બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / BHAVAI BHUNGHAD MAKER DINESH LAL KANSARI IS THE ONLY ARTIST IN GUJARAT WHO IS MAKING BHUNGHAD

Vtv Exclusive / વિસનગરના 70 વર્ષના દિનેશભાઈ ભૂંગળ બનાવનાર એકલા ગુજરાતી, ભવાઈ કાજે હોમ્યું આયખું, જાણવા જેવી માહિતી

Vaidehi

Last Updated: 07:51 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભવાઈને લુપ્તપ્રાય થતી અટકાવવા માટે એક ગુજરાતીએ બીડું ઝડપ્યું છે. મહેસાણાના વિસનગરના વતની એવા દિનેશભાઈ ગુજરાતમાં એકલા ભૂંગળ બનાવનાર વ્યક્તિ છે.

  • વિસનગરના 70 વર્ષના દિનેશભાઈ કંસારીએ પ્રગટાવી ભૂંગળને બચાવવાની મિશાલ 
  • ગુજરાતના એકમાત્ર ભૂંગળ બનાવનાર વ્યક્તિ 
  • 1978થી બનાવી રહ્યાં છે ભૂંગળ, યુવાનોને ભૂંગળ વગાડતાં પણ શીખવે છે

VAIDEHI BHINDE VTV: 

ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ 'ભવાઈ' નો જન્મ 14મી સદીમાં થયો હતો. પ્રાચીનકાળમાં ભવાઈ ભજવનારાઓ સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે ભૂંગળ-તબલાનાં તાલે ભવાઈ ભજવતાં હતાં. ગુજરાતનાં ઊંઝામાં અસાઈત ઠાકર કે જેઓ ભવાઈનાં પિતામહ માનવામાં આવે છે તેમણે 360 વેશની ભવાઈઓ લખી. માં અંબાની ભક્તિને કેન્દ્રમાં ભૂંગળનાં નાદે ભવાઈ ભજવાતી હતી. પણ હાલનાં સમયમાં આ ભૂંગળ વાદ્ય બનાવનાર ગુજરાતભરમાં માત્ર એક જ વ્યક્તિ છે- દિનેશકુમાર કંસારા.

Dinesh Kumar Kansara

70 વર્ષના દિનેશભાઈ ભવાઈને જીવંત રાખવા માટે ભૂંગળ બનાવે છે

વિસનગરમાં વસતાં દિનેશકુમાર કંસારા 70 વર્ષની ઉંમરે પણ ભવાઈને જીવંત રાખવા માટે ભૂંગળ બનાવે છે. પોતાના નાના રણછોડલાલ કંસારા પાસેથી 1978ની સાલમાં દિનેશભાઈએ ભૂંગળ બનાવવાની તાલીમ લીધી હતી અને આજ દિવસ સુધી તેઓ તમામ પ્રકારની ભૂંગળ એકલા હાથે બનાવીને વિશ્વભરમાં વેચે છે.   દિનેશકુમાર કંસારા કહે છે કે પ્રાચીનકાળમાં આદ્યાશક્તિની આરાધના કરવા, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કે પછી હવન કે ભવાઈ ભજવવા માટે ભૂંગળનો ઉપયોગ થતો હતો. ભવાઈ કલાકારો ભૂંગળ ફૂંકીને આખું ગામ ભેગું કરતાં અને ભવાઈ ભજવતા. 

ભૂંગળમાં પણ નર અને માદા, જેની લંબાઈ વધુ તે નર 

એક મજાની વાત કરતાં દિનેશભાઈ કહ્યું કે ભૂંગળ હંમેશા જોડીમાં જ બને છે એટલે કે તેમાં પણ નર અને માદા એમ પ્રકાર હોય છે. બંને ભૂંગળની લંબાઈમાં 1 ઈંચનો તફાવત બની જાય છે. જેની લંબાઈ વધુ બને છે તે નર ભૂંગળ અને જેની લંબાઈ ઓછી હોય છે તે માદા ભૂંગળ માનવામાં આવે છે. નર ભૂંગળનો અવાજ થોડો જાડો હોય છે જ્યારે માદા ભૂંગળનો અવાજ તીણો રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભૂંગળને માતાજીની બાહુ એટલે કે 2 હાથ પણ માનવામાં આવે છે. 

ચાંદીની પણ ભૂંગળ બને છે

ભૂંગળની એક જોડનો ભાવ 3500 રુપિયા છે. આ ભૂંગળ પણ 3 પ્રકારની હોય છે- તાંબા-પિત્તળની ભૂંગળ, જર્મન ભૂંગળ અને ચાંદીની ભૂંગળ. દિનેશભાઈએ જણાવ્યું કે સામાન્ય રીતે આપણાં ગુજરાતમાં તાંબા-પિત્તળની ભૂંગળનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આ ભૂંગળનો આગળનો ભાગ તાંબાનો જ્યારે પાછળનો ભાગ પિત્તળનો હોય છે. કેટલાક લોકો માતાજીની માનતા માને ત્યારે ચાંદીની ભૂંગળ પણ બનાવડાવતાં હોય છે. દિનેશભાઈ ત્રણેય પ્રકારની ભૂંગળ બનાવી શકે છે. તેઓ માત્ર 8 કલાકમાં તાંબા-પિત્તળની નર-માદા ભૂંગળ તૈયાર કરી શકે છે જ્યારે ચાંદીની ભૂંગળ તૈયાર કરતાં તેમને 2-3 દિવસનો સમય લાગી જાય છે. 

યુવાનોને શીખવાડી રહ્યાં છે ભૂંગળ બનાવવાની કળા 

વિસરાતી જતી ભૂંગળ બનાવવાની કળાને જીવંત રાખવા માટે અને આ કળા આજનાં યુવાનો પણ શીખે એ માટે દિનેશભાઈ કંસારા અવારનવાર ભૂંગળ બનાવવાની વર્કશોપ અને કાર્યક્રમો ગોઠવતાં હોય છે. તેમણે અત્યાર સુધી ગુજરાતમાં 15 જેટલા ભૂંગળ બનાવવાનાં પ્રોગ્રામ કર્યાં છે. તેવામાં ગુજરાતી તરીકે આપણે પણ આપણી આ લોકસંસ્કૃતિને જાળવવા માટે શક્ય હોય તેટલો વધુને વધુ પ્રયાસ કરવો જોઈએ.

કોણ હતાં ભવાઈના ભીષ્મપિતામહ અસાઈત ઠાકર 

ભવાઈ વેશના ભીષ્મપિતામહ અસાઈત ઠાકર યજુર્વેદી કર્મકાંડી હતા. એક હિન્દવાણીના શીલની રક્ષા કાજે તેમણે વટલાવાનું પસંદ કર્યું આને કારણે સિદ્ધપુરની બ્રાહ્મણ જ્ઞાતિએ તેમનો બહિષ્કાર કર્યો, જ્ઞાતિ બહાર મૂક્યા અને રોટી-બેટી વ્યવહાર પણ બંધ કર્યો. એટલે અસાઈત સિદ્ધપુર છોડી ઊંઝા આવ્યા અને કદીય સિદ્ધપુરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી. આથી તે ત્રાગાળા કહેવાયા. દીકરા પણ સાથે હતા. તેમનાં ત્રણ ઘર તેથી ત્રણ ઘરા, તરગાળા થયું હોવાનું પણ કહે છે. ઊંઝાએ તેમને હૈયાના હેતથી આવકાર્યા. ઊંઝાના પટેલોએ પોતાની દીકરીના શીલનું રક્ષણ કરનાર અસાઈતને મકાન આપ્યું, જમીન આપી, આજીવિકાની વ્યવસ્થા કરી આપી. આ અસાઈતે સમાજની દુર્દશા જોઈ, તેની આંતરડી કકળી ઊઠી અને વિલાપમાંથી ભવાઈનો જન્મ થયો. તેમણે દરરોજ એક નવો વેશ ભજવી શકાય તેવા 360-70 ભવાઈ વેશ લખ્યા અને ભજવ્યા. આજે તેમના વંશજો નાયક અને ભોજક કહેવાય છે.

ભૂંગળ ક્યારે ક્યારે વગાડી શકાય? 

(1) ગામમાં નાટક મંડળી રમતી હોય ત્યારે 
(2) કોઈના લગ્ન પ્રસંગમાં
(3) માતાજીના મંદિરે   
(4) ચાંચર ચોકમાં ભવાઈ ભજવાતી હોય ત્યારે
(5) રાસ-ગરબા રમતી વખતે
(6) રાજવી એટલે રાજદરબારમાં સન્માન આપવા
(7) દિકરાના હાલરડામાં
(8) ગાવણું કરતી વખતે
(9) હવન કર્યો સિદ્ધ કરવા સમયે
(10) દરેક પ્રકારના શુભ કાર્યોમાં 

વધુ વાંચો: વેબ-સિરીઝ, બોલિવૂડ, સાઉથના ટ્રેન્ડ સામે ગુજરાતી ફિલ્મો ક્યાં? નવતર પ્રયોગ સાથે કેવા પડકાર?

ભૂંગળમાં પાંચ પ્રકારના રાગ-તાલ 

પતંગ ( જે સ્થિરતા સાથેનો અવાજ )
ફરેરો ( તેજ એટલે કે ધોધ સાથે અવાજ)
માન (તાલ-રાગ સાથેનો અવાજ)
છેક ( ચારેય બાજુ ફરતો અવાજ)
સ્વર ( તાલ સાથેનો મિલાપનો અવાજ)
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bhavai Bhunghad VTV એક્સક્લુઝિવ Vtv Exclusive ભવાઈ ભૂંગળ Vtv Exclusive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ