બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'હવે ધક્કા નહીં ખાઈએ, થાંભલે પૂગશું અને થાંભલા કાપીશું' મોરબીમાં ખેડૂતોની સરકારને ખુલ્લી ચીમકી

મોરબી / 'હવે ધક્કા નહીં ખાઈએ, થાંભલે પૂગશું અને થાંભલા કાપીશું' મોરબીમાં ખેડૂતોની સરકારને ખુલ્લી ચીમકી

Vishal Khamar

Last Updated: 09:29 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી જિલ્લાના જેતપર ગામેથી શરૂ થયેલા વીજ ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોના આંદોલનનો ત્રીજો તબક્કો આજે વધુ આક્રમક બન્યો છે.

મોરબી જિલ્લાના જેતપર ગામેથી શરૂ થયેલા વીજ ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોના આંદોલનનો ત્રીજો તબક્કો આજે વધુ આક્રમક બન્યો હતો. ઉપવાસ આંદોલનના બે તબક્કા પૂર્ણ થયા બાદ આજે રાજ્યના નવા પરિપત્રના વિરોધમાં હજારો ખેડૂતો અને મહિલાઓએ વિશાળ પદયાત્રા યોજી કલેક્ટર કચેરી સુધી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત આગેવાનોના દાવા મુજબ, 365 ગ્રામ પંચાયતોએ લેટરપેડ પર ઠરાવ પસાર કરીને સરકારના નવા પરિપત્રને નામંજૂર કર્યો છે અને તેની નકલ પણ કલેક્ટરને સુપરત કરવામાં આવી છે.

મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થયેલી આ પદયાત્રા શહેરના સામાકાંઠા વિસ્તાર થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર ખેડૂતોના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આંદોલનમાં જોડાતા આ વિરોધ પ્રદર્શન રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું.

'સરકારનો પરિપત્ર કંપનીઓના હિતમાં, ખેડૂતોના નહીં'

ગુજરાત ખેડૂત છાવણી, જેતપર (મચ્છુ) દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે રાજ્ય સરકારે 4 જુલાઈ, 2026ના રોજ વીજ ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગે જાહેર કરેલો પરિપત્ર ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડે છે. ખેડૂતોએ દલીલ કરી હતી કે પરિપત્રમાં ટેલિગ્રાફ એક્ટ-1885ની કલમ 10(ડી) મુજબ "ઓછામાં ઓછું નુકસાન અને સંપૂર્ણ વળતર"ના સિદ્ધાંતને યોગ્ય રીતે સ્થાન આપવામાં આવ્યું નથી. ખેડૂતો દ્વારા વિવિધ સુધારા સૂચવીને સરકારને પરિપત્રમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ચીમકી આપવામાં આવી હતી કે જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ પરિપત્રનો અમલ નહીં કરવા દેવામાં આવે.

'365 ગ્રામ પંચાયતોએ લેખિતમાં વિરોધ કર્યો'

ખેડૂત સમિતિના સભ્ય નિકેત પંચાસરાએ જણાવ્યું હતું કે, "ખેડૂતો માટે બનાવવામાં આવેલો આ પરિપત્ર અમને માન્ય નથી. અત્યાર સુધી 365 ગ્રામ પંચાયતોએ લેટરપેડ પર લખીને આપ્યું છે કે તેઓ પણ આ પરિપત્રનો વિરોધ કરે છે. આ તમામ પત્રો આજે કલેક્ટરને સોંપ્યા છે, જ્યારે હજુ પણ અનેક ગામોના ઠરાવો મળી રહ્યા છે, જેને આગામી રજૂઆતમાં સામેલ કરવામાં આવશે."

તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, "આજે 34થી 35 હજાર જેટલા ખેડૂતો અને મહિલાઓ માત્ર આવેદન આપવા માટે એકત્ર થયા હતા. સરકારનો આ નિયમ કંપનીલક્ષી છે, ખેડૂતલક્ષી નથી."

મહિલાઓની સરકારને ખુલ્લી ચેતવણી

આંદોલનમાં જોડાયેલા સજ્જનપર ગામની ખેડૂત ઉર્મિલાબેને સરકાર સામે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે,"અમે હવે માત્ર આવેદન આપવા નથી આવ્યા. હવે ધક્કા ખાવા નથી. જરૂર પડશે તો થાંભલા સુધી પહોંચીશું અને થાંભલા કાપવા પણ તૈયાર છીએ. જેમ સીતાએ ભગવાન રામને સાથ આપ્યો હતો, તેમ અમે અમારા પતિઓને સાથ આપવા આવ્યા છીએ. અમારો વિવાદ કંપની સાથે છે, સરકાર વચ્ચે કેમ પડે? સરકારે તો અમને ન્યાય આપવાનો છે."

'400 ગણું વળતર આપો તો પણ જમીનની કિંમત નહીં થાય'

ખેડૂત મિત્તલ પટેલે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને લોલીપોપ સમાન પરિપત્ર આપ્યો છે. "સરકાર કહે છે કે વધારે વળતર મળશે, પરંતુ 200 ગણું શું, 400 ગણું વળતર આપે તો પણ જમીનની સાચી કિંમત ચૂકવી શકાય નહીં. ખેતર માત્ર જમીન નથી, અમારી આવતી પેઢીનું ભવિષ્ય છે."

'2027માં વધામણાં પણ કરીશું, નહીં તો ખેડૂત ડંખ મારશે'

ખેડૂત રાજેશ પટેલે સરકારને ચીમકી આપતા કહ્યું હતું કે,"અમારી માંગણીઓ સ્વીકારીને તેના કરતાં પણ સવાઈ ન્યાય આપો, તો 2027માં તમારા વધામણાં કરીશું. પરંતુ ખેડૂત રૂઠશે તો ડંખ પણ મારશે. ખેડૂતોએ પોતાના બાળકો માટે જમીન બચાવી છે, તેને કોઈપણ કિંમતે છોડવાના નથી."

'આંદોલન અહીં નહીં અટકે'

ખેડૂત આગેવાન ત્રિગુણ કૈલાએ જણાવ્યું હતું કે, "સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો ખેડૂતોનું આંદોલન અહીં અટકવાનું નથી. અમે સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને સાચો ન્યાય આપે અને માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર કરે."

ખેડૂતોની મુખ્ય માંગ શું છે?

  • વીજ ટ્રાન્સમિશન લાઈનના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્રમાં સુધારા કરવામાં આવે.
  • ટેલિગ્રાફ એક્ટની જોગવાઈ મુજબ ખેડૂતોને સંપૂર્ણ નુકસાનનું વળતર આપવામાં આવે.
  • સુધારા થાય ત્યાં સુધી નવા પરિપત્રની અમલવારી સ્થગિત રાખવામાં આવે.
  • ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નવી નીતિ તૈયાર કરવામાં આવે.

આ પણ વાંચોઃ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ-આરતી બાદ હર્ષ સંઘવીએ કર્યું રૂટ નિરીક્ષણ, જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ

આંદોલનના ત્રીજા તબક્કામાં ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વીજ ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતો હવે માત્ર રજૂઆત સુધી મર્યાદિત રહેવાના નથી. હવે સરકારના આગામી નિર્ણય પર સૌની નજર મંડાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi farmers protest power transmission line compensation Gujarat farmers
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ