પુણ્યતિથી વિશેષ,લોકહૃદયમાં અમરત્વ પામેલ લોકગાયક: હેમુ ગઢવી

By : kavan 03:47 PM, 20 August 2018 | Updated : 03:51 PM, 20 August 2018
-કવન આચાર્ય

ઠાંગા પંથકના નામથી જાણીતા બનેલ ચોટીલાથી ડોળીયા પંથક જતા જમણા હાથે હેમુ ગઢવીનું ઢાંકણીયાનું એક પાટીયું લટકતું જોવા મળે.સાયલા પંથકના ઢાંકણીયા ગામે પિતા નાનભા અને માતા બાલુબાના ઘરે દિનાંક.04-09-1929 નાં દિવસે દિકરાનો જન્મ થયો હતો.નામ રાખવામાં આવ્યું હેમુ.

બાળપણથી જ હેમુ ગઢવીને લોક સાહિત્ય વારસામાં મળ્યું હતું. લોકગીત અને ભજનોને નાનપણથી ગાવાનો શોખ ધરાવતા હેમુભાઇ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. આ કાર્યની શરૂઆતમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભુમિકા ભજવી હતી.

હેમુ ગઢવીએ ભજવેલ ભગવાનના પાત્રથી જોનારા સૌ ખુશ થઇ ગયા અને તેમની કળાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. સમય વિતવા લાગ્યો, આગળ જતાં હેમુ ગઢવીએ 'ગામડુ મુજને પ્યારૂં ગોકુળ'નામનું સૌ પ્રથમ ગીત ગાયુ અને પોતાની ગાયકીનો સૌને અનુભવ કરાવ્યો.

સમય આગળ વધતો ગયો અને હેમુ ગઢવીને જામનગર રાણકદેવી નાટક ભજવવા જવાનું થયું. આ નાટકમાં તેઓએ સ્ત્રીનો વેશ ધારણ કર્યો. તેમના આ સ્ત્રીવેશે નાટક જોનારના મન મોહી લીધા અને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને આ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં.

આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ.૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

ગુજરાતી જૂની રંગભૂમિમાં પણ ઝાલાવાડી પંથકના આ રતને પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તેમણે કરેલ જાણીતા નાટકોમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ પણ મોખરાનું સ્થાન ધરાવે છે.

આ ઘટનાક્રમ ચાલ્યો જતો હતો, ધીમે-ધીમે આકાશવાણીના રાજકોટ કેન્દ્રના ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટે હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ.૧૯૫૫થી તેઓ તાનપુરા કલાકાર તરીકે આકાશવાણી રાજકોટમાં જોડાયા.

તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયું હતું. આમ તેઓએ ઈ.સ.૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.

હેમુભાઇના જીવન-કવન સાથે જોડાયેલ એક પ્રસંગ યાદ આવે છે કે, એક વખત તેઓ ટ્રેઇનમાં મુસાફરી કરતા હતા ત્યારે ગાડીના ડબ્બામાં એક તાજી જન્મેલી બાળકી રોવા ચડી,તેણીની માં એ અનેક પ્રયાસ કર્યા પણ છાની રહેતી નહોતી ત્યારે હેમુ ભાઇ તેની પાસે ગયા અને હાલરડાં સંભળ્યા અને તે બાળકી શાંત થઇ. હેમુભાઇને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઝાલાવાડના આ લોક ગાયક હેમુ ગઢવીના કંઠે ગવાયેલ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ,મારૂ વનરાવન છે રૂડુ, કાન તારી મોરલીયે, મન મોર બની થનગાટ કરે જેવી અનેક રચનાઓ આજે પણ લોકહૈયે આગવું સ્થાન ધરાવે છે.

હેમુભાઈ તા.૨૦-૦૮-૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનું રેકોર્ડીગ કરી રહ્યા ત્યારે હેમરેજ થવાથી ચક્કર આવ્યા અને માત્ર 36 વર્ષે તેમનું દેહાવસાન થયું. હેમુ ગઢવીના પુત્ર બિહારીદાન ગઢવી પણ લોકસંગીતના ગાયક છે અને અન્ય એક પુત્ર રાજુભાઇ સરકારી ખાતામાં સારી એવી પોસ્ટ ધરાવે છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતના લોક લાડીલા કલાકારના દેહાંત બાદ 3 દિવસ સુધી ગામના ખેડૂતોએ બળદ સાથે સાંતી જોડ્યા નહોતા અને શોક પ્રગટ કર્યો હતો. 

કવન આચાર્ય, VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે. તસવીર: હિરેન જોશી)Recent Story

Popular Story