બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / isabgol cultivation in gujarat

ખેતી વાડી / આ ઔષધિની ખેતીમાં હેક્ટરે રોકાણ થશે 15000 અને ત્રણ મહિનામાં આવક 3 લાખ

Gayatri

Last Updated: 07:56 PM, 4 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસબગુલની ખેતી એ ખેડૂતો માટે વરદાન સમાન છે. ઈસબગુલના ઉત્પાદનમાં ભારત નંબર વન છે. ઈસબગુલને ઔષધિય પાક ગણવામાં આવે છે. આ પાકમાં હેક્ટરે 10 હજારથી 15 હજારના રોકાણ સામે ત્રણ જ મહિનાના રવિપાકમાં ઉત્પાદન રૂા. 2.5થી 3 લાખ સુધીનું મળે છે. વળી સરકારી સબસિડિ તો ખરી જ.

  • ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે
  • ઠંડક માટે વપરાય છે ઈસબગુલ
  • ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ વગેરે જીલ્લાઓમાં વાવેતર

ઈસબગુલએ રોકડિયો પાક છે. ઓછા ખર્ચે વધુ આવક મેળવવાનો આ આસાન તરીકો છે. વળી સરકાર સબસિડિ પણ આપે છે. ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડજીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્ત્વનો પાક છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ વગેરે જીલ્લાઓમાં તેનું વાવેતર થાય છે. ઈસબગુલના બીજમાં સૌથી મહત્ત્વનો ભાગ તેના પર આવેલ ભૂસી છે જેને હશ પણ કહે છે. બીજનો 30 ટકા હિસ્સો આ હશ ધરાવે છે. વળી તેમાં 5 ટકા તેલ અને 6.8 ટકા ભૂકો તેમજ 8.3 ટકા ભેજ હોય છે.  

ઠંડક માટે વપરાય છે ઈસબગુલ

ઈસબગુલના બીજ શીતળતા આપી શકે તેવા ગુણધર્મો ધરાવે છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપેથી ચિકિત્સાઓમાં  કરવામાં આવે છે. તેના બીજ તથા તેની ભૂકીનો ઉપયોગ પાચનતંત્ર  અને મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં તથા આંતરડાનાં ચાંદા, મસા અને ગોનોરીયાની સારવાર કરવા ઉપરાંત કોલેસ્ટીરોલ ઘટાડવા માટે કરી શકાય છે. ગર્ભપાત વખતે ગર્ભાશાય તેમજ યોનીમાર્ગના વિસ્તરણ માટે પણ તેનો ઉપયોગ કરવા તાજેતરમાં સંશોધન થયું છે. ઓષધીય ઉપયોગો ઉપરાંત તેનો ઉપયોગ રંગકામ, કાપડનું છાપકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય તેમ છે. ભૂસીમુક્ત બીજમાં 17 થી 19 ટકા પ્રોટીન છે અને તેનો ઉપયોગ પશુ આહારમાં કરવામાં આવે છે.

જમીન અને આબોહવા

ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે. તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન માફક આવે છે. 

વાવણીનો સમય

તેની વાવણી 20 નવેમ્બરથી 20 ડીસેમ્બર દરમિયાન કરવામાં આવે છે. ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં વાવણીનો સમય ઉત્તમ ગણવામાં આવે છે. વહેલી વાવણી અને તે પણ ઉંચા બીજના દરે કરવામાં આવે તો તળછારા નામનો રોગ આવવાની શક્યતાઓ વધે છે. 

કમોસમી વરસાદ દુશ્મન

વાવણી મોડી કરવાથી શિયાળામાં વૃધ્ધિ માટેનો ગાળો ઓછો મળે છે અને એપ્રિલ-મે માં થતા કમોસમી વરસાદને કારણે ઈસબગુલના બીજ ખરી પડવાની શક્યતાઓ વધે છે. પાકની પરિપક્વતાના સમયે જો હવામાન ભેજવાળુ હોય તો તેના બીજ ખરી પડે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વધુ ઝાકળ અથવા વરસાદના છાંટા પડવાથી પણ તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પાક તૈયાર થાય તે સમયે જેમ વરસાદ વધુ તેમ છોડ પરથી બીજ વધુ ખરી પડે છે. 

વાવણી

ઈસબગુલના સારા સ્ફૂરણ માટે જમીન સારી રીતે ખેડાયેલી અને નીંદણમુક્ત તેમજ ઢેંફાંરહિત હોવી જોઈએ. હળ અને કરબથી કરવાની ખેડની સંખ્યાનો આધાર જમીનના પ્રકાર, અગાઉનો પાક અને નીંદામણના પ્રમાણ ઉપર રહે છે. જમીનનું બંધારણ, ખેતરનો ઢાળ અને પિયતની વ્યવસ્થા ધ્યાનમાં રાખી યોગ્ય માપના ક્યારા બનાવવા. હલકી જમીન માટે 8 મી બાય 3મીના ક્યારા અથવા તેનાથી નાના ક્યારા અનુકૂળ રહેશે.

ખાતર

આ પાકને ઓછા નાઈટ્રોજનની જરૂરીયાત છે. સામાન્ય રીતે 15 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 15 કિ.ગ્રા. ફોસ્ફરસ હેક્ટરદીઠ પાયાના ખાતર તરીકે છેલ્લી ખેડમાં આપવામાં આવે છે. વાવણી પછી 30 દિવસે ફરીથી 15 કિ.ગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવામાં આવે છે.

બીજ અને વાવણી

વધુમાં સ્ફૂરણના ટકા મેળવવા માટે બીજ અગાઉની ઋતુમાંથી તૈયાર કરેલ જગ્યામાંથી લેવું જોઈએ. સામાન્ય પરિસ્થિતિમાં સંગ્રહ કરેલ જૂના બીજ સ્કૂરણશક્તિ ગુમાવે છે. બીજને તળછારા રોગના નિયંત્રણ માટે એપ્રોન 4 ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપી વાવણી કરવી. વાવણી માટે બીજનો દર 4.0 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.

પિયત

બીજને વાવણી પછી પ્રથમ પાણી તુરત જ આપવું. ડૂંડીઓમાં સૌથી વધુ દાણા ‘દૂધ અવસ્થાએ’ હોય ત્યારે છેલ્લું પાણી આપવું. આણંદ અને વિજાપુર ખાતે ત્રણ વર્ષ સુધી થયેલા અખતરા પરથી એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે વાવણી સમયે પહેલું પાણી આપ્યા બાદ 30 દિવસે બીજું અને 70 દિવસે ત્રીજુ પાણી એટલે કે કુલ ત્રણ પિયત આપવામાં આવે તો પણ ઉતારામાં કોઈ ફરક પડતો નથી.

રોગચાળો 

તેની શરૂઆત સામાન્ય રીતે ડૂંડી દેખાવાના સમયે થાય છે. પાનની ઉપરની સપાટીએ નાના ડાઘ પડે છે. જે ધીમે ધીમે મોટા થાય છે. પાનની નીચેની બાજુએ રાખોડી રંગની રૂંવાટી જેવી રોગપ્રેરક ફૂગ દેખાય છે. રોગવાળા પાન પીળાશ પડતા થઈ છેવટે ભૂખરા કથ્થાઈ રંગના થઈ ચીમળાઈને સૂકાઈ જાય છે. 

રોગનું પ્રમાણ વધારે હોય તો ડૂંડી વાંકીચૂકી થઈને ગૂંચળું વળી જાય છે. રોગવાળા છોડનો વિકાસ બરાબર થતો નથી. ડૂંડી કદમાં નાની રહે છે અને દાણા ઓછો બેસે છે. જે ગુણવત્તામાં હલકા હોય છે. પરિણામે બીજનું કુલ ઉત્પાદન ઓછુ મળે છે. આ રોગ ઝાકળવાળા ઠંડ અને વાદળછાયા વાતાવરણમાં વધુ પ્રસરે છે.

પેસ્ટીસાઈડ

ડૂંડી નીકળવાના સમયે વાવણી બાદ 40, 55 અને 70 દિવસે અનુક્રમે મેટાલેકઝીલ 0.2 ટકા, મેન્કોઝેબ 0.3 ટકા અને ફરીથી મેન્કોઝેબ 0.3 ટકાનો એમ ત્રણ છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે.

મોલોમશી

બચ્ચાં તથા પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી દાંડી પર રહીને રસ ચૂસે છે. તેના શરીરમાંથી ચીકણો રસ સતત ઝરે છે જે પાન પર પડતાં તેના ઉપર કાળી ફૂગ દેખાય છે. જેનાથી પ્રકાશસંશ્લેષ્ણમાં અવરોધ થવાથી છોડની વૃધ્ધિ અટકી જાય છે.

નિયંત્રણ

તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ 30 ટકા દવા 10 મિ.લિ., ફોસ્ફામીડોન 100 ટકા દવા ૩ મિ.લિ., મીથાઈલ-ઓ-ડીમેટોન 25 ટકાદવા 10 મિ.લિ. પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરીને છાંટવી.

નીંદામણ

પાકની વાવણી પછી 20થી 25 દિવસ બાદ પ્રથમ નીંદામણ કરવામાં આવે છે. સામાન્ય રીતે પાકના તબક્કાના બે મહિના દરમિયાન 2થી 3 વખત નીંદામણ કરવું જરૂરી છે. ઈસબગુલનાં બીજની વાવણી પૂંકીને કરવામાં આવતી હોવાથી નીંદામણ ખૂબ જ ખર્ચાળ બની જાય છે. આથી નીંદામણનો પ્રશ્ન હલ કરવા માટે નીંદામણનાશક દવાનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે નીંદામણનું નિયંત્રણ થઈ શકે છે.

લણણી

આશરે 110થી 130 દિવસે પાક તૈયાર થયે માર્ચ-એપ્રિલમાં કાપણી કરવામાં આવે છે. પાક તૈયાર થાય ત્યારે છોડ પીળા થઈ જાય છે અને ડૂંડીઓ ઓછા ગુલાબી ભૂખરા રંગની દેખાય છે. માત્ર હાથથી દબાવતાં પણ ડૂંડીમાંથી પાકેલા દાણા બહાર આવે ત્યારે સમજવું કે પાક કાપણીલાયક તૈયાર થયો છે.

કાપણી

કાપણી વખતે આકાશ વાદળ વગરનું અને હવામાન સૂકું હોવું આવશ્યક છે. કાપણી વખતે છોડ પર ઝાકળ હોય ત્યારે કાપણી વખતે દાણા ખરી પડે છે. આથી ઝાકળ ઉડી જાય એટલે કે સવારે 10વાગ્યા પછી જ કાપણી કરવી જોઈએ જમીનની નજીકથી જ છોડને દાતરડા વડે કાપવામાં આવે છે. જ્યાં જમીન વધુ રેતાળ હોય ત્યાં જમીનમાંથી મૂળ સાથે પણ છોડ ઉપાડી લેવામાં આવે છે.

કાપણી બાદની પ્રક્રિયા

કાપણી પછી તુરત જ છોડવાઓને ગાંસડીમાં બાંધી ખળામાં લઈ જઈને છૂટા પાથરવામાં આવે છે. ઈસબગુલને ખળામાં લાવ્યા બાદ બે દિવસ સુધી રાખી મૂક્વું. ત્યારબાદ ખળામાં બળદ અગર ટ્રેક્ટરથી પગર કરવું. સવારમાં વહેલા પગર કરવાથી ભેજને લીધે દાણા ડૂંડીમાંથી તરત જ છૂટા પડી જાય છે. પગર કર્યા બાદ ઉપણીને દાણા સાફ કરવામાં આવે છે. ઘાસનો ઉપયોગ ઢોરના ખોરાક તરીકે પણ થાય છે.

ઉત્પાદન

1000 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે મળે છે. સામાન્ય રીતે એક હેક્ટરમાં 15 હજારના નજીવા ખર્ચથી ઉગાડવામાં આવતો આ પાક સારૂ વળતર આપે છે વળી સરકારી સબસિડિ તો ખરીજ. 

આલેખન: Gayatri Joshi
 

સંકળાયેલા મુદ્દાઓ

Gayatri Joshi agro News isabgol farmint ઈસબગુલની ખેતી ખેતીવાડી ગુજરાત સરકાર મેડિસિન સબસિડી Agro News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ