બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / એનાલોગ પનીર પર કડક પ્રતિબંધ બાદ રેસ્ટોરન્ટોએ સપ્લાયરો પાસે બિલ, બેચ નંબર અને ‘દૂધમાંથી જ બન્યું’નું સર્ટિફિકેટ માંગ્યું
Last Updated: 06:05 PM, 7 August 2026
ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરતાં રાજ્યભરના હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. સઘન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટીએ જણાવ્યું કે કાર્યવાહીથી બચવા માટે હવે રેસ્ટોરન્ટ સંચાલકો સપ્લાયરો પાસેથી પનીરની શુદ્ધતાના પ્રમાણપત્ર, બિલ, બેચ નંબર અને પનીર દૂધમાંથી જ તૈયાર થયાનું લેખિત પ્રમાણ માંગવા લાગ્યા છે. આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન કોઈ નિર્દોષ વેપારી મુશ્કેલીમાં ન પડે તે માટે સપ્લાય ચેઇનમાં પારદર્શિતા લાવવાના પ્રયાસો શરૂ થયા છે. ઉદ્યોગના અંદાજ મુજબ અત્યાર સુધી રાજ્યમાં આશરે 50 ટકા જેટલો એનાલોગ પનીરનો ઉપયોગ થતો હતો. તેના પર પ્રતિબંધ લાગતા હવે દૂધમાંથી બનતા અસલી પનીરની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેના કારણે પનીર આધારિત વાનગીઓના ભાવ પણ વધી શકે છે. રાજ્યના 40 હજારથી વધુ રેસ્ટોરન્ટો અને હજારો ફાસ્ટફૂડ સેન્ટરો પર આ નિર્ણયની સીધી અસર જોવા મળશે, જ્યારે વેપારીઓએ માંગ કરી છે કે કાર્યવાહી માત્ર નાના વેપારીઓ સુધી મર્યાદિત ન રહે, પરંતુ આવા ઉત્પાદનો બનાવનારા અને સપ્લાય કરનારા ઉત્પાદકો સામે પણ કડક પગલાં લેવામાં આવે.
ADVERTISEMENT
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ એનાલોગ પનીર અંગે આપ્યું નિવેદન
સાવરકુંડલામાં રૂ. 55 કરોડના ખર્ચે નિર્માણ પામનારી અદ્યતન સિવિલ હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ એનાલોગ પનીર મુદ્દે કડક વલણ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે જેમ લોકો ફેમિલી ડોક્ટર રાખે છે, તેવી જ રીતે હવે ફેમિલી ફાર્મર સાથે જોડાવું પણ સમયની જરૂરિયાત બની ગઈ છે, જેથી લોકોને ઓર્ગેનિક ફળ, શાકભાજી, દૂધ સહિતનો શુદ્ધ અને સ્વસ્થ આહાર મળી શકે. તેમણે જણાવ્યું કે હવે રાજ્યમાં એનાલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ સહન કરવામાં નહીં આવે. સરકાર દ્વારા તાજેતરમાં 74 સ્થળોએ દરોડા પાડી હજારો કિલો શંકાસ્પદ પનીરનો નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર મહિનાથી આરોગ્ય વિભાગની ટીમો સતત દરોડા પાડી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો જપ્ત કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે ભેળસેળિયા માફિયાને કડક ચેતવણી આપતા કહ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શાળાઓમાં બદલાશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની રીત! હવે ‘પાસ-નાપાસ’ નહીં, ‘ઉદયમાન-નિપુણ’થી થશે ઓળખ
ADVERTISEMENT
એક જ દિવસમાં 235 કિલો એનાલોગ પ્રોડકટ પકડી
સુરત શહેરમાં આરોગ્ય વિભાગે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં શહેરના અઠવા, રાંદેર અને ઉધના ઝોન-એના વિસ્તારોમાં આવેલી 14 જેટલી સંસ્થાઓમાં તપાસ દરમિયાન અંદાજે 235 કિલો જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે નિયમ મુજબ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. મનપાએ દરેક ઝોનમાં તપાસ માટે 3થી 4 વિશેષ ટીમોની રચના કરી હતી, જેઓએ અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરી હતી. ફૂડ સેફટી અધિકારીએ જણાવ્યું કે નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.