Good news for traveling teachers of Gujarat! There may be a big gain in the salary scale soon
શક્યતા /
ગુજરાતના પ્રવાસી શિક્ષકો માટે ખુશખબર! ટૂંક સમયમાં પગારધોરણમાં થઇ શકે છે મોટો લાભ
Team VTV08:07 AM, 13 Feb 23
| Updated: 09:55 AM, 23 Feb 23
સૂત્રોનું માનીએ તો ગુજરાત સરકારે પ્રવાસી શિક્ષકોના પગાર વધારાને લઈ મોટી કવાયત હાથ ધરી. આ બજેટમાં સંભવિત રીતે પ્રવાસી શિક્ષકોના પગાર વધારાની જાહેરાત થઈ શકે
ગુજરાતના પ્રવાસી શિક્ષકો માટે મોટા સમાચાર
પ્રવાસી શિક્ષકોના પગાર વધારાને લઈ લેવાઈ શકે નિર્ણય
આગામી બજેટમાં શિક્ષકોના પગાર વધારાની જાહેરાત થઈ શકે: સૂત્ર
ગુજરાતમાં આગામી દિવસોએ રજૂ થનાર બજેટને લઈ સામાન્ય-મધ્યમ અને નોકરિયાત વર્ગને મોટી આશા છે. આ તરફ હવે સૂત્રોના હવાલેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સરકારે પ્રવાસી શિક્ષકોના પગાર વધારાને લઈ મોટી કવાયત હાથ ધરાઇ છે. જેથી કદાચ આ બજેટમાં પ્રવાસી શિક્ષકોના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે.
રાજ્યના પ્રવાસી શિક્ષકો માટે આશાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોનો પગાર પ્રમાણમાં ઓછો હોવાથી આગામી બજેટ સત્રમાં સરકાર પ્રવાસી શિક્ષકોના પગારમાં વધારો કરે તેવી શક્યતાઓ છે.
હાલ કેટલા પ્રવાસી શિક્ષકો ?
ગુજરાતમાં હાલ પ્રાથમિક શાળાઓમાં 8111 પ્રવાસી શિક્ષક છે. આ સાથે માધ્યમિકમાં 2500 તો ઉચ્ચતર માધ્યમિકમાં 1600 પ્રવાસી શિક્ષક છે. વિગતો મુજબ પ્રાથમિક પ્રવાસી શિક્ષકોને રૂ.75, માધ્યમિકના પ્રવાસી શિક્ષકને રૂ.175 તો ઉચ્ચતર માધ્યમિક પ્રવાસી શિક્ષકને રૂ.200 ચૂકવવામાં આવે છે.
રાજ્ય સરકારે શાળાઓને શું સૂચના આપી ?
મહત્વનું છે કે, રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકને મહત્તમ રૂ.10,500 અને માધ્યમિકમાં રૂ.16,500 અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.16,700થી વધુ પગાર ન ચૂકવાય તે રીતે વર્કલોડ આપવા શાળાઓને સૂચના આપવામાં આવી છે.
છેલ્લા કેટલાય સમયથી પ્રવાસી શિક્ષકો કરી રહ્યા છે પગાર વધારાની માંગ
નોંધનીય છે કે, પ્રવાસી શિક્ષકોને મળતું પગારધોરણ ઓછું હોવાથી છેલ્લા કેટલાક સમયથી પ્રવાસી શિક્ષકોના પગારમાં વધારો કરવાની માંગ ઉઠી રહી છે. આ તરફ હવે રાજ્ય સરકારે આગામી બજેટમાં પ્રવાસી શિક્ષકોના પગારમાં વધારો કરવા માટે કવાયત હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.