Meteorological department forecast: બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાની પવનની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, જામનગર અને દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે રાજ્યમાં વરસાદની આગાહી
રાજ્યના તમામ જિલ્લામાં થઈ શકે વરસાદ
વરસાદ સાથે ભારે ફૂંકાવાની શક્યતા
અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 1130 IST today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat) and 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port by evening of 15th June as VSCS.@WMOpic.twitter.com/WwUYPMFAc2
— India Meteorological Department (@Indiametdept) June 14, 2023
આજે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે કચ્છ, જામનગર અને દ્વારકામાં રેડ એલર્ટ છે. જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની શક્યતા છે.
કચ્છમાં ફૂંકાઈ શકે છે 125થી 135 કિમીની ઝડપે પવન
ભારે પવન ફૂંકાવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે, જૂનાગઢ-ગીર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
મહેસાણા અને ગાંધીનગરમાં પણ ફૂંકાઈ શકે છે ભારે પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડા, મહેસાણા, મહિસાગરમાં 50 કિમીની ઝડપે, દાહોદ, વડોદરા અને પંચમહાલમાં પણ 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
16 જૂને આ બે જિલ્લામાં રેડ એલર્ટ
આવતીકાલે બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અહીં ભારે વરસાદ વરસી શકે છે.