Meteorological department forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશા, પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આજે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આ રાજ્યોમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો દોર ચાલુ રહેશે
દેશભરમાં ફરી એકવાર ચોમાસું થયું સક્રિય
યુપી-બિહાર સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
કેટલાંક રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી ત્રાટકવાની ચેતવણી
દેશમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત દેશનાં 23 રાજ્યોમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે યુપી, બિહાર, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર-વિદર્ભ, છત્તીસગઢ અને તેલંગાણા સહિત 23 રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
ફાઈલ ફોટો
આજે આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર ઓડિશા, પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આજે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આ રાજ્યોમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. એ જ રીતે આજે અને આવતી કાલે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે, જ્યારે પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં આજથી 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ વિસ્તારોમાં જોવા મળશે વાવાઝોડાની અસર
ઉત્તરાખંડમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. યુપીમાં આજથી 22 ઓગસ્ટ સુધી અને હિમાચલ પ્રદેશમાં પણ 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આજે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં હળવું દબાણ ઊભું થયું છે, જ્યારે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર છત્તીસગઢમાં આ દબાણ આગળ વધવાની શક્યતા છે, સાથે- સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આ વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે અને તેથી વાવાઝોડાની અસર જોવા મળશે.
ફાઈલ ફોટો
45થી 65 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આઈએમડીના રિપોર્ટ અનુસાર આજે પશ્ચિમ મધ્ય અને નજીકના પૂર્વ મધ્ય, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં અને ઉત્તર તામિલનાડુ સમુદ્રતટની આસપાસના વિસ્તારોમાં કલાકના 45થી લઈને 65 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી આ વિસ્તારોમાં માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ આપવામાં આવી છે.
વીજળી પડવાની પણ શક્યતા
હવામાન વિભાગના બુલેટિન અનુસાર આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, તટીય આંધ્રપ્રદેશ, યનમ અને કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ વીજળી ત્રાટકવાની શક્યતા છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડશે.
ફાઈલ ફોટો
બીજા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન દેશના આ સિવાયના બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મોનસૂન ટ્રફનો પશ્ચિમી દોર અત્યારે હિમાલયની આસપાસ કેન્દ્રિત થયો છે અને તેનો પૂર્વીય દોર સામાન્ય સ્થિતિમાં દક્ષિણમાં ચાલી રહ્યો છે. 21 ઓગસ્ટથી મોનસૂન ટ્રફનો આ દોર ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે અને તેથી ૨૧ ઓગસ્ટથી ઉત્તર ભારતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
હરિયાણાના હવામાનમાં પલટોઃ યલો એલર્ટ જારી
હરિયાણામાં ઓગસ્ટની શરૂઆતમાં ચોમાસું થોડું નિષ્ક્રિય રહ્યું હતું, પરંતુ હવે હવામાન વિભાગે હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં વરસાદ પડશે. એ જ રીતે હવામાન વિભાગે હરિયાણાના રેવાડી, મહેન્દ્રગઢ, ઝજ્જર, ગુરુગ્રામ, સોનીપત, પાણીપત, નૂહ, ફરીદાબાદ, પલવલ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સાથે આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે અને ભારે વરસાદ સાથે આ જિલ્લાઓમાં 40થી 52કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની પણ શક્યતા છે. ઓરેન્જ એલર્ટને લઈ હવામાન વિભાગ દ્વારા લોકોને જરૂરી કામ ન હોય તો ઘર બહાર ન નીકળવા સલાહ આપી છે.