ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર ક્લેમ કર્યે એકાઉન્ટમાં આવી જશે PFના રૂપિયા! જાણી લો નવો નિયમ
10 ફોટો ગેલેરી
Last Updated: 12:37 PM, 4 November 2026
1/10
ઘણીવાર નોકરી બદલ્યા પછી જૂનું PF ખાતું નિષ્ક્રિય થઈ જાય છે અને તેમાં જમા થયેલી નાની રકમ વર્ષો સુધી એમ જ પડી રહે છે. કેટલાક લોકોને પોતાના જૂના ખાતામાં કેટલા પૈસા જમા છે તેની પણ જાણ હોતી નથી, તો કેટલાક લોકો દાવાની લાંબી પ્રક્રિયાને કારણે પૈસા ઉપાડી શકતા નથી. જોકે, હવે આવા ખાતાધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ એક નવી સુવિધા શરૂ કરી છે, જેના હેઠળ નિષ્ક્રિય PF ખાતામાં ₹1,000 કે તેથી ઓછી રકમ હશે તો ખાતાધારકને અલગથી દાવો કર્યા વગર જ પૈસા મળી શકશે.
2/10
EPFOએ પોતાના 74મા સ્થાપના દિવસ નિમિત્તે નિષ્ક્રિય પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતાઓમાં જમા થયેલી નાની રકમનું આપમેળે સમાધાન કરવાની સુવિધા શરૂ કરી છે. આ પહેલ હેઠળ ₹1,000 કે તેથી ઓછું બેલેન્સ ધરાવતા નિષ્ક્રિય ખાતાઓમાં જમા રકમ ખાતાધારકોને પરત કરવામાં આવશે. જોકે, આ સુવિધાનો લાભ લેવા માટે ખાતાધારકનું PF ખાતું આધાર સાથે ચકાસાયેલું હોવું જરૂરી છે. આધાર વેરિફિકેશન વગરના ખાતાઓને આ સુવિધાનો લાભ મળશે નહીં.
ADVERTISEMENT
3/10
આ નવી સુવિધા હેઠળ EPFO સૌથી પહેલાં ખાતાધારકની ઓળખ અને બેંક ખાતાની વિગતોની જરૂરી ચકાસણી કરશે. આ ચકાસણી પૂર્ણ થયા બાદ પાત્ર ખાતાઓમાં જમા રકમની ચુકવણી કરવાની પ્રક્રિયા આપમેળે શરૂ કરવામાં આવશે. એટલે કે, ખાતાધારકે પોતાના પૈસા ઉપાડવા માટે અલગથી કોઈ અરજી કે ક્લેમ ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં.
4/10
જો તમારી પાસે પણ લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયેલું જૂનું PF ખાતું છે, તો તેનું બેલેન્સ તપાસવું જરૂરી છે. સાથે જ તમારું આધાર વેરિફિકેશન અને બેંક ખાતાની વિગતો યોગ્ય છે કે નહીં તે પણ ચકાસી લેવું જોઈએ. જો ખાતામાં ₹1,000 કે તેથી ઓછી રકમ હોય અને તે EPFOના નક્કી કરેલા માપદંડો પૂર્ણ કરતું હોય, તો સંસ્થા દાવા વગર જ સેટલમેન્ટની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
ADVERTISEMENT
5/10
EPFOની આ પહેલથી આશરે 1 લાખ નિષ્ક્રિય PF ખાતાધારકોને ફાયદો થવાની અપેક્ષા છે. આ તમામ ખાતાઓમાં મળીને આશરે ₹5 કરોડની રકમ જમા હોવાનું અનુમાન છે. લાંબા સમયથી જૂના PF ખાતાઓમાં ફસાયેલી આ નાની રકમ તેના હકદાર માલિકો સુધી પહોંચાડવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. ખાસ કરીને એવા ખાતાધારકોને આ નિર્ણયથી રાહત મળશે, જેઓ માહિતીના અભાવે અથવા ક્લેમની પ્રક્રિયા પૂર્ણ ન કરી શકવાને કારણે પોતાના પૈસા મેળવી શક્યા નથી.
6/10
EPFOએ ઓટોમેટિક સેટલમેન્ટ માટે કેટલીક શરતો નક્કી કરી છે. સૌથી પહેલાં PF ખાતું નિષ્ક્રિય હોવું જોઈએ અને તેમાં ₹1,000 કે તેથી ઓછું બેલેન્સ હોવું જરૂરી છે. આ ઉપરાંત ખાતાધારકનું આધાર વેરિફિકેશન થયેલું હોવું જોઈએ. ખાતાધારકની ઓળખ અને બેંક ખાતાની વિગતોની જરૂરી ચકાસણી પણ પૂર્ણ થવી આવશ્યક છે. આ તમામ શરતો પૂર્ણ કરનારા ખાતાઓમાં જ EPFO દ્વારા આપમેળે સમાધાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, દરેક નિષ્ક્રિય PF ખાતું આ સુવિધા માટે પાત્ર નહીં બને. ખાતાની સ્થિતિ, બેલેન્સ અને જરૂરી ચકાસણીના આધારે જ ચુકવણી કરવામાં આવશે.
ADVERTISEMENT
7/10
નોકરી બદલવી, લાંબા સમય સુધી PF ખાતામાં કોઈ યોગદાન ન આવવું અથવા અન્ય કારણોસર ઘણાં PF ખાતાં નિષ્ક્રિય થઈ જાય છે. આવા ખાતાઓમાં ઘણીવાર નાની રકમ જમા રહેતી હોય છે. જોકે, ખાતાધારકોને તેની જાણ ન હોવી અથવા ક્લેમની પ્રક્રિયા મુશ્કેલ લાગતી હોવાથી તેઓ પોતાના પૈસા ઉપાડી શકતા નથી EPFOની આ નવી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આવા નિષ્ક્રિય ખાતાઓમાં અટવાયેલી રકમ તેના હકદાર ખાતાધારકો સુધી પહોંચાડવાનો છે. આ નિર્ણયથી લોકોને અલગથી દાવો દાખલ કરવાની, જરૂરી કાગળિયાં તૈયાર કરવાની અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની ઝંઝટમાંથી રાહત મળશે.
8/10
EPFOએ PF ક્લેમની પ્રક્રિયામાં પણ નોંધપાત્ર સુધારો કર્યો છે. ઓક્ટોબર 2026માં PF ક્લેમની પ્રક્રિયા પૂર્ણ કરવાનો સરેરાશ સમય ઘટીને માત્ર 2.57 દિવસ થયો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, ટેકનોલોજીકલ સુધારા અને CITES 2.01 પહેલને કારણે ક્લેમની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની છે. આના કારણે PF ખાતાધારકોને પોતાના પૈસા મેળવવા માટે લાંબી રાહ જોવી પડતી નથી.
ADVERTISEMENT
9/10
EPFOએ પોતાના 74મા સ્થાપના દિવસ નિમિત્તે સભ્યો માટે WhatsApp આધારિત સેવાઓની પણ જાહેરાત કરી છે. હવે સભ્યો WhatsApp દ્વારા પોતાના PF બેલેન્સની માહિતી મેળવી શકશે. આ ઉપરાંત છેલ્લા પાંચ વ્યવહારો અને PF પાસબુક પણ ઍક્સેસ કરી શકશે. આ સુવિધાથી સભ્યોને PF સંબંધિત સામાન્ય માહિતી મેળવવા માટે વારંવાર ઓફિસ કે અન્ય માધ્યમોનો સહારો લેવો નહીં પડે.
10/10
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 1 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા EPFOના 74મા સ્થાપના દિવસના સમારોહમાં આ નવી પહેલોની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે EPFO પાસે આશરે ₹32 લાખ કરોડનું ભંડોળ છે, જે 8 કરોડથી વધુ સભ્યોના યોગદાનથી સંચાલિત થાય છે. આ સંસ્થા આશરે 8 કરોડ સક્રિય ફાળો આપનારા સભ્યો અને 85 લાખ પેન્શનરોને સેવાઓ પૂરી પાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ