ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / અમેરિકાના ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટના! જોરદાર વિસ્ફોટ સાથે લાગી આગ, વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત
Last Updated: 07:56 AM, 2 November 2026
ADVERTISEMENT
આકાશમાં ઝડપથી નીચે આવી રહેલું વિમાન, રસ્તા પર દોડતાં વાહનો અને અચાનક થયેલો ભયાનક વિસ્ફોટ! અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે બનેલી એક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. લોકો કંઈ સમજે તે પહેલાં જ એક બિઝનેસ જેટ રસ્તા પાસે ત્રાટક્યું હતું અને જોરદાર વિસ્ફોટ સાથે આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હતાં. અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ પણ આ દુર્ઘટનામાં નવ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી.
ADVERTISEMENT

પ્રાપ્ત અહેવાલો અનુસાર, લિયરજેટ 60 (Learjet 60) નામનું આ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિનથી બહામાસ તરફ જઈ રહ્યું હતું. વિમાન દક્ષિણ ફ્લોરિડાના એક વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાન રસ્તા પર ત્રાટકતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ આગ લાગી ગઈ હતી અને રસ્તા પર મોટો ખાડો પડી ગયો હતો. સદનસીબે વિમાન નજીકનાં ઘરો સાથે અથડાયું નહોતું, પરંતુ રહેણાક વિસ્તાર અને વ્યસ્ત રસ્તાની નજીક આ અકસ્માત સર્જાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ADVERTISEMENT
અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ જણાવ્યું હતું કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ને મદદ કરવા માટે એક ટીમ મોકલી રહ્યું છે. આ ટીમ વિમાન દુર્ઘટના પાછળનું કારણ શોધવામાં મદદ કરશે. FAAના જણાવ્યા અનુસાર, વિમાન ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બહામાસ જવા માટે રવાના થયું હતું. જોકે, હજુ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત વિમાનમાં સવાર નવ લોકોની ઓળખ પણ જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રવક્તા જીમ રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે આ એક ખાનગી વિમાન હતું. તેમણે આ ઘટનાને મહાન દુર્ઘટના ગણાવી હતી. વિમાનનો પૂંછડી નંબર N722BD હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે રસ્તા પરથી પસાર થતી કારમાં બેઠેલા લોકોએ બનાવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિમાન આકાશમાંથી ઝડપથી નીચે તરફ આવી રહ્યું છે. થોડી જ ક્ષણોમાં વિમાન રસ્તા સાથે અથડાય છે અને જોરદાર વિસ્ફોટ થાય છે. વિસ્ફોટને કારણે રસ્તા પર મોટો ખાડો પડી જાય છે અને તેની આસપાસ આગની જ્વાળાઓ ફેલાઈ જાય છે.
ADVERTISEMENT
વિમાન રહેણાક મકાનોથી માત્ર થોડા ફૂટ દૂર જ ક્રેશ થયું હતું. એટલું જ નહીં, રસ્તા પરથી પસાર થતાં વાહનોથી પણ વિમાનનું અંતર માત્ર થોડા ઇંચ જેટલું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં આસપાસનાં ઘરોને કોઈ નુકસાન થયું છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આ ભયાનક અકસ્માત મિલિટરી ટ્રેઇલ અને 10મા એવન્યુ નોર્થ નજીક સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ ફાયર ફાઇટર સહિતની ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા અને રાહત કામગીરી હાથ ધરવા માટે ટીમોએ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ, પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાની બંને બાજુઓ બંધ કરી દીધી હતી. આ ઉપરાંત વાહનચાલકોને અકસ્માતગ્રસ્ત વિસ્તારથી દૂર રહેવા અને અન્ય રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.
અકસાનની અસર આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી હતી. ઘટનાસ્થળની નજીક કામ કરતી એક મહિલાના જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશ થયા બાદ લગભગ બે કલાક સુધી સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ રહી હતી. વિસ્ફોટ અને આગને કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.
હાલમાં અમેરિકાની FAA અને NTSBની ટીમો દ્વારા અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, વિમાન કયા કારણોસર નીચે પડ્યું, તેમાં કોઈ ટેક્નિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ભયાનક વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.