gandhinagar bhupendra sinh chudasama Big announcement
ગાંધીનગર /
શિક્ષણમંત્રીની મોટી જાહેરાત : આવતા મહિનાની આ તારીખથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરાશે
Team VTV12:30 PM, 25 Aug 21
| Updated: 12:45 PM, 25 Aug 21
ગુજરાતમાં કોરોના સંકટ નહીં બરાબર છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે.
ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈને મોટા સમાચાર
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત
આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે ધોરણ 6 થી 8ના વર્ગો
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે
નિયમોનું કરવું પડશે પાલન
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12માં લાગુ પડતી SOP ધોરણ 6 થી 8માં પણ લાગુ થશે. જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત હશે. 50 ટકાની ક્ષમતા સાથે વર્ગોમાં શિક્ષણ અપાશે. ઉલ્લેખનીય છે કે આ જાહેરાતની સાથે 10 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓના પણ વર્ગો શરૂ થશે.
શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લેનાર શિક્ષકોનો માન્યો આભાર
શિક્ષણમંત્રી ચુડાસમાએ આ સાથે વાત કરતા કહ્યું હતું ગઈ કાલે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં જે શિક્ષકોએ ભાગ લીધો છે તેમનો આભાર વ્યક્ત કર્યુ છે. જે શિક્ષકોએ ભાગ લીધો તેમણે કહ્યું કે અમારા માટે આ સારું હતું અને અમારા પણ જ્ઞાનમાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે આ મરજિયાત હતી અને તેનો કોઈ પણ ભવિષ્યની કારકિર્દી પર કોઈ અસર પડવાની હતી નહી.
દેશમાં પ્રથમ વખત આવુ સર્વેક્ષણ યોજાયું : શિક્ષણમંત્રી
ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકોએ શિક્ષકોને આ સર્વેક્ષણનો બહિષ્કાર કરવા ઉશ્કેર્યા હતા તેમ છતાં હજારોની સંખ્યામાં શિક્ષકોએ આ સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાઈને પોતાની શિક્ષક તત્પરતા અને નિષ્ઠા પ્રદર્શિત કરી હતી. ગઈ કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારતના કોઈપણ રાજ્યમાં આટલા મોટા સ્કેલ પર આવુ સર્વેક્ષણ અગાઉ કદી પણ થયું નથી. ગુજરાત સરકાર દ્વારા થયેલ આ સર્વેક્ષણ દેશનુ સૌથી પહેલુ અને સૌથી મોટુ છે.
શિક્ષણ સચિવ વિનાદ રાવે આપ્યું મોટું નિવેદન
આ અભિયાન અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ સચિવ વિનાદ રાવે જણાવ્યું કે, અત્યાર સુધીના શિક્ષણના ઈતિહાસમાં આ પ્રકારનુ સર્વેક્ષણ આટલા વિશાળ સમૂહ પર અગાઉ ક્યારેય થયું નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક પહેલ ભવિષ્યમાં ભારતનાં અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની રહેશે. આ સર્વેક્ષણના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા આગામી તાલીમનું આયોજન એકદમ ધ્યેયલક્ષી રીતે થશે. તમામ જ શિક્ષકોને એકસમાન તાલીમ આપવામાં ક્યારેક જરૂરિયાત ન હોય તેવા વિષયની તાલીમ પણ શિક્ષકોએ લેવી પડતી હોય છે. એના બદલે આ ડેટાના આધારે જે તે શિક્ષક માટે જરૂરી એવી તાલીમનું આયોજન કરી શકાશે જેથી સમય અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ થશે.