બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'NDA સરકાર આવ્યાં બાદ બદલાયું દેશનું ભાગ્ય, 12 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યાં PM મોદી

National / 'NDA સરકાર આવ્યાં બાદ બદલાયું દેશનું ભાગ્ય, 12 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યાં PM મોદી

Nidhi Panchal

Last Updated: 08:22 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NDAની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં દેશભરના ભાજપ અને ગઠબંધનના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ, સરકારની સિદ્ધિઓ અને ગઠબંધનની ભાવિ રણનીતિ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા અને ભારતના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા સરકારના વડા તરીકેની તેમની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા માટે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશભરના વરિષ્ઠ ભાજપના નેતાઓ, NDAના સાથી પક્ષોના નેતાઓ, મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ તેમજ ગઠબંધનના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

Pm-modi

ભારત મંડપમ ખાતે યોજાયેલી આ બેઠકમાં સરકારની પ્રાથમિકતાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ગઠબંધનની ભાવિ રાજકીય અને વિકાસલક્ષી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. NDAની આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ રાજકીય સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમણે 1952ની પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ ચૂંટાયેલી સરકારના વડા તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદની શપથ

26 મે, 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદની શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ હવે સરકારના વડા તરીકે સતત 4,399 દિવસ પૂર્ણ કર્યા છે. આ સાથે તેઓ ચૂંટાયેલી સરકારના વડા તરીકે જવાહરલાલ નેહરુના કાર્યકાળને વટાવી ચૂક્યા છે. જોકે જવાહરલાલ નેહરુ 1947થી 1964 સુધી વડાપ્રધાન રહ્યા હતા, પરંતુ આ સરખામણી ખાસ કરીને પ્રથમ લોકસભાની ચૂંટણી બાદના સમયગાળા સાથે સંબંધિત છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

NDAની બેઠક દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આ સદીનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના વિઝન, ઊર્જા અને જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ સમગ્ર દેશને નવી દિશા આપી છે. નાયડુએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદી તમામ સાથી પક્ષો અને નેતાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે અને તેમણે જાહેર જીવનમાં જે યોગદાન આપ્યું છે તે અનોખું છે.

બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા વધુ મજબૂત બની છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારતની નીતિ સ્પષ્ટ છે કે દેશ ન તો આંખ ઊંચી કરીને વાત કરશે અને ન તો આંખ નીચી કરીને, પરંતુ સમાનતાના આધારે વાત કરશે. તેમણે ઉમેર્યું કે ભારત કોઈને ઉશ્કેરશે નહીં, પરંતુ જો કોઈ દેશને ઉશ્કેરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને NDAના તમામ મુખ્યમંત્રીઓ અને નેતાઓનો શુભેચ્છાઓ બદલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને NDAના તમામ મુખ્યમંત્રીઓ અને નેતાઓનો શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે NDAની સફર રાષ્ટ્રીય હિતોને આગળ વધારવા અને પ્રાદેશિક આકાંક્ષાઓને પૂર્ણ કરવાના સહિયારા સંકલ્પથી આકાર પામી છે. આ ભાવનાએ ભારતીય લોકશાહીને મજબૂત બનાવી છે, સહકારી સંઘવાદને વધુ ગાઢ બનાવ્યો છે અને વિકાસની ગતિને વેગ આપ્યો છે.

PM મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં NDAએ દેશને સ્થિર સરકાર આપી છે, જેના કારણે દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગઠબંધન હવે વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે "વિકસિત ભારત"ના વિઝનને સાકાર કરવા માટે આગળ વધશે.

વડાપ્રધાન મોદીએ ભાવુક શબ્દો

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે લાંબા સમય સુધી દેશની સેવા કરવાનો મોકો મળવો એ તેમનું સૌથી મોટું સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે ભારત માતાની સેવા કરવાનો અવસર ભગવાનની વિશેષ કૃપાથી જ મળ્યો છે. તેમના માટે દેશના લોકો ભગવાનનું સ્વરૂપ છે અને તેમણે હંમેશા જાહેર સેવાને એક આધ્યાત્મિક સાધના તરીકે જોઈ છે. તેમણે આ સિદ્ધિને સામૂહિક પરિશ્રમ અને NDAના તમામ સાથીઓના યોગદાનનું પરિણામ ગણાવ્યું હતું.

PM મોદીએ કહ્યું

ભારતના લોકોએ જોયું કે જો સાચી નિયતથી સરકાર ચાલે તો દેશનો વિકાસ થાય છે. 12 વર્ષમાં 25 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર આવવું દર્શાવે છે કે અમારી નીતિઓ સાચી છે. આ સફળતા આજે દેશના દરેક વ્યક્તિને વિશ્વાસ અપાવે છે કે એક દિવસ તેનો સંઘર્ષ સમાપ્ત થશે. તેના સપના પૂરા થશે. વડાપ્રધાને કહ્યું- ગઈકાલે જે ગરીબ હતો તે આજે મધ્યમ વર્ગ બન્યો છે. તેને આપણે પાછળ રહેવા દેવાનો નથી. સરકાર તરીકે આપણે દિવસ-રાત કામ કરવાનું છે. આ સંકલ્પ સાથે કે 140 કરોડ લોકોએ અમારી પાસેથી જે અપેક્ષાઓ રાખી છે તે પૂરી થાય. વિકસિત ભારતનું સપનું કોઈ પક્ષનું નથી રહ્યું, તે જન જનનો સંકલ્પ બની ચૂક્યું છે.

છેલ્લા 12 વર્ષમાં ભારતે ઝડપી વિકાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસે દેશને હજારો કરોડોના કૌભાંડો અને અસ્થિરતામાં ધકેલી દીધો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં દેશને વિકાસ ધીમો થતો હોવાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા 12 વર્ષમાં ભારતે ઝડપી વિકાસ કર્યો છે. મોદીએ કહ્યું કે 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા જે હવે 160થી વધુ થઈ ગયા છે, 1000 કિમીના એક્સપ્રેસ-વેનું નેટવર્ક વધીને 6700 કિમી થયું છે અને મેટ્રો સેવા 5 શહેરોમાંથી વધીને 20 શહેરોમાં પહોંચી છે. તેમણે ડિફેન્સ એક્સપોર્ટ, મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, ઇથેનોલ ઉત્પાદન અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો 12 વર્ષમાં આટલો વિકાસ શક્ય છે તો દાયકાઓ સુધી કેમ ન થયો, એ જ કોંગ્રેસ ગ્રોથ રેટ અને NDA ગ્રોથ રેટ વચ્ચેનો સ્પષ્ટ તફાવત છે.

આ પણ વાંચો : ઘર, ટેક્સ અને બેન્કિંગ... મિડલ ક્લાસની જિંદગી બદલનાર 6 મોટા નિર્ણય

ભારત મંડપમ ખાતે યોજાયેલી NDAની આ બેઠક માત્ર એક રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ આગામી વર્ષોમાં દેશના વિકાસ અને ગઠબંધનની દિશા નક્કી કરતો મહત્વપૂર્ણ મંચ સાબિત થયો છે. NDAના નેતાઓએ એકજૂટ રહીને દેશના વિકાસ અને જનકલ્યાણ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NDA Conclave Bharat Mandapam,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ