બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ, બે સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની આગાહી
Last Updated: 04:05 PM, 6 May 2026
Gujarat Weather Update: રાજ્યમાં હવામાન ફરી એકવાર પલટો લઈ રહ્યું છે. જ્યાં એક તરફ ઉંચા તાપમાનનો તાપ અનુભવાઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ કમોસમી વરસાદની આગાહીથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થવાનો છે. હવામાન વિભાગ મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે પ્રણાલીઓ સક્રિય બનતાં ભેજવાળા પવનોના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે આગામી 24 કલાકને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. હાલ રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના મુખ્ય કારણ તરીકે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થવી ગણાવવામાં આવી રહી છે. આ બંને સિસ્ટમ સાથે ભેજયુક્ત પવનો ફૂંકાવાથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પરિણામે ગરમી વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને 6 મેના દિવસે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ બનવાની શક્યતા છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે મિશ્ર પરિણામ આપી શકે છે. એક તરફ પાકને ફાયદો મળી શકે છે, તો બીજી તરફ અચાનક વરસાદથી નુકસાનની શક્યતા પણ રહે છે. તેથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
હાલના વરસાદી માહોલ પછી આગામી દિવસોમાં હવામાન ફરીથી સ્થિર થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 મે થી 12 મે દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે. આ દરમિયાન વરસાદની સંભાવના ખૂબ ઓછી રહેશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર આશરે 1.5 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જે રાજ્યના હવામાનને અસર કરી રહ્યું છે. સાથે જ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ ફેરવાઈ રહી છે. જે ભેજનું પ્રમાણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાપમાનમાં વધારો અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
તાજેતરના આંકડા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ઊંચા સ્તરે નોંધાઈ રહ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 39 ડિગ્રી અને 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તેમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 9થી 12 મે દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધતા ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.