બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2 સપ્તાહ બાદ પણ ચાંગોદર પાણીમાં! ઔદ્યોગિક વસાહતોમાં જળબંબાકારથી ઉત્પાદન અને માલસામાનની હેરફેર ઠપ
Last Updated: 03:44 PM, 5 August 2026
ગત ૨૩ જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદને બે સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારના અનેક માર્ગો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પરિણામે બસ અને નાનાં વાહનોની અવરજવર બંધ હોવાથી કર્મચારીઓને દરરોજ ટ્રેક્ટર-ટ્રોલીમાં બેસીને ફેક્ટરી સુધી પહોંચવું પડી રહ્યું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ પાણી ભરાવાનાં કારણે ઉત્પાદન, માલસામાનની હેરફેર અને સપ્લાય ચેઇન હજુ સુધી સંપૂર્ણપણે સામાન્ય બની નથી.
ADVERTISEMENT
ખાસ કરીને સ્વસ્તિક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે. અનેક ફેક્ટરીઓમાં કાચા માલ અને તૈયાર માલની હેરફેર અટકી ગઈ છે, જ્યારે ભારે મશીનરીનાં ડિસ્પેચ પણ અટવાઈ ગયાં છે. ઉદ્યોગ સંગઠનોના અંદાજ મુજબ જ્યાં પાણી ફેક્ટરીમાં ઘૂસ્યું હતું ત્યાં એકમોને રૂ. પાંચ કરોડથી રૂ. ૧૦ કરોડ સુધીનું નુકસાન થયું છે. તેમાં મશીનરી, કાચો માલ અને તૈયાર ઉત્પાદનોને થયેલાં નુકસાનનો પણ સમાવેશ થાય છે. કેટલીય ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને રોજ ટ્રેક્ટરમાં લાવવા પડે છે. ભારે ઇન્ડક્શન ફર્નેસનાં સાધનોનો લગભગ રૂ. ૧૫ કરોડનો માલ હજુ પણ અટવાયેલો છે.
સામાન્ય વાહનો એસ્ટેટમાં પહોંચી શકતાં ન હોવાથી નાની ટ્રક મારફતે માલ પહોંચાડવો પડી રહ્યો છે. તેના કારણે પરિવહન ખર્ચ સામાન્ય કરતાં લગભગ પાંચ ગણો વધી ગયો છે અને ગ્રાહકોને સમયસર ડિલિવરી આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ADVERTISEMENT
મુખ્યપ્રધાન સમક્ષ ચાર મુખ્ય માગણીઓ
ચાંગોદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. તેમાં ઉચ્ચ ક્ષમતાના ડી-વોટરિંગ પંપ ગોઠવવા, બંધ ડ્રેનેજ લાઇન તાત્કાલિક સાફ કરાવવી, કાયમી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવી અને ઔદ્યોગિક કામગીરી ઝડપથી પૂર્વવત્ કરવા જેવી માગણીઓ સામેલ છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે સમસ્યાનું મૂળ કારણ માત્ર ભારે વરસાદ નહીં, પરંતુ અપૂરતી વરસાદી ગટર વ્યવસ્થા અને વિકાસના કારણે કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાયા છે. તેઓએ કાયમી માળખાકીય ઉકેલ લાવવાની સરકાર સમક્ષ માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.