ભારતમાં 2019 થી પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ ફરી એકવાર ભારતીય મૂળના હિન્દુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર, સંગઠને કહ્યું કે ભારતીય મૂળના હિન્દુઓ કેનેડા છોડીને ચાલ્યા જાય.
કેનેડામાં હવે હિન્દુઓને અપાઈ રહી છે ખુલ્લેઆમ ધમકી
ભારત વિરુદ્ધ બોલનાર વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો મૌન
હિન્દુઓએ દેશ છોડી દેવો જોઈએઃ ગુરપતવંત સિંહ પન્નુ
India-Canada News: ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડાની વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખુલ્લેઆમ ખાલિસ્તાન સમર્થકોના પક્ષમાં આવ્યા છે. આવી સ્થિતિમાં ખાલિસ્તાનીઓએ કેનેડામાં ખુલ્લેઆમ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. વાસ્તવમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ ભારતીય મૂળના હિન્દુઓને તાત્કાલિક કેનેડા છોડવા માટે કહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી શકે છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડામાં રહેતા ભારતીય હિન્દુઓને ધમકી આપી છે. પન્નુએ કહ્યું છે કે, હિન્દુઓ કેનેડા છોડીને ચાલ્યા જાવ.
ભારતીય મિશનો પર હુમલાની ધમકી
ભારત વિરુદ્ધ આક્રમક અને ભડકાઉ નિવેદન આપનાર પન્નુએ ઓટાવા, ટોરોન્ટો અને વેનકુવરમાં ભારતીય મિશનોને ધમકીભરી ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે, સોમવારે ભારતીય મિશનો પર હુમલા થઈ શકે છે. ગુરપતવંત સિંહ પન્નુ સામે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં 12થી વધુ કેસ ચાલી રહ્યા છે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ અને વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ પણ ગુરપતવંત સિંહ પન્નુએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. આ તમામ ઘટનાક્રમ જોયા બાદ પણ પીએમ જસ્ટિન ટ્રુડોએ મૌન ધારણ કરી લીધું છે.
ભારતે જાહેર કરી છે એડવાઈઝરી
કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ વધતા ભારતે કેનેડામાં રહેતા તેના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ભારત સરકારે પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ અને હેટ ક્રાઈમને ધ્યાનમાં રાખતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે ત્યાં યાત્રા કરતા ખાસ સાવધાની રાખવી. કેનેડામાં ભારતીય હાઈકમિશન, ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સતત અહીંની અથોરિટીઝના સંપર્કમાં છે. સરકારે કેનેડામાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે અને હંમેશા સાવધાન રહેવા માટે કહેવાયું છે.
નિજ્જરની હત્યાથી ગુરપતવંત સિંહ પન્નુ ભડક્યો
પન્નુ નિજ્જરને પોતાનો ભાઈ કહેતો હતો. જૂનમાં તેનીની હત્યા બાદથી તે લાલઘુમ થઈ ગયો છે. હવે પન્નુએ મંગળવારે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેને ભારતીય-કેનેડિયન હિન્દુઓને ધમકી આપતા સાંભળી શકાય છે. તેણે કહ્યું છે કે 25 સપ્ટેમ્બરે ઓટાવા, ટોરોન્ટો અને વૈંકુઅરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.