જોધપુર, વેજલપુર, મક્તમપુરા જેવા વોર્ડ ધરાવતા શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનની કુલ 40 કોમર્શિયલ મિલકતને તંત્રે અલગ તારવીને તેના કબજેદારને આજે જાહેર નોટિસ આપી છે
AMCએ પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ચક્રો ગતિમાન કર્યાં
ટેક્સ નહીં ભરાય તો મિલકતોની એકતરફી જાહેર હરાજી હાથ ધરાશે.
દુકાન-ઓફિસ કે ગોડાઉનને લાગેલાં સીલ ખોલાવવા માટે ડિફોલ્ટર્સ દોડતા થયા
એક અઠવાડિયા બાદ ચાલુ નાણાકીય વર્ષ 2022-23નો અંતિમ દિવસ એટલે કે તા. 31 માર્ચ આવનાર છે. માર્ચ એન્ડિંગના આ છેલ્લા દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ વધુ ને વધુ પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ચક્રો ગતિમાન કર્યાં છે, જે હેઠળ ડિફોલ્ટર્સની આશરે એક લાખથી વધુ મિલકતને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં છે. બીજી તરફ મોટી રકમના ડિફોલ્ટર્સ બાકી ટેક્સ ભરપાઈ માટે તંત્રની વારંવારની સૂચનાનો અનાદર કરતા હોઈ તેમની સામે સત્તાધીશો આકરાં પાણીએ થયા છે. જોધપુર, વેજલપુર, મક્તમપુરા જેવા વોર્ડ ધરાવતા શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનની કુલ 40 કોમર્શિયલ મિલકતને તંત્રે અલગ તારવીને તેના કબજેદારને આજે જાહેર નોટિસ આપી છે, જે હેઠળ જો સાત દિવસમાં બાકી ટેક્સ નહીં ભરાય તો આ તમામ મિલકતોની એકતરફી જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે.
મિલકતની જાહેર હરાજીની ચેતવણી આપી
તાજેતરમાં મધ્ય ઝોનમાં તંત્ર દ્વારા 27 ડિફોલ્ટર્સની મિલકતને અલગ તારવીને તેમની મિલકતની જાહેર હરાજીની ચેતવણી આપી હતી. તંત્રને ચોપડે આવી મિલકતનો કુલ 4.70 કરોડનો ટેક્સ વસૂલવાનો બાકી હોઈ આ બાબતે હરાજી કરીને પણ બાકી ટેક્સ વસૂલાત માટે સત્તાવાળાઓ ગંભીર બન્યા છે. આવી જ રીતે દક્ષિણ-પશ્ચિમ ઝોન માટે પ્રોપર્ટી ટેક્સ વિભાગે કુલ 40 મિલકતની યાદી જાહેર કરી છે. આ તમામ મિલકતોને તંત્રએ જાહેર નોટિસ ફટકારી છે. હવે જો આ મિલકતના કબજેદાર સાત દિવસમાં તંત્રના ચોપડે બોલતો બાકી ટેક્સ મ્યુનિ. તિજોરીમાં જમા નહીં કરાવે તો તેમની મિલકતની એકતરફી જાહેર હરાજી કરવા માટે સત્તાવાળાઓ આગળ વધશે.
કુલ 40 મિલકતનો રૂ. 8.92 કરોડનો ટેક્સ બાકી બોલે
તંત્ર દ્વારા આજે પ્રસિદ્ધ કરાયેલી જાહેર હરાજી માટેની 40 મિલકતો પૈકી કેટલીક મિલકતોની વિગત તપાસતાં મકરબાના સેલિબ્રેશન પાર્ટી પ્લોટનો રૂ.86.83 લાખ અને રેડ પેટલ પાર્ટી પ્લોટનો રૂ.26.08 લાખનો ટેક્સ ભરાયો નથી. મકરબાના પિન્કો પ્લાસ્ટિક્સનો રૂ.67.01 લાખનો ટેક્સ પણ તંત્રના ચોપડે ઉધાર બોલે છે. એસજી હાઈવે પરના એજીએસ એપલનો રૂ.21.20 લાખ, રિટમો ધ ડિસ્કનો રૂ.11.76 લાખનો ટેક્સ ભરાયો નથી. મકરબામાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો લિ.નો કબજો ધરાવતી એક મિલકતનો રૂ.12.64 લાખનો ટેક્સ ઉધાર છે. જોધપુરના બંધન ફાર્મનો રૂ.17.28 લાખ, કર્ણાવતી ક્લબ સામેના ફૂડ યાર્ડનો રૂ.19.52 લાખ તેમજ ફૂડ કોર્ટનો રૂ.21.14 લાખ, શપથ-5માં આવેલા અરોરા કેટરિંગનો રૂ.38.15 લાખનો ટેક્સ પણ ભરાયો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આજે બહાર પડાયેલી જાહેર નોટિસ હેઠળની કુલ 40 મિલકતનો રૂ. 8.92 કરોડનો ટેક્સ બાકી બોલે છે.
એક પ્રકારે મેગા સીલિંગ ઝુંબેશ
દરમિયાન, છેલ્લા ચાર શુક્રવારથી મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં ડિફોલ્ટર્સ સામે મેગા સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત આજે પણ ટેક્સ વિભાગના તમામ ઉચ્ચ અધિકરીઓ ડિફોલ્ટર્સને કાયદાના સાણસામાં લેવા માટે મેદાનમાં ઊતરી પડ્યા છે. ગયા શુક્રવારે તંત્રએ ઐતિહાસિક એટલી 26,530 કોમર્શિયલ મિલકતને તાળાં માર્યાં હતાં. જોકે હવે સીલિંગ ઝુંબેશમાં લગભગ સેચ્યુરેશન પોઇન્ટ આવ્યો હોઈ આજે એટલી સંખ્યામાં તંત્ર ડિફોલ્ટર્સની મિલકતને સીલ મારવાનું નથી. તેમ છતાં પાંચ હજારથી મિલકતને આજે પણ સીલ મરાશે તેવું જાણવા મળ્યું છે. સવારે છ વાગ્યાથી ટેક્સ વિભાગના અધિકારીઓ પોતપોતાના વિસ્તારના ડિફોલ્ટર્સની યાદી લઈને તેમની મિલકતને સીલ કરવા નીકળી પડ્યા હતા. આજે પણ એક પ્રકારે મેગા સીલિંગ ઝુંબેશ હોઈ ડિફોલ્ટર્સમાં ભારે ફફડાટ પેસી ગયો છે. પોતાની દુકાન-ઓફિસ કે ગોડાઉનને લાગેલાં સીલ ખોલાવવા માટે ડિફોલ્ટર્સ દોડતા થયા છે અને બાકી ટેક્સ બિલની ભરપાઈ કરી રહ્યા છે.