બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદના કારણે પાસપોર્ટ એપોઇન્ટમેન્ટ ચૂકી ગયેલા અરજદારો મૂંઝવણમાં! નવી તારીખની રાહ
Last Updated: 04:32 PM, 28 July 2026
રાજ્યભરમાં શુક્રવાર અને શનિવારે પડેલા મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ બંધ થવા અને વાહનવ્યવહાર ખોરવાતા હજારો લોકો પોતાના નિર્ધારિત કામે પહોંચી શક્યા ન હતા. રાજ્ય સરકારે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બે દિવસ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હતી, જોકે આ જ સમયગાળા દરમિયાન પાસપોર્ટ માટે અગાઉથી સમય લઈને બેઠેલા અરજદારો માટે અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી તરફથી કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT

ભારે વરસાદના કારણે ગુલબાઈ ટેકરા સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરી તેમજ મેમનગર અને બાપુનગરના પાસપોર્ટ સેવા કેન્દ્રો પર નિર્ધારિત સમયે પહોંચી ન શકેલા અરજદારો હવે નવી તારીખની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કચેરી દ્વારા ગેરહાજર રહેલા અરજદારો માટે નવી એપોઇન્ટમેન્ટ, ખાસ કેમ્પ અથવા પ્રાથમિકતાના આધારે સુનાવણી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
પાસપોર્ટ સેવા કેન્દ્રો બહાર રોજની જેમ લાંબી કતારો જોવા મળે છે. અનેક સ્થળોએ અરજદારોને વરસાદ કે તડકામાં ખુલ્લામાં ઊભા રહેવું પડે છે. અરજદારોનો આક્ષેપ છે કે ખાનગી સુરક્ષા કર્મચારીઓ દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણીના નામે લોકોને અંદર જવા દેતા નથી અને નાની ભૂલ બતાવીને પરત મોકલી દે છે, જેના કારણે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાસપોર્ટ કચેરીએ માત્ર એટલી જાહેરાત કરી છે કે નવા અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે શનિવાર અને રવિવારે વિશેષ વ્યવસ્થા રહેશે.
ADVERTISEMENT
જોકે, ભારે વરસાદને કારણે પોતાની નિર્ધારિત તારીખ ચૂકી ગયેલા અરજદારો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરિણામે આવા અરજદારોમાં અનિશ્ચિતતા અને રોષ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર પ્રાદેશિક પાસપોર્ટ કચેરી પર છે કે વરસાદથી અસરગ્રસ્ત અરજદારો માટે નવી તારીખો કે વિશેષ વ્યવસ્થા અંગે ક્યારે નિર્ણય જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.