બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO : સુરતમાં ખાખીએ માનવતા મહેંકાવી, અનાથ બાળકીને અપનાવીને છઠ્ઠી વિધિ ધામધૂમથી ઉજવી
Last Updated: 10:59 PM, 7 June 2026
સામાન્ય રીતે ગુનાઓની તપાસ અને કાયદો-વ્યવસ્થાની કામગીરી માટે ઓળખાતું પાંડેસરા પોલીસ સ્ટેશન આજે માનવતા અને મમતાનું અનોખું ઉદાહરણ બની ગયું. થોડા દિવસો પહેલાં બિનવારસી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ પોલીસ સ્ટેશનમાં પરિવારિક વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવી હતી.
ADVERTISEMENT

પાંડેસરા વિસ્તારમાંથી મળી આવેલી આ માસૂમ બાળકીને પોલીસે તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી હતી. સાથે જ તેના માતા-પિતા અથવા સ્વજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે તમામ પ્રયાસો છતાં બાળકીના કોઈ સગા-સંબંધીઓ મળી આવ્યા નહોતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સંજોગોમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ બાળકીને પોતાના પરિવારના સભ્ય તરીકે સ્વીકારવાનો ભાવનાત્મક નિર્ણય લીધો. બાળકીના જન્મના છઠ્ઠા દિવસે પોલીસ સ્ટેશનને ફૂલો અને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું. પરંપરાગત હિન્દુ રીતરિવાજ મુજબ મંત્રોચ્ચાર સાથે નામકરણ વિધિ યોજાઈ અને બાળકીને ‘કશિશ’ નામ આપવામાં આવ્યું.

ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ બાળકીને ખોળામાં લઈને હાલરડાં ગાયા અને માતૃત્વની લાગણી વ્યક્ત કરી. સમગ્ર પોલીસ સ્ટાફે મળીને નવજાત માટે આશીર્વાદ વરસાવ્યા અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, “જન્મદાતા માતા-પિતાએ ભલે આ બાળકીને ત્યજી દીધી હોય, પરંતુ હવે તે એકલી નથી. સમગ્ર પોલીસ પરિવાર તેની સાથે છે અને તેના ઉછેર તથા સંભાળમાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં.”
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદના હાટકેશ્વરના નાગરિકોને આખરે 10 વર્ષે મળી રાહત, વિવાદિત બ્રિજને તોડી ફરી રસ્તો બનાવાયો
ખાખી વર્દીની પાછળ છુપાયેલા સંવેદનશીલ અને માનવીય ચહેરાનું આ દૃશ્ય જોઈ કાર્યક્રમમાં હાજર રહેલા લોકો ભાવુક બની ગયા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશનની આ પહેલ માત્ર એક બાળકીને આશરો આપવાની ઘટના નથી, પરંતુ સમાજને માનવતા, જવાબદારી અને પ્રેમનો શક્તિશાળી સંદેશ પણ આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.