બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:25 AM, 14 July 2026
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા સેલંબા ગામ નજીક દીપડાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષીય યુવક આકાશ વસાવા પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં તેનું મોત થયું છે. યુવક બે દિવસથી લાપતા હતો અને પરિવાર દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આખરે ખેતરથી દૂર આવેલી ઝાડી-ઝાંખરીમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાએ સાગબારા વિસ્તારમાં દીપડાના વધતા આતંકને લઈને ફરી એકવાર ચિંતા વધારી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ, બે દિવસ અગાઉ આકાશ વસાવા પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ યુવકનો કોઈ પત્તો ન લાગતાં પરિવારજનો અને સ્થાનિક લોકોએ અનેક જગ્યાએ તેની શોધખોળ શરૂ કરી હતી. સતત બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ ખેતરથી દૂર આવેલી ઝાડી-ઝાંખરીમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો
ADVERTISEMENT
આ વિસ્તાર માટે દીપડાનો આતંક કોઈ નવી ઘટના નથી. આશરે 10 દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. સદનસીબે તે મહિલા બચી ગઈ હતી, પરંતુ હુમલામાં તેના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વન વિભાગ પાસે દીપડાને ઝડપથી પકડવાની માંગ કરવામાં આવી હતી. હવે યુવકના મોત બાદ લોકોમાં વધુ રોષ અને ભય બંને જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
સાગબારા રેન્જના જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જંગલ વિસ્તારની નજીક આવેલા ગામોમાં ખેતી અને રોજિંદા કામકાજ માટે જતા લોકોને હવે સતત ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે ખેતરોમાં જવું જોખમી બની રહ્યું છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે દીપડાને વહેલી તકે પકડી સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

ADVERTISEMENT
દીપડાને પકડવા માટે વન વિભાગે અગાઉથી જ પાંજરું મૂકીને કામગીરી શરૂ કરી હતી. જોકે આ દુઃખદ ઘટના વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરાની વિરુદ્ધ દિશામાં બની હોવાનું સામે આવ્યું છે. જેના કારણે દીપડો હજુ પણ વિસ્તારમાં મુક્ત રીતે ફરી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને દીપડાને પકડવા માટે નવી રણનીતિ સાથે સઘન કવાયત શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનની તપાસ તેજ
હાલ વન વિભાગની ટીમો સતત વિસ્તારમાં નજર રાખી રહી છે અને દીપડાને ઝડપવા માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ગ્રામજનોને જંગલ અને ખેતર વિસ્તાર તરફ એકલા ન જવાની, ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. યુવકના મોતની આ ઘટનાએ સમગ્ર સાગબારા પંથકને હચમચાવી દીધો છે અને હવે લોકો વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.