Gujarat Election results Pipli seat Independent candidate Lilaben Thakor died
સાણંદ /
ગુજરાતની એક એવી બેઠક જ્યાં ઉમેદવાર ચૂંટણીનો જંગ જીત્યા પહેલા જ હારી ગયા જિંદગીનો જંગ
Team VTV06:35 PM, 02 Mar 21
| Updated: 07:06 PM, 02 Mar 21
રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે સાણંદ તાલુકા પંચાયતના પીપળી બેઠકના અપક્ષ ઉમેદવારનું જીત પહેલા જ નિધન થયું.
રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો
અપક્ષ ઉમેદવાર લીલાબેન ઠાકોરનું જીત પહેલા જ નિધન થયું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજના નાયકો જાહેર થવાનો મહોત્સવ હતો. જે રંગચંગે પૂર્ણ થયો. ધુળેટીના કેસૂડાના રંગ પહેલા જ સમગ્ર રાજ્યમાં ભાજપના કેસરી રંગથી રંગાઈ ગયું. પરંતુ જીતના આ મહોત્વમાં કેટલાક એવા લોકોનો ખાલીપો ખટકી ગયો કે જેમની જીતનો ઉત્સવ હતો, પરંતુ હાજરી તેમની જ નહોતી. તો એક અપક્ષના ઉમેદવાર ચૂંટણીનો જંગ જીત્યા પહેલા જ હારી ગયા જિંદગીનો જંગ...
મતગણતરી ચાલુ હતી અને એક બાદ એક વિજેતાઓ જાહેર થઈ રહ્યા હતા. સાથે ઉમેદવારોની હાર પણ જાહેર થતી જતી હતી. વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં આનંદ અને ઉમંગ સમાતો ન હતો. મતગણતરી કેન્દ્રો આસપાસ અને ઉમેદવારોના વતનમાં ઢોલ, નગારા, અને હારતોરાથી જીતના વધામણા થઈ રહ્યા હતા. આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજના નાયકો જાહેર થવાનો મહોત્સવ હતો. પરંતુ જીતના જશ્ન આ માહોલ વચ્ચે કેટલાક લોકો એવા પણ હતા કે તેમની ગેરહાજરી ખટકતી હતી. એક એવી બેઠક જ્યાં જીત બાદ પણ કંઈક એવું હારી જવાયું છે જે જિંદગીમાં ફરી પાછું ક્યારેય મળવાનું નથી.
લીલાબેન ઠાકોર જે હવે સદેહે આપણી વચ્ચે નથી. લીલાબેન ઠાકોરે સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી. ઈવીએમ ખૂલ્યા તો ખબર પડી કે ભાજપની આ લહેર વચ્ચે પણ મતદારોએ અપક્ષ ઉમેદવાર એવા લીલાબેનને જંગી મતદાનથી વિજેતા બનાવ્યા છે. પરંતુ અફસોસ પોતાની જીતના સમાચાર સાંભળવા લીલાબેન હાજર ન રહી શક્યા. તેઓ પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા જ અનંતની વાટે ઉપડી ગયા. તેમના પતિ મતગણતરી કેન્દ્ર પર પરિણામ જાણવા આવ્યા હતા. પરિણામ તૃપ્ત કરનારું હતું પરંતુ ખાલીપો જીંદગીભરનો રહી ગયો હતો.