ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / "રાજીવને વડાપ્રધાન બનવાની ના પાડી હતી!" Exclusive ઈન્ટરવ્યુમાં સોનિયા ગાંધીએ કર્યા ખુલાસા

નેશનલ / "રાજીવને વડાપ્રધાન બનવાની ના પાડી હતી!" Exclusive ઈન્ટરવ્યુમાં સોનિયા ગાંધીએ કર્યા ખુલાસા

Published By: Vishal Khamar

Last Updated: 04:13 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ ગાર્ડિયનને આપેલા Exclusive ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ ઇન્દિરા ગાંધીની હત્યા, કટોકટી, રાજીવ ગાંધી સાથેના સંબંધો, કોંગ્રેસની રાજકીય સફર અને મોદી સરકારની નીતિઓ અંગે કરી વાત

ADVERTISEMENT

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા અંગે ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. આ પુસ્તકમાં ઘણા અજાણ્યા કિસ્સાઓનો ઉલ્લેખ છે. સોનિયા ગાંધી પણ પોતાના જીવનની અજાણી બાજુઓને વ્યક્ત કરી રહ્યા છે. ધ ગાર્ડિયનને આપેલા એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ અને પોતાના સંસ્મરણો ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’માં તેમણે રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાતથી લઈને તેમની હત્યા સુધીની હૃદયદ્રાવક યાદો વાગોળી છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધીની હત્યા, 1975ની કટોકટી, કોંગ્રેસનું નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની કામગીરી અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા છે.

રાજીવ સાથે પહેલી મુલાકાત અને પ્રેમની શરૂઆત

ઇટાલીના એક સામાન્ય પરિવારમાં જન્મેલાં સોનિયા ગાંધી 1960ના દાયકામાં ભાષાનો અભ્યાસ કરવા કેમ્બ્રિજ ગયાં હતાં. અહીં એક ગ્રીક રેસ્ટોરાંમાં તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી. સોનિયા ગાંધીએ ધ ગાર્ડિયનને આપેલા ઈન્ટરવ્યુ મુજબ, પહેલી જ મુલાકાતમાં તેઓ રાજીવ તરફ આકર્ષાયાં હતાં. રાજીવની આંખો, તેમનો દેખાવ અને પ્રેમાળ સ્વભાવ તેમને ખૂબ ગમ્યો હતો. તે સમયે રાજીવ ભારતના પ્રભાવશાળી નેહરુ-ગાંધી પરિવારના સભ્ય છે તેની તેમને ખાસ જાણ નહોતી.

1968માં બંનેએ લગ્ન કર્યાં અને સોનિયા ભારત આવ્યાં. ત્યાર રાજીવ ગાંધી પાઇલટ તરીકે કામ કરતા હતા. સોનિયા માટે શરૂઆતના વર્ષો પ્રેમ અને પારિવારિક ખુશીઓથી ભરપૂર હતા. બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેર કરવામાં પણ સંકોચ અનુભવતાં નહોતાં.

ઇન્દિરા ગાંધી સાથેના સંબંધો અને કટોકટી અંગે મતભેદ

ભારત આવ્યા બાદ સોનિયાને શરૂઆતમાં ઇન્દિરા ગાંધીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી સંકોચ થતો હતો. સોનિયા ગાંધીનું કહેવું છે કે ઈન્દિરા ગાંધી ઘરમાં તેઓ સામાન્ય માતાની જેમ રહેતાં હતાં. ક્યારેક ગુસ્સે પણ થઈ જતાં હતાં. સોનિયાના સંસ્મરણોમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં ગુસ્સે થયેલાં ઇન્દિરાએ જમતી વખતે પોતાની થાળી ટેબલ પરથી ફેંકી દીધી હતી.

સોનિયા ગાંધીએ પોતાના ઈન્ટરવ્યુમાં કરેલી વાત મુજબ 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી ત્યારે પરિવારની અંદર પણ આ નિર્ણયને લઈને મતભેદ હતા. રાજીવ ગાંધી કટોકટીની વિરુદ્ધ હતા અને તેમણે માતાને ચૂંટણી સુધી રાહ જોવાની સલાહ આપી હતી. બીજી તરફ સંજય ગાંધી કડક વલણ અપનાવવાના પક્ષમાં હતા.

સોનિયા ગાંધીનું માનવું છે કે જો સંજય ગાંધીને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હોત તો કટોકટી દરમિયાન થયેલું નુકસાન ઘટાડી શકાયું હોત. તેમના મતે કટોકટી જાહેર કરવાનો નિર્ણય ઇન્દિરા ગાંધીની મોટી ભૂલ હતી. આ સમયગાળામાં નાગરિક સ્વતંત્રતાઓ પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં, મીડિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઇન્દિરાની હત્યા અને રાજીવને વડાપ્રધાન બનવાની ના પાડવા વિનંતી

31 ઑક્ટોબર, 1984ના રોજ ઇન્દિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. સોનિયા ગાંધીના જણાવ્યા પ્રમાણે, ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ બહાર દોડી ગયાં હતાં. ત્યાં ઇન્દિરા લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. સોનિયા તેમને કારમાં હોસ્પિટલ લઈ ગયાં હતાં, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઇન્દિરાની હત્યા બાદ રાજીવ ગાંધીને વડાપ્રધાન બનવા માટે કહેવામાં આવ્યું ત્યારે પણ સોનિયા ભારે આઘાતમાં હતાં. તેમણે રાજીવને આ જવાબદારી સ્વીકારવાની ના પાડવા વિનંતી કરી હતી.

સોનિયાએ રાજીવને કહ્યું હતું કે, બાળકો અને પોતાના પરિવાર માટે તેમણે વડાપ્રધાન બનવું જોઈએ નહીં, કારણ કે તેમની પણ હત્યા થઈ શકે છે. જોકે, રાજીવનો જવાબ હતો કે કોઈ પણ સંજોગોમાં તેમની હત્યા થવાની જ છે. સોનિયા કહે છે કે આ ક્ષણથી જ તેમના મનમાં એક ભય ઘર કરી ગયો હતો કે રાજીવનો અંત પણ હિંસક હોઈ શકે છે. ત્યારબાદ પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બાળકોના રૂમમાં પણ સુરક્ષાકર્મીઓ તહેનાત રહેતા હતા અને રાહુલ-પ્રિયંકાનું શાળાએ જવાનું બંધ કરાવ્યું હતું

રાજીવ ગાંધીની હત્યા બાદનું જીવન

21 મે, 1991ના રોજ તમિલ અલગતાવાદી સંગઠન LTTEના આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. આ ઘટનાએ સોનિયા ગાંધીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. સોનિયાની પુત્રી પ્રિયંકાના જણાવ્યા અનુસાર, રાજીવના મૃત્યુ પછી તેમની માતા લાંબા સમય સુધી એકાંતમાં રહેતાં હતાં. તેઓ આખો દિવસ અંધારામાં બેસીને મોઝાર્ટનું રિક્વિયમ સાંભળતાં અને રડતાં હતાં. રાજીવની હત્યા બાદ સોનિયાની બહેને તેમને ઇટાલી પાછા ફરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે ભારત છોડવાનો ઇનકાર કર્યો હતો. સોનિયાનું કહેવું હતું કે ભારત તેમનું અને તેમનાં બાળકોનું ઘર છે.

રાજીવની હત્યા પાછળના કાવતરા અંગે પણ સોનિયાએ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, રાજીવને LTTE તરફથી મળેલી ધમકીઓની ગુપ્તચર એજન્સીઓને જાણ હતી, છતાં તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ હત્યા પાછળનું મોટું કાવતરું હજુ સંપૂર્ણપણે બહાર આવ્યું નથી અને હવે સત્ય જાણવા મળશે કે નહીં તે અંગે પણ તેમણે નિરાશા વ્યક્ત કરી છે.

મોદી સરકાર પર ગંભીર આક્ષેપો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની કામગીરી અંગે સોનિયા ગાંધીએ આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમના મતે ભાજપની વિચારધારા ભારતના બંધારણીય અને ધર્મનિરપેક્ષ માળખાથી વિપરીત છે.

સોનિયા ગાંધીનો આક્ષેપ છે કે મોદી સરકાર લોકશાહી સંસ્થાઓને નબળી પાડી રહી છે અને દેશમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમો સામે દમનનું વાતાવરણ ઊભું થયું છે. તેમના મતે સંસદમાં ચર્ચા અને વિપક્ષની ભૂમિકા સતત ઘટી રહી છે.

તેમણે સરકારની કાર્યપદ્ધતિને સરમુખત્યારશાહી વલણ સાથે સરખાવી હતી. સોનિયાના જણાવ્યા પ્રમાણે, સરકાર સાથે તેમના સંબંધો પણ સૌહાર્દપૂર્ણ નથી અને તેમની તથા તેમનાં બાળકો સામે થયેલા પોલીસ કેસ રાજકીય બદલાની ભાવના દર્શાવે છે.

બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાને યાદ કરતાં સોનિયાએ કહ્યું કે ડિસેમ્બર 1992માં ટીવી પર આ દૃશ્યો જોઈને તેઓ રડી પડ્યાં હતાં. તેમને લાગ્યું હતું કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુએ કલ્પના કરેલા ધર્મનિરપેક્ષ ભારતનું સ્વપ્ન જોખમમાં મુકાઈ ગયું છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે દેશમાં હિન્દુત્વની રાજનીતિના ઉદય માટે કોંગ્રેસની નિષ્ક્રિયતા પણ અમુક અંશે જવાબદાર રહી છે.

કોંગ્રેસનું નેતૃત્વ અને વડાપ્રધાન બનવાનો ઇનકાર

1998માં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી રહી હતી ત્યારે સોનિયા ગાંધીએ પક્ષનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. તેઓ સ્વભાવે શરમાળ હતાં અને રાજકારણમાં આવવાની તેમની ખાસ ઇચ્છા નહોતી. તેમ છતાં પક્ષને સંભાળવાની જવાબદારી તેમણે સ્વીકારી હતી.

2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા અપાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. જોકે, ચૂંટણી બાદ વડાપ્રધાન બનવાની તક મળવા છતાં તેમણે આ પદ સ્વીકાર્યું નહોતું. તેમના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન બનવાનો ઇનકાર કરવાનો નિર્ણય તેમણે અગાઉથી જ લઈ લીધો હતો. 2017માં તેમણે કોંગ્રેસ અધ્યક્ષપદ રાહુલ ગાંધીને સોંપ્યું હતું. સોનિયા ગાંધી કોંગ્રેસનાં સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેનાર નેતા છે. કોંગ્રેસ પર પરિવારવાદના આરોપો અંગે તેમણે કહ્યું કે આ સવાલ પક્ષને પૂછવો જોઈએ. ચૂંટણીમાં દરેક વ્યક્તિ ભાગ લે છે અને જીત-હારનો સામનો કરે છે.

યુવાનોના વિરોધથી સોનિયાને નવી આશા

દેશમાં યુવાનો દ્વારા સરકાર સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સોનિયા ગાંધી આશાવાદી છે. તેમના મતે યુવાનો હવે સરકારની નીતિઓ સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે, જે લોકશાહી માટે સકારાત્મક સંકેત છે.

તેમણે કહ્યું કે યુવાનોનો આ વિરોધ એક મોટા બદલાવની શરૂઆત બની શકે છે. અગાઉ તેઓ પોતાનાં બાળકોને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપતાં હતાં, પરંતુ હવે તેમને લાગે છે કે આજના સમયમાં તેમનાં બાળકો રાજકારણમાં સક્રિય છે તે સારી વાત છે.

સંસ્મરણોના પ્રકાશનને લઈને વિવાદ

સોનિયા ગાંધીનાં સંસ્મરણો ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’ના પ્રકાશનને લઈને પણ વિવાદ ઊભો થયો હતો. પુસ્તકના ભારતમાં પ્રકાશન માટે પેંગ્વિન રેન્ડમ હાઉસ સાથે વાતચીત ચાલી રહી હતી. સોનિયાના જણાવ્યા પ્રમાણે, પ્રકાશકે કેટલાક ફેરફારો સૂચવ્યા હતા, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહોતો. ત્યારબાદ પ્રકાશકે પુસ્તક પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો હતો.

સોનિયાએ આ ઘટનાને પુસ્તકને સેન્સર કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. જોકે, પેંગ્વિન રેન્ડમ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે સંપાદકીય ફેરફારો અંગે મતભેદને કારણે પુસ્તકનું પ્રકાશન અટકાવવામાં આવ્યું હોવાની વાત સાચી નથી.

રાજકારણથી દૂર હવે પરિવાર અને શોખમાં સમય

હાલમાં સોનિયા ગાંધી રોજિંદા રાજકારણથી થોડાં દૂર રહે છે. તેઓ પરિવાર સાથે સમય વિતાવવાનું અને ઘરના નાના શાકભાજીના બગીચામાં કામ કરવાનું પસંદ કરે છે. ભારતીય શાસ્ત્રીય સંગીત અને યુરોપિયન ઓપેરા તેમને માનસિક શાંતિ આપે છે.

તેમની પાસે નૂરી અને લાપો નામનાં બે જેક રસેલ કૂતરાં છે, જે રાહુલ ગાંધીએ ભેટ આપ્યાં હતાં. પરિવાર સાથે સમય વિતાવવો, પૌત્ર-પૌત્રી સાથે રહેવું અને કલા પ્રદર્શનોની મુલાકાત લેવી તેમની પસંદગીની પ્રવૃત્તિઓમાં સામેલ છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા 8મા પગારપંચની વેબસાઈટ પર ફ્લેશ થયો ન્યૂ મેસેજ, જાણો શું છે ખાસ?

સોનિયા ગાંધીના આ ઇન્ટરવ્યૂમાં વ્યક્તિગત જીવનની લાગણીઓ, પરિવાર પર આવેલા દુઃખદ પ્રસંગો અને દેશની રાજકીય પરિસ્થિતિ અંગેની તેમની ચિંતાઓ એકસાથે સામે આવી છે. રાજીવ ગાંધી સાથેના પ્રેમથી શરૂ થયેલી તેમની સફર ભારતીય રાજકારણમાં લાંબી અને પડકારજનક ભૂમિકા સુધી પહોંચી છે. તેમના સંસ્મરણો માત્ર એક રાજકીય પરિવારની કહાની નથી, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓના ભારતના રાજકીય ઇતિહાસને એક અંગત દૃષ્ટિકોણથી સમજવાની તક પણ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajiv Gandhi Assassination Sonia Gandhi Memoir Belonging Indira Gandhi Assassination

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ