બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર 'સર્જિકલ સ્ટ્રાઈક': IMFની ચેતવણી, મોંઘવારી વધતા ખિસ્સા પર પડશે ભાર
Last Updated: 06:02 AM, 15 April 2026
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) એ ચેતવણી આપી છે કે ઈરાન યુદ્ધને કારણે વિશ્વની આર્થિક વૃદ્ધિ પર બ્રેક વાગી છે. IMF એ 2026 માટે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 3.1% કર્યો છે. ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધી અને તેલ રિફાઈનરીઓ પરના હુમલાને કારણે તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી વૈશ્વિક ફુગાવો4.4% સુધી વધવાની શક્યતા છે. યુરોપ અને ગરીબ દેશો પર તેની સૌથી ખરાબ અસર પડશે, જ્યારે રશિયા જેવા ઉર્જા નિકાસકારોને ઊંચા ભાવથી આંશિક લાભ મળી શકે છે.
ADVERTISEMENT

વૈશ્વિક અર્થતંત્રમાં આ કડાકા પાછળનું મુખ્ય કારણ તેલ અને ગેસના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અને તેના જવાબમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંશિક રીતે બંધ કરવાથી વિશ્વભરમાં ઉર્જા પુરવઠો ખોરવાયો છે. પાડોશી દેશોના તેલ અને ગેસના માળખાગત સુવિધાઓ પર થયેલા હુમલાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આના પરિણામે, આઇએમએફએ વર્ષ 2026 માટે વૈશ્વિક મોંઘવારીનો દર વધારીને 4.4 ટકા કર્યો છે, જે અગાઉ 3.8 ટકા રહેવાનો અંદાજ હતો. આ મોંઘવારી માત્ર પેટ્રોલ-ડીઝલ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેની અસર પરિવહન અને ઉત્પાદન ખર્ચ પર પણ પડશે, જેનાથી જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થશે.
ADVERTISEMENT

રસપ્રદ વાત એ છે કે, આ યુદ્ધ શરૂ થયું તે પહેલા વિશ્વની અર્થવ્યવસ્થા અત્યંત મજબૂત સ્થિતિમાં હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રક્ષણવાદી નીતિઓ અને આયાત વેરાના અવરોધો છતાં, ડેટા સેન્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં થયેલા જંગી રોકાણે ઉત્પાદકતામાં વધારો કર્યો હતો. ટેકનોલોજી ક્ષેત્રની આ તેજીએ અર્થતંત્રને સ્થિર રાખવામાં મદદ કરી હતી. આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે-ઓલિવિયર ગૌરિંચાસે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયાના યુદ્ધે આ તેજીની ગતિને અચાનક રોકી દીધી છે. જો આ ઉર્જા સંકટ આવતા વર્ષ સુધી ચાલુ રહેશે, તો કેન્દ્રીય બેંકોએ ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધારો કરવો પડશે, જેનાથી વૈશ્વિક વિકાસ દર 2026 અને 2027માં ઘટીને માત્ર 2 ટકા પર આવી શકે છે.
ADVERTISEMENT
દેશવાર સ્થિતિની વાત કરીએ તો, અમેરિકાનો વિકાસ દર અંદાજ ઘટીને 2.3 ટકા થયો છે. યુરોપના ૨૧ દેશો કે જેઓ યુરો ચલણનો ઉપયોગ કરે છે, તેમનો સામૂહિક વિકાસ દર માત્ર 1.1 ટકા રહેવાની સંભાવના છે, કારણ કે યુરોપ કુદરતી ગેસની વધતી કિંમતોથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. બીજી તરફ, દેવાદાર અને ઉર્જા આયાત કરનારા ગરીબ દેશોની સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે, કારણ કે તેમની પાસે અર્થતંત્રને ટેકો આપવા માટે પૂરતું ભંડોળ નથી. જોકે, આ સંકટમાં રશિયા એક અપેક્ષિત વિજેતા તરીકે ઉભરી શકે છે. ઉર્જા નિકાસકાર હોવાને કારણે રશિયાને તેલના ઊંચા ભાવોનો સીધો ફાયદો મળશે, જેના કારણે આઇએમએફએ રશિયાનો વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 1.1 ટકા કર્યો છે.
ADVERTISEMENT
આઇએમએફના રિપોર્ટ મુજબ, ભલે હાલમાં અસ્થાયી યુદ્ધવિરામની વાતો ચાલી રહી હોય, પરંતુ અર્થતંત્રને જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનમાં અવરોધો હજુ પણ યથાવત છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાશે, તો વિશ્વએ દાયકાના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. મોંઘવારી વધતા સામાન્ય જનતાની ખરીદશક્તિ ઘટશે અને ઉદ્યોગોનું ઉત્પાદન પણ પ્રભાવિત થશે, જે લાંબા ગાળે બેરોજગારી અને આર્થિક મંદી તરફ દોરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.