બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના પૂર અસરગ્રસ્તો માટે સહાય જાહેર, ચૂકવાશે 1 લાખ સુધીનું વળતર

ગુજરાત / સુરતના પૂર અસરગ્રસ્તો માટે સહાય જાહેર, ચૂકવાશે 1 લાખ સુધીનું વળતર

Nidhi Panchal

Last Updated: 01:47 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભારે વરસાદ અને પૂરના કારણે નુકસાન ભોગવનારા વેપારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ સીધી આર્થિક સહાય ઉપરાંત લોન અને વ્યાજ સહાયની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી વેપારીઓની દુકાનો અને ધંધાના સ્થળોમાં ઘૂસી જતાં લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો અને અનેક વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. સરકાર દ્વારા વેપારીઓને ₹7,500થી લઈને ₹1 લાખ સુધીની સહાય તેમજ ફરી ધંધો શરૂ કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

surat rain

ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વગર નુકસાન સહન કરનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે આ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લારી અને રેકડી ચલાવતા તથા નુકસાન પામેલા લોકોને ₹7,500ની સહાય આપવામાં આવશે. સરકારનો હેતુ નાના વેપારીઓને ઝડપથી ફરી રોજગાર સાથે જોડવાનો છે.

અલગ-અલગ સહાયની જોગવાઈ

રાહત પેકેજમાં વિવિધ પ્રકારના વેપારીઓ માટે અલગ-અલગ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. 40 ફૂટ સુધીની નાની કેબિન ધરાવતા વેપારીઓને ₹25 હજાર, જ્યારે 40 ફૂટથી વધુ કદની કેબિન ધરાવતા વેપારીઓને ₹50 હજારની સહાય આપવામાં આવશે. ઉપરાંત, પાકી દુકાનમાં નુકસાન થયેલા વેપારીઓને ₹1 લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ સહાયનો લાભ એવા વેપારીઓને મળશે જેમણે છેલ્લા ત્રણ મહિનામાં નિયમિત રીતે GST રિટર્ન ભર્યું હશે.

સીધી સહાય જ નહીં પરંતુ ધંધો ફરીથી શરૂ કરવામાં સરળતા

રાજ્ય સરકારે વેપારીઓને માત્ર સીધી સહાય જ નહીં પરંતુ ધંધો ફરીથી શરૂ કરવામાં સરળતા રહે તે માટે લોન સહાય યોજના પણ જાહેર કરી છે. આ યોજના હેઠળ ત્રણ વર્ષ સુધી લોનના વ્યાજ પર 7 ટકા સહાય રાજ્ય સરકાર ચૂકવશે. આ નિર્ણયથી વેપારીઓ પર વ્યાજનું ભારણ ઘટશે અને તેઓ સરળતાથી પોતાનો વ્યવસાય ફરી શરૂ કરી શકશે.

Harsh-Sanghvi

લોન સહાય યોજનાના માપદંડ પણ જાહેર કરવામાં આવ્યા છે. GSTમાં ₹7 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹20 લાખ સુધીની લોન અને ₹5 લાખ સુધીની વ્યાજ સહાય મળશે. જ્યારે ₹7.5 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹25 લાખ સુધીની લોન અને ₹8 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. ઉપરાંત, ₹7.5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹30 લાખ સુધીની લોન અને ₹10 લાખ સુધીની વ્યાજ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના વેપારીઓને ફરી આર્થિક રીતે ઉભા થવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

ઘરવખરી સહાય ઝડપથી મળે

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત લોકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ઝડપથી મળે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી સામાન્ય બને તે માટે ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત શહેરમાં સફાઈ અને આરોગ્ય સંબંધિત કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ ગ્રામ્યમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરતી માફિયા ટોળકીઓ બેફામ બની , ગ્રામજનોમાં રોષ

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરી દીધી છે. ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર પર અસર પડવાના કારણે નોકરીએ જઈ શક્યા ન હોય એવા લોકોને પણ સહાય આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ અને પરિવારોને મોટી રાહત મળી છે અને તેઓ ફરી સામાન્ય જીવન અને વ્યવસાય તરફ આગળ વધી શકે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Relief Package Surat Flood Traders
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ