ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:26 PM, 24 November 2026
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ હતું, પરંતુ ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનને મદદ કરી રહ્યું હતું. તાજેતરના અહેવાલોમાં ખુલાસો થયો છે કે ચીન પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યું હતું અને ગુજરાત ચીનના જાસૂસી અભિયાનના નિશાન પર હતું.
ADVERTISEMENT
ગુજરાતનો દરિયાકાંઠો હતો ચીનના જાસૂસી સેટેલાઇટ્સના રડાર પર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ચીન પણ અંતરિક્ષમાંથી ભારતની વ્યૂહાત્મક ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યું હતું. ખાસ કરીને ગુજરાતનો દરિયાકાંઠો ચીનના જાસૂસી સેટેલાઇટ્સના રડાર પર હતો. એક વિશેષ અહેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અહેવાલ અનુસાર ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનના ત્રણ સેટેલાઇટ્સ ગુજરાતના દરિયાકાંઠા પર સતત નજર રાખી રહ્યા હતા. આ ત્રણ સેટેલાઇટ્સમાં નિંગ્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગાન-30નો સમાવેશ થાય છે.
ખાસ કરીને ૧૦ અને ૧૧ મેના રોજ આ ત્રણેય સેટેલાઇટ્સ ભૂજ, નલિયા અને જામનગરની રિલાયન્સ રિફાઈનરીની આસપાસ કેન્દ્રિત હતા. આ વિસ્તારોમાં ભારતીય વાયુસેનાનાં મહત્ત્વનાં મથકો, નૌકાદળની વ્યૂહાત્મક હાજરી, બંદરો અને દેશની ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક એકમો આવેલા છે.
ADVERTISEMENT
બેંગલુરુ સ્થિત સ્પેસ સર્વેલન્સ કંપની દિગંતારાના વિશ્લેષણના આધારે આ ચોંકાવનારી માહિતી પ્રથમ વાર સામે આવી છે.
ADVERTISEMENT
આ ખુલાસો એટલા માટે પણ મહત્ત્વનો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન જમીન પરની મુખ્ય લશ્કરી કાર્યવાહી જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં કેન્દ્રિત હતી, પરંતુ ગુજરાતનો દરિયાકાંઠો પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો બની રહ્યો હતો.

ADVERTISEMENT
પાકિસ્તાન સાથે સંઘર્ષ, ગુજરાત પર ચીનની નજર
૭ મેથી ૧૦ મે દરમિયાન ગુજરાતમાં ડ્રોન ગતિવિધિઓ, સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટ, હવાઈ હુમલાના એલર્ટ, એરપોર્ટ બંધ કરવાની કાર્યવાહી અને બંદરોની કામગીરી સ્થગિત કરવાની ઘટનાઓ બની હતી. ખાસ કરીને ભૂજ, નલિયા, જામનગર અને કચ્છ સરહદનો વિસ્તાર તણાવ હેઠળ હતો.
ADVERTISEMENT
આ દરમિયાન ચીનના સેટેલાઇટ્સ ગુજરાતના આ વિસ્તારોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. આ માત્ર સામાન્ય અવકાશી અવલોકન નહોતું. આ સેટેલાઇટ્સ પાસે લશ્કરી અને વ્યૂહાત્મક ગતિવિધિઓની માહિતી એકત્ર કરવાની ક્ષમતા છે.
ગુજરાતનો દરિયાકાંઠો અરબી સમુદ્ર તરફ આવેલો હોવાથી પાકિસ્તાનના દરિયાઈ માર્ગોની નજીક છે. અહીં ભારતીય વાયુસેનાનાં મહત્ત્વનાં મથકો ઉપરાંત નૌકાદળની હાજરી અને દેશની સુરક્ષા તથા અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક એકમો પણ છે.
ભૂજમાં ભારતીય વાયુસેનાનું મહત્ત્વનું મથક આવેલું છે, જ્યારે નલિયા પશ્ચિમ કચ્છમાં આવેલું અગ્રીમ એરબેઝ છે. બંને સ્થળો પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી પશ્ચિમ સરહદની સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે.
જામનગરમાં ભારતની શાન તેવી દુનિયાની સૌથી મોટી રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી અને પેટ્રોકેમિકલ સંકુલ આવેલું છે. આ સંકુલ દેશની ઊર્જા વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની સાથે જોડાયેલી બંદર સુવિધાઓ પણ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે.
સેટેલાઈટ્સ શું માહિતી એકત્ર કરી શકે?
અહેવાલ મુજબ આ ત્રણેય સેટેલાઇટ્સ પાસે અલગ-અલગ પ્રકારની સર્વેલન્સ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ એકત્ર કરવાની ક્ષમતા છે.
નિંગ્શિયા-14 રેડિયો ફ્રીક્વન્સી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ પર નજર રાખી શકે છે. લશ્કરી રડાર, નૌકાદળનાં જહાજોના રડાર, સંદેશાવ્યવહારનાં સાધનો અને એર ડિફેન્સ સિસ્ટમમાંથી નીકળતા સિગ્નલ્સને ઓળખવાની તેની ક્ષમતા છે.
આનો અર્થ એ થયો કે કોઈ નૌકાદળનું જહાજ પોતાનું રડાર ચાલુ કરે તો તેના દ્વારા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ સેટેલાઇટ દ્વારા પકડી શકાય છે. તેના આધારે જહાજની સંભવિત સ્થિતિ અને કોઈ ચોક્કસ વિસ્તારમાં લશ્કરી ગતિવિધિ વધી રહી છે કે નહીં તેની માહિતી મળી શકે છે.
ગાઓફેન-11 પાસે હાઈ રિઝોલ્યુશનવાળી તસવીરો લેવાની ક્ષમતા છે. અમેરિકન જિયોલોજિકલ સર્વેના ૨૦૨૨ના રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કમ્પેન્ડિયમ મુજબ તેની પેન્ક્રોમેટિક ઇમેજિંગ ક્ષમતા ૦.૮ મીટર છે એટલે કે તે જમીન પરની વસ્તુઓની અત્યંત સ્પષ્ટ તસવીરો મેળવી શકે છે.
આ ટેક્નોલોજીથી બંદર પર ઊભેલાં રહેલાં જહાજો, તેમની સ્થિતિમાં થતા ફેરફાર, એરબેઝ પર પાર્ક કરાયેલાં વિમાનો અને રનવેની ગતિવિધિઓનું નિરીક્ષણ શક્ય બને છે.
યાઓગાન-30 પણ રડાર સિગ્નલ્સ ઓળખવા અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ એકત્ર કરવા માટે સજ્જ છે. તેના સેટેલાઇટ્સની ગોઠવણી એવી છે કે એક પછી એક સેટેલાઇટ દ્વારા સતત અંતરે નિરીક્ષણ શક્ય બને.
યુદ્ધ દરમિયાન ચીનની અવકાશી જાસૂસીમાં વધારો
દિગંતારાના વિશ્લેષણમાં ઓપરેશન સિંદૂરના ચાર દિવસ દરમિયાન વિવિધ યુદ્ધ ક્ષેત્રોમાં ચીની સેટેલાઇટ્સની જાસૂસી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોવાનું જણાવાયું છે.
અહેવાલમાં યાઓગાન-43 01G સહિતના સેટેલાઇટ્સની ભ્રમણકક્ષામાં ફેરફારની પણ નોંધ લેવામાં આવી છે. ૭ મેના રોજ એટલે કે ઓપરેશન સિંદૂર શરૂ થયું તે દિવસે આ સેટેલાઇટે પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો, જેના કારણે ભારતીય લશ્કરી મથકો પર વધુ સમય સુધી નજર રાખવાની તક મળી હતી.
નિવૃત્ત ભારતીય વાયુસેના ગ્રૂપ કેપ્ટન અજય લેલેના જણાવ્યા અનુસાર આવા સેટેલાઇટ્સ દ્વારા જહાજો જેવાં મોટાં લશ્કરી સાધનોની હિલચાલની માહિતી એકત્ર કરી શકાય છે. તેમના મતે એક સારી તસવીર પણ દરિયાઈ લશ્કરી સંપત્તિની હિલચાલનો અંદાજ મેળવવા માટે પૂરતી બની શકે છે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે યુદ્ધનું મુખ્ય મેદાન ભલે જમ્મુ-કાશ્મીર અને પંજાબ હોય, પરંતુ સંઘર્ષ દરમિયાન અન્ય વિસ્તારોમાંથી મળતી ગુપ્ત માહિતી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે.
ભારતની સુરક્ષા સામે નવો પડકાર
આ સમગ્ર ઘટનાક્રમ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. યુદ્ધ માત્ર સરહદ પર લડાતું નથી. આધુનિક યુદ્ધમાં અવકાશમાંથી થતી જાસૂસી, ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સનું નિરીક્ષણ અને લશ્કરી ગતિવિધિઓની રિયલ ટાઇમ માહિતી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
ચીનના સેટેલાઇટ્સની ગુજરાતના દરિયાકાંઠા પરની ગતિવિધિઓ એ દર્શાવે છે કે દેશનાં લશ્કરી મથકોની સાથે ઔદ્યોગિક અને ઊર્જા માળખાં પણ અવકાશી સર્વેલન્સના જોખમ હેઠળ આવી શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે ચીનની આ પ્રકારની સક્રિયતા ભારત માટે ચિંતાનો વિષય છે, જોકે આ અહેવાલ ચીને પાકિસ્તાનને સીધી લશ્કરી મદદ કરી હોવાનો પુરાવો આપતો નથી, પરંતુ સંઘર્ષ દરમિયાન ભારતની વ્યૂહાત્મક ગતિવિધિઓ પર ચીનની અવકાશી નજર કેટલી સઘન હતી તે ચોક્કસપણે ઉજાગર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.