાસ અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા જેવા સવાલો ઉઠી શકે છે. આ ઉપરાંત, એક ખાનગી કંપનીના CEOને પાછા લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિએ કરેલા હસ્તક્ષેપ અંગે પણ ચર્ચા થઈ શકે છે.હાલ પૂરતું તો ટ્રમ્પના ફોન કોલ અને વેન્સની 72 કલાકની કવાયત બાદ હુઆંગે CEOની ખુરશી પાછી મેળવી લીધી છે. પરંતુ હવે સવાલ એ છે કે સંસદમાં થનારી પૂછપરછ બાદ આ વિવાદને કેટલો વિરામ મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Jensen Huang Trump Nvidia CEO

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ