Team VTV02:29 PM, 25 Jan 21
| Updated: 02:30 PM, 25 Jan 21
અમદાવાદનાં બે યુવાનો "સેવ યંગસ્ટર્સ સેવ નેશન"નાં મેસેજ સાથે 6 મહિનામાં 6 રાજ્યોનાં વિવિધ ગામડાઓમાં દોડીને અવેરનેસનાં કામો કરી રહ્યાં છે. એક મહિનામાં એક રાજ્યનાં ગામડાઓમાં 1,000 કિલોમીટર દોડવાનું લક્ષ્ય આ બંને યુવાનોએ રાખ્યું છે.
ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં રનિંગ કરશે
સવારે 3.30થી જ તેમનું ડેઈલી રુટીન શરુ થઈ જાય છે
યૂથને વ્યસન છોડાવી ફિટ રહેવાનાં અવેરનેસ કામો કરે છે
નેશનલ યૂથ ડે પર શરૃ કરી હતી રનિંગ જર્ની
રાષ્ટ્રીય યુવા દિવસે શરુ કરવામાં આવેલ આ જર્નીની શરૃઆત તેમણે રાજસ્થાનથી કરી હતી અને 26મી જાન્યુઆરીનાં રોજ તેઓ આ જર્ની અમદાવાદમાં રનિંગ કરીને પૂર્ણ કરશે. રાજસ્થાનની આ રનિંગ જર્ની તેમણે 15 દિવસમાં પૂરી કરી અને 15 દિવસ દરમિયાન તેમણે 250 ગામ કવર કરીને 2,000 યુવાનો સાથે મુલાકાત કરીને તેમને વ્યસનમુક્તિ સાથે ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. રનિંગ કરીને આ યુવાનો જે-તે ગામમાં જાય છે ત્યાંનાં યુવાનોને નાની ઉંમરમાં કરિયર પર ફોકસ થવા તેમજ વ્યવસન મુક્તિ તેમજ ફિટ રહેવાનાં મેસેજિસ આપે છે.
ગામનાં સરપંચની મંજૂરી મેળવી યુવાનોને એથ્લેટિક્સની ટ્રેનિંગ આપે છે
આગામી દિવસોમાં આ બંને યુવાનો રુપેશ મકવાણા અને લોકેશ ચૌધરી ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં રનિંગ કરશે અને ત્યાનાં ગામડાઓમાં જઈને યુવાનો માટે અવેરનેસ કાર્યક્રમો કરશે. કોઈ પણ રાજ્યમાં જતા પહેલા આ યંગસ્ટર્સ ત્યાંનાં ગામડાઓનાં સરપંચનો સંપર્ક સાધે છે અને તે ગામનાં યુવાનોને એથ્લેટિક્સની ટ્રેનિંગ આપવા માટેની મંજૂરી પણ મેળવે છે. અમદાવાદનાં આ યુવાનોનું લક્ષ્ય 6 મહિનામાં 6,000 કિલોમીટરની દોડ કરવાનો છે અને આ દોડ દરમિયાન તેઓ 2,000થી પણ વધારે ગામડાઓ કવર કરીને ત્યાંનાં યુવાનો માટે અવેરનેસ કાર્યક્રમો કરશે.
વેલેન્ટાઈન ડે પર ગુજરાતનાં શહેરોની જર્ની શરૃ કરશે
આગામી મહિનાની 14મી ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદનાં આ યુવાનો ગુજરાતનાં વિવિધ વિસ્તારો જેવાકે, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, પાટણ, શંખેશ્વર, પાટડી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદથી બગોદરા દોડીને કવર કરશે.
આવુ હોય છે 1,000 કિલોમીટર દોડવા માટેનું રૃટીન
મહિનામાં એક હજાર કિલોમીટર જેટલુ દોડવા માટે આ યુવાનોએ પોતાનું ડેલી રુટીન સેટ કર્યું છે. જેમાં તેઓ સવારે 3.30થી 4 વાગ્યા દરમિયાન મેડિટેશન કરે છે અને બ્લેક કોફી પીને 4 કલાક રનિંગ પ્રેક્ટિસ કરે છે. રનિંગ પ્રેક્ટિસ કર્યાં બાદ તેઓ ચણા, મગ, સિંગ, સોયાબીન જેવા પ્રોટીન્સ લેવાનું પ્રિફર કરે છે. તેનાં એક કલાક બાદ દૂધ પીને સવારની કસરત કરીને તેનાં બે કલાક બાદ રોજિંદા આહારમાં લેવાતુ ભોજન લે છે. ત્યારબાદ બપોરે 4 કલાકે 2 કેળા ખાઈને 5 વાગે રનિંગ પ્રેક્ટિસ કરીને રાતનું જમવાનું પૂરું કરીને 9 વાગે સુઈ જાય છે.
અમદાવાદથી દિલ્હી દોડીને જઈ મળ્યા કેન્દ્રિય મંત્રીને
2019માં આ યુવાનોએ અમદાવાદથી દિલ્હીની સફર દોડીને કવર કરી હતી. 2019માં આ યુવાનોએ 15 દિવસ દોડીને 1,000 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું અને દિલ્હી પહોંચીને તેમણે સેવ યંગસ્ટર્સ સેવ નેશનનો મેસેજ સ્પ્રેડ કર્યો હતો. દિલ્હીની તે દોડમાં આ યુવાનો નેશનલ રેસલર સુશીલકુમાર તેમજ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને પણ મળ્યા હતા જે મુલાકાતની તસવીર મંત્રીએ તેમનાં સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.