બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સિવિલમાં માથાભારે લોકોનો સફાયો! આઈકાર્ડ વગર એન્ટ્રી બંધ, સ્ટાફ-તત્ત્વોની સાઠગાંઠ પર તંત્રની લાલ આંખ

ગુજરાત / સિવિલમાં માથાભારે લોકોનો સફાયો! આઈકાર્ડ વગર એન્ટ્રી બંધ, સ્ટાફ-તત્ત્વોની સાઠગાંઠ પર તંત્રની લાલ આંખ

Nidhi Panchal

Last Updated: 02:52 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારની આડમાં ચાલતી અડ્ડાબાજી અને બહારના લોકોની અવરજવર સામે તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે. સુરક્ષાને લઈને થયેલી ગંભીર બેદરકારી બાદ એક સુપરવાઈઝરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં આઈકાર્ડ વગર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારની આડમાં ચાલતી અડ્ડાબાજી અને લુખ્ખાં તત્ત્વોની અવરજવર સામે આખરે હોસ્પિટલ તંત્રએ લાલ આંખ કરી છે. હોસ્પિટલના સંવેદનશીલ વિસ્તારો સુધી બહારના લોકો પહોંચી જતા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ સમગ્ર મામલે ચીફ સિક્યોરિટી ઓફિસરે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. એક સુપરવાઈઝરને સસ્પેન્ડ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે હવે આઈકાર્ડ વગર હોસ્પિટલમાં પ્રવેશ અને લુખ્ખાં તત્ત્વોની અવરજવર પર સંપૂર્ણ બ્રેક લગાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

Civil-hossssss

નિયમિત રીતે અડિંગો જમાવતા હોવાની ફરિયાદો

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલના વિવિધ વિસ્તારોમાં કેટલાક માથાભારે લોકો નિયમિત રીતે અડિંગો જમાવતા હોવાની ફરિયાદો મળી રહી હતી. આ લોકો દર્દીઓના સગા ન હોવા છતાં હોસ્પિટલમાં કલાકો સુધી બેસી રહેતા હતા. કેટલાક લોકો તો મોડી રાત સુધી હોસ્પિટલ પરિસરમાં જોવા મળતા હતા. જેના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું હતું.

કંટ્રોલરૂમમાં અચાનક ચેકિંગ

આ સમગ્ર મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે તાજેતરમાં ચીફ સિક્યોરિટી ઓફિસર અભિષેકે કંટ્રોલરૂમમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. હોસ્પિટલની સુરક્ષા માટે સૌથી મહત્વના ગણાતા કંટ્રોલરૂમમાં કેટલાક અજાણ્યા લોકો બેઠેલા જોવા મળ્યા હતા. તેમની પાસે ઓળખ માટે આઈકાર્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હોસ્પિટલના અધિકૃત કર્મચારી ન હોવાનું સામે આવ્યું હતું.

સુપરવાઈઝર પણ હાજર હોવાનું જાણવા

તપાસ દરમિયાન આ લોકો સાથે પીયૂષ નામનો એક સુપરવાઈઝર પણ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. કંટ્રોલરૂમ જેવા પ્રતિબંધિત વિસ્તારમાં બહારના લોકો કેવી રીતે પહોંચ્યા અને તેમને ત્યાં પ્રવેશ કોણે આપ્યો તે મુદ્દે સુપરવાઈઝર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે પ્રાથમિક તપાસમાં સંતોષકારક જવાબ ન મળતાં પીયૂષને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

અંદાજે બે હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે

આ કાર્યવાહી બાદ હોસ્પિટલના અન્ય કર્મચારીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે તંત્ર માત્ર એક સુપરવાઈઝરની ભૂમિકા સુધી સીમિત રહેવાનું નથી, પરંતુ હોસ્પિટલમાં બહારના લોકોની અવરજવર પાછળ કોઈ સ્ટાફની સંડોવણી છે કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની આઉટસોર્સિંગ એજન્સી મારફતે અંદાજે બે હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમાં મેનેજર, સુપરવાઈઝર તેમજ ક્લાસ-૪ના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે સુરક્ષા અને ઓળખની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અનુભવાતાં હવે તમામ કર્મચારીઓ માટે આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે.

civil10.jpg

આઈકાર્ડ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે પહેરવાનું

હવે હોસ્પિટલમાં ફરજ બજાવતા દરેક કર્મચારીએ પોતાનું આઈકાર્ડ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે પહેરવાનું રહેશે. હોસ્પિટલના ગેટ પર તહેનાત સિક્યોરિટી ગાર્ડ દ્વારા પણ આઈકાર્ડ ચેક કરવામાં આવશે. કોઈપણ કર્મચારી અથવા વ્યક્તિ પાસે માન્ય આઈકાર્ડ નહીં હોય તો તેને હોસ્પિટલના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ચીફ સિક્યોરિટી ઓફિસર અભિષેકે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સિવિલ હોસ્પિટલ હવે કોઈનો અડ્ડો નથી. અહીં માત્ર દર્દીઓ, તેમના સગા અને અધિકૃત સ્ટાફને જ સ્થાન મળશે. બિનજરૂરી રીતે હોસ્પિટલમાં બેસી રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવશે અને જરૂરી જણાશે તો પોલીસની મદદ પણ લેવામાં આવશે.

કડક કાર્યવાહી પ્રથમ વખત જોવા મળી

આ સમગ્ર કાર્યવાહી બાદ એક મહત્વનો સવાલ ચર્ચાનો વિષય બન્યો છે કે શું વર્ષોથી હોસ્પિટલમાં ચાલી રહેલી અડ્ડાબાજી પાછળ કોઈ સંગઠિત વ્યવસ્થા કાર્યરત હતી? શું બહારના લોકોને હોસ્પિટલમાં પ્રવેશ અપાવવા માટે કેટલાક કર્મચારીઓ મદદરૂપ બનતા હતા? હોસ્પિટલનું તંત્ર હવે આ તમામ મુદ્દાઓ પર નજર રાખી રહ્યું છે. હાલ પૂરતી એક સુપરવાઈઝર સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં તપાસનો વ્યાપ વધે તો વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં સુરક્ષાને લઈને આ પ્રકારની કડક કાર્યવાહી પ્રથમ વખત જોવા મળી રહી છે.

'ઓપરેશન ક્લીનઅપ'

'ઓપરેશન ક્લીનઅપ' હેઠળ ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. કંટ્રોલરૂમ સહિતના સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવશે. બિનજરૂરી રીતે બેસી રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવશે. ઓળખપત્ર વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો પોલીસને જાણ પણ કરવામાં આવશે. હવે કર્મચારીઓ માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આઈકાર્ડ પહેરવું ફરજિયાત રહેશે. આઈકાર્ડ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે રાખવું પડશે. હોસ્પિટલમાં પ્રવેશ સમયે આઈકાર્ડ ચેકિંગ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે વિભાગીય કાર્યવાહી થશે અને બહારના લોકોને આશરો આપનાર સ્ટાફ સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

કર્મચારીઓ પર હવે ખાસ નજર રાખવામાં આવશે

સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે કામ કરતા બે હજારથી વધુ કર્મચારીઓ પર હવે ખાસ નજર રાખવામાં આવશે. દરેક કર્મચારીની ઓળખ અને તેમની હિલચાલ પર સિક્યોરિટી વિભાગ નજર રાખશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે. આ મામલે સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યોરિટી ઓફિસર અભિષેકે જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન સુપરવાઈઝર સાથે કેટલાક લોકો બેઠેલા જોવા મળ્યા હતા, જેમની પૂછપરછ કરવામાં આવી હતી. હવે કોઈપણ કર્મચારીને આઈકાર્ડ ચેક કર્યા વગર એન્ટ્રી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટરને અમદાવાદમાં અટકાવાઈ, ઓગણજમાં ક્રાઈમ બ્રાંચ ઉતરી

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે છે, કોઈપણ વ્યક્તિની દાદાગીરી કે અડ્ડાબાજી માટે નહીં. જો કોઈ કર્મચારી પોતાના મિત્રો કે ઓળખીતાઓને હોસ્પિટલમાં બોલાવી અડિંગો જમાવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Civil Hospital Hospital Security Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ