બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / તુરખામાં 600 વર્ષ જૂનું ચામુંડા માતાજીનું મંદિર, ભક્તિથી પ્રસન્ન થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક
Last Updated: 06:30 AM, 2 May 2025
બોટાદના તુરખા ગામે ડુંગર માળાની વચ્ચે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનું આ ભવ્ય મંદિર 600 વર્ષ પૌરાણિક છે. કુદરતી સૌંદર્યમાં બિરાજમાન માતાજી, તેમના ભક્તથી પ્રસન્ન થઈ આ ડુંગર પર આવીને બિરજમાન થયા, ત્યારથી અહિં વસતા દરેક લોકોના રક્ષક બની રહ્યા છે. જ્યારે પણ કોઈ મહામારી આવી છે. ત્યારે માતાજીએ લોકોની રક્ષા કરી હોવાની માન્યતા છે. બોટાદથી પંદર કિલોમીટર દુર ડુંગરોની વચ્ચે તુરખા ગામ આવેલું છે. તુરખા ગામે ડુંગર પર 600 વર્ષ પૌરાણિક ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરમાં ચામુંડા માતાજી, ખોડીયાર માતાજી અને અંબાજી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે, માતાજીના દર્શન કરવા 92 પગથિયા ચડીને જવુ પડે છે. ચાંમુડા માતાજીનાં મંદિરે તુરખા અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં દર્શને આવે છે અને આરતીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે.
ADVERTISEMENT

બોટાદના તુરખા ગામે બિરાજમાન ચામુંડા માતાજી
ADVERTISEMENT
તુરખા ગામના ડુંગર પર આવેલું ચામુંડા માતાજીનું મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલુ છે અને એટલે જ માતાજીના દર્શને આવતા ભાવિકો માટે પર્યટક સ્થળ પણ બન્યું છે અને આ મંદિર તુરખા અને તેની આજૂબાજૂ આવેલા ગામોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહિં દર્શને આવતા ભાવિક ભક્તો માતાજીના દર્શન કરી કુદરતી વાતાવરણમાં દિવસભર રોકાઈ આનંદની ક્ષણો માણી સકારાત્મક સંચાર સાથે ઘરે જાય છે. તુરખા ગામના ચામુંડા માતાજીના મંદિરનો ઈતિહાસ અનેરો છે. તુરખા ગામના બાહોશ અને શૂરવીરતાનું પ્રતિક ઉગાબાપુ ખાચર ચાંમુડા માતાજીના પરમ ભક્ત હતા તેમને ચામુંડા માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. ઉગાબાપુ ખાચર નિયમિત ચાંમુડા માતાજીને દિવા ધૂપ કરતા. એકવાર અઢીસો સૈનિકોની મોટી ફોજ લઈને દિલ્લીના એક સુબાએ તુરખા ગામ પર ચઢાઈ કરી અને ઉગાબાપુ પાસે સુબાએ મોટી રકમની ખંડણી માંગી ત્યારે ઉગાબાપુએ તાત્કાલિક ભરી શકાય તેમ ના હોવાનું જણાવતા સુબાએ ઉગાબાપુ પર દબાણ કર્યું અને કહ્યુ કે હું ખંડણી લઈને જ જવાનો છું જો તમારાથી વ્યવસ્થા ન થાય તો તમારુ ગામ લખી આપો, ત્યારે સુબાના માણસોએ મધ્યસ્થી કરી, ઉગાબાપુને સૂચન કર્યુ કે સુબાના લગ્ન કરાવી આપો તો ખંડણી નહી આપવી પડે અને ગામ પણ નહિ આપવુ પડે. ઉગાબાપુ સમયને પારખીને તેમના કુટુંબીજનોને પુછવા બે દિવસનો સમય માગ્યો અને ત્યાર પછી ચાંમુડા માતાજીને પ્રાર્થના કરી.

ADVERTISEMENT
આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક
કુટુંબીજનો અને તેમના સમાજ સાથે વાત કર્યા પછી લગ્નનું આયોજન કરવામાં આવ્યુ. થોડા દિવસો પછી સુબો જાન લઈને તુરખા ગામે આવ્યો ત્યારે ઉગાબાપુ અને તેમના સમાજના તમામ લોકોએ સુબા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો. આમ સુબાની મેલી મુરાદનો અંત આવ્યો. મોદળીયા મુકામે બિરાજતા ચાંમુડા માતાજી ઉગાબાપુ ખાચરના કુળદેવી હતા. ઉગાબાપુ ખાચર નિત્ય કુળદેવીના દર્શને જતાં અને માતાજી ઉગાબાપુ ખાચર સાથે વાતો કરતા. ઉગાબાપુ ખાચરની ભક્તિ અને શ્રધ્ધાથી ચાંમુડા માતાજી પ્રસન્ન હતા એટલે એકવાર માતાજીએ ઉગાબાપુને કહ્યુ કે તમારે હવે કાયમ મોદળીયા આવવાની જરૂર નથી અને મારી સ્થાપના તુરખા ગામના ડુંગર પર કરી બેસણા કરાવજે. કુળદેવીના વેણને અનુસરીને ઉગાબાપુ ખાચરે તુરખા ગામે ડુંગર ઉપર માતાજીના મંદિરનું નિર્માણ કરી મુર્તિની પ્રતિષ્ઠા કરી હતી જે આજે પણ તુરખા અને આસપાસના ગામના અઢારેય વર્ણના લોકોની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બનીને શોભાયમાન છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદનું આ રામજી મંદિર ત્રણ નામથી ઓળખાય છે, 600 વર્ષ કરતા પણ જુના મંદિરની કાળા પથ્થરમાંથી બનાવાય છે મૂર્તિ

ADVERTISEMENT
કુળદેવીના વેણને અનુસરીને બાપુએ કર્યુ હતુ મંદિરનું નિર્માણ
ડુંગર પર બિરાજમાન ચાંમુડા માતાજીના મંદિરે આવતા ભાવિકો માતાજીને સાચા હૃદયથી પ્રાર્થના કરે એટલે માતાજી આશીર્વાદથી તેમના તમામ દુખ દુર થાય છે. સો વર્ષ પહેલાં મરકી નામનો રોગચાળો ફાટી નિકળ્યો હતો અને લોકો મરી રહ્યાં હતાં ત્યારે તુરખા ગામના લોકોએ માતાજીને ગામની રક્ષા કાજે પ્રાર્થના કરી હતી અને માતાજીએ તમામ લોકો રક્ષા કરી હતી. કોરોનાકાળમાં તુરખા ગામમાં એકપણ વ્યક્તિનું કોરોનાથી મુત્યુ થયુ નથી તેને ગ્રામવાસીઓ માતાજીના આશાર્વાદ જ માને છે. ગામમાં કોઈના પશુ બિમાર પડે ત્યારે પણ પશુ માલિક માતાજી પાસે જઈ પ્રાર્થના કરે છે છે. તુરખા ગામ પર ચામુંડા માતાજીની અસીમ કૃપા રહેલી છે. તુરખા ગામના તમામ સમાજના લોકો સાથે મળીને વાર તહેવારની ભવ્ય ઉજવણી કરે છે. નવરાત્રિ દરમ્યાન મંદિરે માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ગામના લોકો માતાજીના મંદિરે દર્શન કરવા આવે ત્યારે પારેવાને જાર નાખી ભક્તિ સાથે પુણ્યનું કામ પણ કરે છે. ચાંમુડા માતાજીનું મંદિર અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના આશીર્વાદથી ગામના તમામ સમાજના લોકો હળીમળીને રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.