Team VTV01:35 PM, 02 Jun 21
| Updated: 01:43 PM, 02 Jun 21
PM મોદીની અપીલ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમંજસની સ્થિતિમાં મુકાઈ હતું
ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા રદ્દ
કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
ગઇકાલે CBSEએ રદ્દ કરી હતી પરીક્ષાઓ
કહેવાય છે કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે, એક એન્જિન ગાંધીનગર અને બીજું દિલ્હીવાળું. કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત આખા દેશના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે પહેલા જ્યારે દિલ્હીથી નિર્ણય લેવાયો કે ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવે છે ત્યારે પાછળ પાછળ બીજા એન્જિન દ્વારા પણ તરત નિર્ણય લઈ લેવામાં આવ્યો કે પરીક્ષા રદ્દ કરો. જોકે ધોરણ 12ની પરીક્ષા મામલે બીજું એન્જિન પહેલા એન્જિન કરતાં આગળ નીકળી ગયું અને પરીક્ષા લઈશું એવી જાહેરાત કરી નાંખી. જોકે દિલ્હી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બાળકોના જીવ જોખમમાં ના મૂકી શકીએ અને પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. જે બાદ હવે ગાંધીનગરમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક કરવામાં આવી અને તે બેઠકમાં મહામંથન બાદ ગુજરાત સરકારે પોતાનો નિર્ણય ઉથલાવ્યો છે અને પરીક્ષા રદ્દ કરવાના આદેશ આપ્યા છે.
પીએમ મોદીએ લીધો હતો નિર્ણય
PM મોદીની અપીલ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમંજસની સ્થિતિમાં મુકાઈ હતું, કારણ કે શિક્ષણ બોર્ડ ધોરણ 10-ના રિપીટર અને ધોરણ-12ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. અગાઉ CBSEએ ધોરણ 10ની પરીક્ષા રદ કરતા GSEBએ પણ પરીક્ષા રદ કરી હતી. આ પહેલા ગત એપ્રિલમાં CBSEની ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે મે મહિનામાં ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા બાદ CBSEની ધોરણ 12ની પરીક્ષા રદ
કેન્દ્ગ સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષ અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં.તેમણે કહ્યું કે ધોરણ-12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે
વાલીઓની ચિંતા થઈ દૂર
મહત્વનું છે કે કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરના જોખમ વચ્ચે 12ની પરીક્ષાને લઈને દેશભરના વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતામાં ભયનો માહોલ છે. આ અંગે CBSE અને શિક્ષા મંત્રાલય તરફથી 12ની પરીક્ષાની તારીખે જાહેર કરવાની હતી. પરંતુ શિક્ષણમંત્રીની અચાનક તબિયત લથડતાં પરીક્ષાઓ અંગે મૂંઝવણ સર્જાઈ હતી. આ પછી, પીએમઓ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી ખુદ બેઠક બાદ પરીક્ષાઓ અંગે નિર્ણય લેશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હાઈ પ્રોફાઇલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.