બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી, 30 થી 40 લોકો કાટમાળ નીચે દબાયા
Last Updated: 04:54 PM, 20 June 2026
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા અતિ પ્રસિદ્ધ અને પવિત્ર 'યશવાડી મારુતિ મંદિર' પરિસરમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. શનિવારનો દિવસ હોવાથી મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, બરાબર એ જ સમયે મંદિરની બિલકુલ સામે આવેલો વિશાળ સભા મંડપ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ચીસાચીસ અને ભારે નાસભાગ મચી ગઈ હતી.
ADVERTISEMENT
Breaking –
— Sachin Gupta (@Sachingupta) June 20, 2026
महाराष्ट्र के परभणी जिले में यशवाड़ी देवस्थान में हनुमान मंदिर के हॉल की छत गिरी। हादसे में 30 से 40 श्रद्धालु घायल हुए हैं। शुरुआती रिपोर्ट्स के अनुसार कुछ लोगों की मौत होने की खबर है। pic.twitter.com/zlS0DMsaDs
ADVERTISEMENT
સ્થાનિક સ્તરેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, જે સમયે આ સભા મંડપ તૂટી પડ્યો, ત્યારે તેની નીચે અને આસપાસ મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. આ અકસ્માતમાં અંદાજે 30 થી 40 જેટલા લોકો મંડપની છત અને પિલરોના ભારે કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, આ અકસ્માતમાં જાનહાનિ કેટલી થઈ છે અને કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેને લઈને સ્થાનિક જિલ્લા પ્રશાસન કે પોલીસ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ જિલ્લા પ્રશાસન, સ્થાનિક પોલીસનો કાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા માસૂમ શ્રદ્ધાળુઓને વહેલી તકે અને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
ADVERTISEMENT
વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અત્યારે આખા મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે જેથી બચાવ કાર્યમાં કોઈ અવરોધ ન આવે. હાઈવે અને સ્થાનિક રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હાજર ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, તેઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને કાટમાળ સંપૂર્ણ હટાવ્યા બાદ જ જાનમાલના નુકસાનની સાચી અને વિગતવાર માહિતી સત્તાવાર રીતે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.