નાતાલના પર્વની શરૂઆત થઇ ગઇ છે ત્યારે બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડે નહીં તે માટે રાજ્યની તમામ બોર્ડરો પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.
રાજ્યમાં પ્રવેશતાં વાહનોનું સઘન ચેકિંગ શરૂ થઇ ગયું છે ત્યારે રાજસ્થાન ફરવા માટે ગયેલા યુવાનો દારૂ પીધેલા છે કે નહીં તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.
રતનપુર બોર્ડર, પાલનપુર બોર્ડર તેમજ દીવ દમણની બોર્ડર પર પોલીસે કડક બંદોબસ્ત ખડકી દીધો
અમદાવાદમાં રાત્રી દરમિયાન કરફ્યુ હોવાના કારણે અમદાવાદીઓએ નાતાલનું પર્વ મનાવવા માટે રાજસ્થાન, દીવ, દમણ જવાનું નક્કી કર્યું છે. ગઇ કાલથી રતનપુર બોર્ડર, પાલનપુર બોર્ડર તેમજ દીવ દમણની બોર્ડર પર પોલીસે કડક બંદોબસ્ત ખડકી દીધો છે. બુટલેગરો અમદાવાદમાં દારૂ ઘુસાડવા માટેનો પ્રયત્ન કરે તેવી શક્યતાઓ છે ત્યારે રાજસ્થાનથી આવતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
બુટલેગર, દારૂ ઢીંચીને આવતા લોકો સામે પણ પોલીસની લાલ આંખ
આ સિવાય આબુ તેમજ ઉદયપુર ફરવા માટે જનારા પ્રવાસીઓ જ્યારે પરત આવે છે ત્યારે તેમની ગાડીનું ચેકિંગ તો થાય પરંતુ તેમણે દારૂ પીધો છે કે નહીં તે મામલે પણ પોલીસ કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે. દારૂ પીધેલા લોકો પર પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ કરી રહી છે.
બીજાં રાજ્યોને જોડતી ચેકપોસ્ટો પોલીસે હટાવી દીધી હતી પરંતુ નાતાલમાં દારૂની હેરફેર વધી જવાના કારણે પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
આગામી ૩૧ ડીસેમ્બરની ઉજવણીમાં દારુની હેરાફેરી રોકવા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા આજથી સમગ્ર જીલ્લાના રાજસ્થાન સરહદોને જોડાતા રતનપુર ,મેઘરજ ની ઉન્ડવા બોર્ડર સહિતના રસ્તાઓ ઉપર સઘન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે.
રાજસ્થાન સરહદને જોડતી મુખ્ય રતનપુર ચેકપોસ્ટ જડબેસલાક
શામળાજી પોલીસ દ્વારા પણ રાજસ્થાન સરહદને જોડતી મુખ્ય રતનપુર ચેકપોસ્ટ , બોબીમાંતા ચેકપોસ્ટ , ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા ૧ જાન્યુઆરી સુધી રાઉન્ડ ધી ક્લોક રતનપુર બોર્ડર ઉપર રાજસ્થાન બાજુથી આવતા નાના મોટા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવનાર છે .આ ઉપરાત રાજસ્થાન માંથી નશો કરી આવતા લોકો ઉપર પણ ચાપતી નજર રાખી કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર છે.ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણી ને લઇ અરવલ્લી જીલ્લા પોલીસ સતર્ક બની છે.