ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / શેઠ હોય તો આવા, દિવાળી બોનસમાં આપી લાખો રૂપિયાની કડકડતી નોટો, કર્મચારીઓ ભાવુક થઈ ભેટી પડ્યા
Last Updated: 06:29 PM, 7 November 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવાર નિમિત્તે સામાન્ય રીતે કંપનીઓ પોતાના કર્મચારીઓને મીઠાઈના પેકેટ કે રોકડ બોનસ આપીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક કાપડ વેપારીએ કર્મચારીઓ પ્રત્યેની લાગણી અને ઉદારતાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
સુરતના સુદામા ચોક ખાતે આવેલી મહાદેવ ક્લોથ સેન્ટરના વેપારી રામસ્વરૂપ મુંડેએ પોતાના 20 કર્મચારીઓને દિવાળીના અવસરે પ્રતિ કર્મચારી ₹1 લાખથી વધુનું રોકડ બોનસ આપ્યું હતું. ખાસ વાત એ હતી કે આ બોનસ સામાન્ય કવર કે ચેકમાં નહીં, પરંતુ સુંદર પૂજાની થાળીમાં ચલણી નોટોના બંડલ ગોઠવીને કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
થાળીમાં સજાવ્યા ₹10થી ₹500 સુધીની નોટોના બંડલ
વેપારીએ કર્મચારીઓ માટે બોનસની ભેટને યાદગાર બનાવવા ખાસ વ્યવસ્થા કરી હતી. ચાંદી જેવી ચમકતી પૂજાની થાળીમાં ₹10, ₹20, ₹50, ₹100, ₹200 અને ₹500ની નવી ચલણી નોટોના બંડલ સુંદર રીતે ગોઠવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કર્મચારીઓને જ્યારે આટલી મોટી રકમની થાળી સોંપવામાં આવી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વેપારીની પત્નીના હાથે કર્મચારીઓને આ ભેટ આપવામાં આવી હતી. અણધારી આર્થિક સહાય મળતાં કર્મચારીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.
'કર્મચારીઓ નહીં, મારા પરિવારના સભ્યો છે'
ADVERTISEMENT
રામસ્વરૂપ મુંડેના જણાવ્યા અનુસાર, તેમની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ માત્ર નોકરી કરતા લોકો નથી, પરંતુ તેમના પરિવારનો જ એક ભાગ છે. આખું વર્ષ કર્મચારીઓની મહેનત અને સમર્પણના કારણે વેપાર આગળ વધે છે, ત્યારે દિવાળીના પર્વે તેમના પરિવારમાં પણ ખુશી અને સમૃદ્ધિ આવે તે તેમની ઇચ્છા હતી. તેમનો ઉદ્દેશ્ય એવો હતો કે કર્મચારીઓ પોતાના પરિવાર સાથે દિવાળીની ખરીદી મનભરીને કરી શકે અને તેમના ઘરમાં પણ ખુશીઓનો પ્રકાશ ફેલાય. આ વિચાર સાથે તેમણે પોતાના કર્મચારીઓ માટે દિલ ખોલીને બોનસની વ્યવસ્થા કરી હતી.
કર્મચારીનું ઘર ખરીદવાનું સપનું થશે પૂરું
ADVERTISEMENT
આ અનોખી ભેટથી કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. દુકાનમાં કામ કરતા રેખાબેન ભલાડાએ જણાવ્યું કે તેમને આટલું મોટું બોનસ મળશે તેવી કલ્પના પણ નહોતી. તેમણે વધુમાં જણાવ્યું કે પોતાનું ઘર ખરીદવાનું તેમનું સપનું છે અને હાલ તેમને આ માટે નાણાંની જરૂર હતી. દિવાળીના અવસરે મળેલી આ મોટી રકમ તેમના ઘર ખરીદવાના સપનાને સાકાર કરવામાં ખૂબ મદદરૂપ થશે.
સોશિયલ મીડિયા પર વેપારીની ઉદારતાની ચર્ચા
ADVERTISEMENT
કર્મચારીઓને નોટોથી ભરેલી થાળી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો વેપારીની ઉદારતાનાં વખાણ કરી રહ્યા છે. અનેક યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું કે, 'શેઠ હોય તો આવા, જે પોતાના કર્મચારીઓને પરિવારની જેમ સાચવે.' કેટલાક લોકોએ મજાકિયા અંદાજમાં તો એવી પણ ઇચ્છા વ્યક્ત કરી કે આગામી વર્ષે આ જ દુકાનમાં નોકરી મેળવવી છે!
આ પણ વાંચોઃ અમદાવાદમાં બુટલેગરોની ધરપકડ: ક્રેટ કારમાંથી ₹17.31 લાખનો દારૂ ઝડપાયો
દિવાળીના તહેવારની સાચી ભાવના માત્ર ઉજવણી કે ખરીદીમાં નહીં, પરંતુ પોતાની સાથે જોડાયેલા લોકોના જીવનમાં ખુશીઓ વહેંચવામાં રહેલી છે. રામસ્વરૂપ મુંડેની આ પહેલે સાબિત કર્યું છે કે કર્મચારીઓની મહેનતનું સન્માન માત્ર શબ્દોથી નહીં, પરંતુ દિલથી કરવામાં આવે ત્યારે સંબંધો વધુ મજબૂત બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.