બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:59 PM, 8 September 2025
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડર જંગલ વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા. આ ઓપરેશનમાં એક જવાન ઘાયલ પણ થયો છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક પાકિસ્તાની નાગરિક અને લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર ‘રહમાન ભાઈ’ હતો, જે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં સક્રિય હતો. બીજો આતંકવાદી શોપિયાંનો રહેવાસી આમિર અહમદ ડાર હતો, જે પણ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો અને બે વર્ષથી આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. આમિર ડારનું નામ પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા 14 આતંકવાદીઓની યાદીમાં સામેલ હતું.
ADVERTISEMENT

આ ઓપરેશનની શરૂઆત ખુફિયા માહિતીના આધારે થઈ હતી, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેનાની 9 રાષ્ટ્રીય રાઈફલ્સ (9RR) અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમે ગુડ્ડર જંગલમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “સંદિગ્ધ ગતિવિધિ દરમિયાન સુરક્ષા દળોએ આતંકવાદીઓને લલકાર્યા, જેના જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. આ પછી બંને પક્ષો વચ્ચે ઉગ્ર ગોળીબાર થયો, જેમાં એક આતંકવાદી માર્યો ગયો અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર ઘાયલ થયો.” આ ઓપરેશન દરમિયાન ત્રણ જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી બે જવાનોએ હોસ્પિટલમાં દમ તોડ્યો.
ADVERTISEMENT

ઘટનાસ્થળેથી સુરક્ષા દળોએ એકે-47 રાઈફલ, પિસ્તોલ અને મોટી માત્રામાં ગોળા-બારૂદ સહિતના હથિયારો જપ્ત કર્યા છે. રહમાન ભાઈ, જેનું અસલી નામ અબ્દુલ રહમાન હતું, 2005થી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો અને તે ઘાટીમાં આતંકવાદી નેટવર્કનો મુખ્ય ચહેરો બની ગયો હતો. તેના પર અનેક આતંકવાદી હુમલાઓ, ગ્રેનેડ હુમલાઓ અને નાગરિકોની હત્યાનો આરોપ હતો. તેની મોતને આતંકવાદી સંગઠન માટે મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે તે પાકિસ્તાનથી હથિયારો અને ફંડિંગની સપ્લાયનું સંચાલન કરતો હતો.
ADVERTISEMENT
વધુમાં વાંચો: સોશિયલ મીડિયા પર પ્રતિબંધ નહી હટે, અમે યુવાનો સામે ઝુકીશું નહી, કેપી ઓલીનું નિવેદન
બીજી તરફ, રવિવારે રાત્રે જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓળખ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા શહેરના રહેવાસી સિરાજ ખાન તરીકે થઈ છે. બીએસએફના જવાનોએ રાત્રે 9:20 વાગ્યે ઓક્ટ્રોઈ ચોકી પર તેને જોયો અને લલકાર્યા બાદ ગોળીબાર કર્યો. તેની પાસેથી પાકિસ્તાની ચલણ સહિત કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલુ છે, જેમાં તેના ઘૂસણખોરીના હેતુ વિશે માહિતી મેળવવામાં આવશે. આ ઘટના દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો દર્શાવે છે. સુરક્ષા દળો દ્વારા કુલગામ, પુલવામા અને શોપિયાં જેવા વિસ્તારોમાં સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી આતંકવાદી નેટવર્કને નબળું પાડી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.