બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભૂતિયા ડિમોલિશન : જગ્યાના માલિક ગલુબેન પાલિયાનો મોટો ધડાકો, ઘર નજીક પણ દેખાયું 'નવીન'
Last Updated: 07:28 PM, 10 June 2026
સુરતના નાસીરનગરમાં થયેલા કહેવાતા ભૂતિયા ડિમોલિશન કેસની તપાસ ચાલી રહી છે ત્યારે સમગ્ર મામલામાં નવો વિવાદ સામે આવ્યો છે. પ્રોજેક્ટ અને ઝુંપડપટ્ટીની જમીનના માલિક તરીકે ઓળખાતા ગલુબેન પાલિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાની માલિકીની જમીન કોર્પોરેશનને દાનમાં આપી હોવાનો દાવો કર્યો છે. ગલુબેન પાલિયાના જણાવ્યા મુજબ તેમણે આ જમીન સ્કૂલ બનાવવા માટે કોર્પોરેશનને દાનમાં આપી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગલુબેન પાલિયાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર કેસમાં નવા સવાલો ઊભા થયા છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બિલ્ડરે વિવાદને શાંત પાડવા માટે જમીન માલિક પાસેથી આ વીડિયો બનાવડાવ્યો હોઈ શકે છે. બીજી તરફ, વીડિયો સામે આવ્યા બાદ ગલુબેન પાલિયાનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હોવાની માહિતી પણ સામે આવી છે. માહિતી મુજબ બિલ્ડર આજે બપોરે ગલુબેન પાલિયાને મળવા માટે તેમના ઘરે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
નાસીરનગરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીમાં 100થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સામે આવેલી વિગતો મુજબ પ્રોજેક્ટ અને ઝુંપડપટ્ટીની જગ્યા ગલુબેન પાલિયા નામના વ્યક્તિની હોવાનું કહેવાઈ રહ્યું છે. ગલુબેન પાલિયાની વિવાદિત જમીન પર જ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ માટે 40 ફૂટનો રસ્તો કાઢવો જરૂરી હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રોજેક્ટની નજીક આવેલી ઝુંપડપટ્ટી પણ ગલુબેન પાલિયાની જમીન પર જ હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનની તપાસ વચ્ચે નવો વિવાદ, ઝુંપડપટ્ટીની જગ્યાના માલિક ગલુબેન પાલિયાનો મોટો ધડાકો#Surat #Nasirnagar #Demolition #ViralVideo #LandIssue #SMC #GujaratPolitics #VTVDigital pic.twitter.com/PLpq0WtHCp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2026
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં એક મોટો સવાલ એ પણ ઊભો થયો છે કે શું બિલ્ડરે ગલુબેન પાલિયાને વિશ્વાસમાં લઈને ડિમોલિશન કરાવ્યું હતું? આ સવાલોના જવાબ મેળવવા માટે VTV NEWSની ટીમ જમીન માલિક ગલુબેન પાલિયાના ઘરે પણ પહોંચી હતી. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. CCTV ફૂટેજમાં સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ ડિમોલિશન કરવા માટે પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. CCTVમાં જયંત રામજીવાલા, સુજલ પ્રજાપતિ અને SOGનો સ્ટાફ દેખાતો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી તરફ, ગરીબ પરિવારોને રસ્તા પર લાવ્યા બાદ કેટલાક અધિકારીઓ રજા પર ઉતરી ગયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઝોનલ અધિકારી અને RDD એન્જિનિયર સામે રોષ વ્યક્ત કર્યો છે. વિનુ મોરડિયાનું કહેવું છે કે સરકાર અથવા કોર્પોરેશનની કોઈ સૂચના વિના અધિકારીઓએ ડિમોલિશનની કાર્યવાહી કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે સુજલ નામના કાર્યપાલક ઈજનેર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને તેમની ડ્યૂટી બીજા ઝોનમાં હોવા છતાં તેઓ ઘટના સ્થળે હાજર હતા.
વિનુ મોરડિયાએ જણાવ્યું કે કોઈ સત્તાવાર સૂચના વિના અધિકારીઓ ત્યાં ગયા હતા તો તેમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ઘટના બાદ જયંત રામજીવાલા અને સુજલ નામના અધિકારી રજા પર ઉતરી ગયા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે વિનુ મોરડિયાએ તપાસ કમિટીની રચના સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે માંગ કરી છે કે કમિટીમાં તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે.
નાસીરનગર ડિમોલિશન કેસમાં હવે જમીન માલિક ગલુબેન પાલિયાના દાવા, બિલ્ડરની ભૂમિકા, કોર્પોરેશનના અધિકારીઓની હાજરી અને CCTVમાં સામે આવેલા પુરાવાઓને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. તપાસ આગળ વધતા હજુ અનેક નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.