બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 24 કલાકમાં 20 ઈંચ, 141 જગ્યાએ પાણી ભરાયા, 173 ઝાડ પડ્યા પણ હવે પરિસ્થિતિ કાબુમાં
Last Updated: 06:48 PM, 24 July 2026
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદની તીવ્રતા છેલ્લા 20 વર્ષમાં જોવા મળેલી સૌથી ગંભીર સ્થિતિમાંની એક હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જોકે વરસાદની તીવ્રતા ઘટતા હવે તંત્ર દ્વારા પાણીના નિકાલ અને સફાઈની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ વરસાદ બાદ અમદાવાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી શહેરમાં વરસાદ શરૂ થયો હતો અને 24 કલાકમાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
141 સ્થળોએ પાણી ભરાયા, 49 સ્થળે કામગીરી ચાલુ
ADVERTISEMENT
ભારે વરસાદને કારણે અમદાવાદમાં કુલ 141 સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. જેમાંથી મોટાભાગના સ્થળોએ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે હાલ 49 સ્થળોએ કામગીરી ચાલુ છે. શહેરમાં સ્ટોર્મ વોટર લાઇન અને પમ્પિંગ સ્ટેશનોને સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. પાણીના ઝડપી નિકાલ માટે અલગ-અલગ વિસ્તારોમાં કુલ 107 પંપ કાર્યરત કરવામાં આવ્યા છે. બોપલ વિસ્તારમાં પણ મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે. જોકે, બોપલ-ઇસ્કોન ગ્રીન વિસ્તારમાં નીચાણવાળો અને સોસાયટી વાળો વિસ્તાર હોવાથી ત્યાં પાણીના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
200 લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ
ADVERTISEMENT
ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને પગલે શંકર ભુવન ચાલીમાંથી આશરે 200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સાબરમતી, છારાનગર અને રબારીવાસ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા પાણીમાં ફસાયેલા 11 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
11 અંડરપાસમાંથી હવે માત્ર 1 બંધ
ADVERTISEMENT
ભારે વરસાદ દરમિયાન શહેરના 11 અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા. જોકે, પાણી ઓસરતા હવે મોટાભાગના અંડરપાસ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. હાલ માત્ર ચાંદલોડિયા અંડરપાસ જ બંધ છે. વરસાદ દરમિયાન શહેરમાં 173 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો પણ મળી હતી. તંત્ર દ્વારા રસ્તાઓ પરથી વૃક્ષો અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
576 સ્થળે સફાઈ કામગીરી, 270 મેટ્રિક ટન કાદવ દૂર
ADVERTISEMENT
જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં AMC દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કુલ 576 સ્થળોએ સફાઈ કામદારો અને ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 270 મેટ્રિક ટન જેટલો કાદવ અને કીચડ દૂર કરવામાં આવ્યો છે. પાણી ભરાવા અને ભુવા પડવાની ફરિયાદોનું પણ તંત્ર દ્વારા નિરાકરણ લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનનું વિતરણ
ADVERTISEMENT
વરસાદ બાદ પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે AMC દ્વારા ક્લોરિનનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલે બોપલ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી
વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટોસા અને બોપલ વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ તંત્રને જરૂરી માર્ગદર્શન આપી પાણીના ઝડપી નિકાલ અને નાગરિકોને રાહત મળે તે માટે કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ રાજ્યમાં કૂલ 40,500 લોકોનું સ્થળાંતર, 1100 રસ્તા બંધ, 2600 લોકોને રેસ્ક્યુ કરાયા
આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજ બંધ રહેશે
અમદાવાદમાં વરસાદ હજુ પણ ચાલુ છે અને હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં શાળા, કોલેજ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા કોર્પોરેટ કંપનીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, શક્ય હોય ત્યાં સુધી આવતીકાલે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવે, જેથી વરસાદની સ્થિતિમાં રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં અમદાવાદના નાગરિકો તરફથી તંત્રને સારો સહકાર મળ્યો છે. તેમણે આગામી દિવસોમાં પણ નાગરિકો સહકાર આપે અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરી છે. હાલ વરસાદની તીવ્રતા ઘટતા અમદાવાદમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય તરફ આવી રહી છે, પરંતુ આવતીકાલે ભારે વરસાદની આગાહીને પગલે AMC અને અન્ય સરકારી તંત્ર એલર્ટ મોડ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.