બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું મોત, પરિવારના ચાર સભ્યો બીમાર
Last Updated: 12:47 PM, 14 August 2026
ભરૂચ જિલ્લાના પાલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલેજના S.K. નગરમાં રહેતા એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારના સભ્યોએ ચિકન રોલ ખાધા બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. સારવાર દરમિયાન પરિવારના 14 વર્ષીય પૂર્વ કુમારનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હવે સમગ્ર મામલે પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, પાલેજના S.K. નગરમાં રહેતો 14 વર્ષીય પૂર્વ કુમાર ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. ગત 8 ઓગસ્ટના રોજ પરિવારના સભ્યોએ પાલેજની સાગર હોટલમાંથી ચિકન રોલ લઈને જમ્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ ભોજન લીધા બાદ બીજા જ દિવસે પરિવારના ચારેય સભ્યોની તબિયત અચાનક લથડી ગઈ હતી.
ADVERTISEMENT
પરિવારના તમામ સભ્યોને ઝાડા અને ઉલટીની ફરિયાદ શરૂ થઈ હતી. સતત તબિયત બગડતા 10 ઓગસ્ટના રોજ ચારેયને પાલેજના સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ પૂર્વ કુમારની તબિયત વધુ ગંભીર બનતાં તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ તેની સ્થિતિમાં ખાસ સુધારો ન આવતા ડોક્ટરોએ તેને વડોદરાની S.S.G હોસ્પિટલમાં રીફર કર્યો હતો. ત્યારબાદ S.S.G. હોસ્પિટલમાં પૂર્વ કુમારની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન 14 વર્ષીય પૂર્વ કુમારનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
પૂર્વ કુમારના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક તરફ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ છે, ત્યારે બીજી તરફ કિશોરના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ચિકન રોલ જમ્યા બાદ સમગ્ર પરિવાર બીમાર પડ્યો અને ત્યારબાદ કિશોરનું મોત થતાં લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાની તમામ વિગતો એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને કિશોરના મોત પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ આગળ વધારી રહી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ સક્રિય બન્યો છે.

ADVERTISEMENT
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંબંધિત હોટલમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કાર્યવાહી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હોટલમાં વેચાયેલા ચિકન રોલની ગુણવત્તા, તેની બનાવટ અને તેમાં કોઈ ખામી હતી કે નહીં તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે ખાદ્ય પદાર્થમાં કોઈ પ્રકારની ગડબડ હતી કે નહીં. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કિશોરના મોતનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, તબીબી તપાસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. તેથી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં હોય.
આ પણ વાંચો : લુડો ગેમ બની લોહિયાળ, ₹500ની શરત જીત્યા બાદ મિત્રએ જ છરીના ઘા ઝીંક્યા
હાલ સમગ્ર કેસમાં પાલેજ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ પર સૌની નજર છે. પાલેજ વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટનાએ લોકોને પણ ચોંકાવી દીધા છે. હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ચિકન રોલ ખાધા બાદ પરિવારની તબિયત કેમ બગડી અને 14 વર્ષીય પૂર્વ કુમારના મોતનું સાચું કારણ શું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.