બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતમાં હવે સોનાની લગડીથી શરૂ થયો વહીવટ, તો ગાંધીનગરમાં આવ્યું નવું ગણોતિયા કૌભાંડ

સંજય'દ્રષ્ટિ' / સુરતમાં હવે સોનાની લગડીથી શરૂ થયો વહીવટ, તો ગાંધીનગરમાં આવ્યું નવું ગણોતિયા કૌભાંડ

Sanjay Vibhakar

Last Updated: 11:33 AM, 27 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar : કેટલાક મંત્રીઓ કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે, તેનો ખુલાસો ખુદ અધિકારીઓએ મુખ્યમંત્રી સમક્ષ કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીએમે કરાવેલી તપાસમાં આ બાબતો સામે આવી છે. વાંચો વિગતે...

આગામી બુધવારે 29મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠક હાલના મુખ્ય સચિવ રાજકુમાર તેમજ માર્ગ મકાનના સચિવ એ. કે. પટેલ માટે છેલ્લી કેબિનેટ હશે. કેમ કે બન્ને ઉચ્ચ અધિકારીઓ 31મી જાન્યુઆરીએ શુક્રવારે વયનિવૃત્ત થવાના છે. ઉપરાંત મુખ્યસચિવના નામની જાહેરાત પણ કરી દેવાઈ છે. જેથી રાજકુમારને એક્સ્ટેન્શન મળવાની પણ કોઈ શક્યતાઓ નથી. આ જ રીતે માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી પટેલને પણ એક્સ્ટેન્શન લેવાની ઈચ્છા નથી. તેઓને પણ હવે નિવૃત્તિને પરિવાર સાથે માણવી છે. જેથી આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠક બન્ને માટે છેલ્લી બની રહેશે. આ કેબિનેટમાં બન્ને અધિકારીઓને ભાવભીની વિદાય અપાશે એ પણ નક્કી છે.

વય નિવૃત્ત થનારા મુખ્ય સચિવ રાજકુમારને CMOમાં કે.કેની જગ્યા સોંપાય તેવી શક્યતા

31મી જાન્યુઆરીને મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થવાના છે. તેમની જગ્યાએ પંકજ જોશીને નવા સીએસ બનાવવાનું પણ નક્કી થઈ ગયુ છે. જેને લઈને બ્યુરોક્રેટ્સમાં ચર્ચા શરૂ થઈ છે કે, હવે રાજકુમારને દિલ્હી લઈ જવાશે જ્યાં તેમને કોઈ મોટી જવાબદારી સોંપાશે. બીજી બાજુ અન્ય ઉચ્ચ અધિકારીઓ એવી ચર્ચા કરી રહ્યાં છે કે, રાજકુમાર વડાપ્રધાન મોદીની ગુડબુકમાં આવે છે. તેમની ઈમેજ પણ તદન સાફ છે. તેઓ કોઈને ખોટું કરવા દેતા નથી. તમામ કામો ખુબ જ ઝીણવટથી કરે છે. બીજી બાજુ હાલમાં પોર્ટનો હવાલો સંભાળતા અને CMOમાં પણ જવાબદારી નિભાવતા પંકજ જોશી મુખ્ય સચિવ બનશે એટલે CMOમાં પણ એક જગ્યા ખાલી પડશે. ત્યાર બાદ એમ કે દાસ અને અવંતિકા સિંઘ જ રહેશે. આ સ્થિતિમાં રાજકુમારને પણ કોન્ટ્રાક્ટ બેઝ પર CMOમાં ખાસ જવાબદારી સોંપાઈ શકે છે. મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની ભૂમિકા આપી શકાય છે. કેમ કે તેઓએ અગાઉ પણ કેન્દ્ર સરકારમાં લાંબો સમય કામ કરેલું હોવાથી તેમને ત્યાંના અધિકારીઓ સાથે સારા સંબંધો છે. જેથી ગુજરાતના કામોમાં પણ ખૂબ જ સહેલાઈ રહેશે એવું વિચારીને રાજકુમારને CMOમાં ખાસ જવાબદારી સોંપાઈ શકે છે.

CM સમક્ષ અધિકારીઓએ વટાણા વેર્યા!

સરકારમાં કેટલાક મંત્રીઓ નાના મોટા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આવી ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલય સુધી આવી હતી. સચિવાલયમાં ચર્ચા છે કે, આ બાબતને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી હતી. તેમજ આક્ષેપોમાં ખરેખર કોઈ સત્ય છે કે કેમ તે તપાસવાનુ નક્કી કર્યુ હતું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પોતાની રીતે તપાસ પણ કરાવી હતી. એટલું જ નહી, જે મંત્રી સામે આક્ષેપો થયા છે તેમના વિભાગના જ ટોચના તેમજ નાના અધિકારીઓ પાસેથી પણ વિગતો લીધી હતી. જે આક્ષેપો થયા છે તેમાં વાસ્તવમાં કેટલું સત્ય છે તે જાણવા માટે અધિકારીઓને પણ પ્રશ્નો પૂછ્યા હતા. એક તબક્કે અધિકારીઓ ગભરાયા હતા. પણ મુખ્યમંત્રીએ આ વાત ખાનગી રહેશે તેવી બાંહેધરી આપતા જ અધિકારીઓએ વટાણા વેરી દીધા હતા. તેમજ મંત્રીઓ કઈ રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેની વાત કરી હતી. તેમજ અધિકારીઓએ જ મુખ્યમંત્રી સમક્ષ આવા મંત્રીઓની પોલ ખોલી નાખી છે. જેમાં અધિકારીઓએ કહ્યુ કે, ખાસ કરીને બદલીઓના કામમાં તેઓ પોતાના વહીવટદાર મારફતે કામો કરાવે છે. જ્યારે અમુક મંત્રી અધિકારીઓ પાસે પોતાની માનીતી ખાનગી એજન્સીઓને મોકલે છે. તેમજ તેમને કામો અપાવવા માટે દબાણ કરે છે. તો અમુક મંત્રી ટેન્ડરની શરતોમાં બદલાવી કરીને માનીતી એજન્સીને કામ અપાવવા દબાણ કરે છે. મુખ્યમંત્રીએ પણ આ સંદર્ભમાં ભાજપ હાઈકમાન્ડનું ધ્યાન દોરી દીધુ હોવાની ચર્ચા પણ છે.

ગાંધીનગરમાં વર્ષો જૂના ગણોતિયાઓ જોઈએ છે.... તદ્દન નવું જ કૌભાંડ

ગાંધીનગર જીલ્લામાં વર્ષોથી જમીનોના મોટા કૌભાંડો થઈ રહ્યા છે. તત્કાલીન કલેક્ટર લાંગા સામે ખુદ સરકારે જ પોલીસ ફરિયાદ કરીને તેને જેલમાં ધકેલી દીધા હતા. હવે તદન નવા પ્રકારનુ કૌભાંડ થતું હોવાની વાત છે. સચિવાલયમાં થઈ રહેલ ચર્ચા મુજબ, કેટલીક સરકારી અને ખાનગી જમીનોના ગણોતિયાના વિવાદના કેસો ચાલી રહ્યા છે. જેમાં 10 વર્ષ કે તેનાથી વધુના વર્ષોના કેસોનો સમાવેશ થાય છે. આવા વર્ષો જૂના કેસોમાં ગણોતિયાઓનો હક હિસ્સો નીકળી જતો હોય છે. આવા જ ગણોતિયાને હવે શોધી શોધીને જમીનોના કરોડો રુપિયાના મોટા ખેલ પાડવામાં આવી રહ્યા છે. એકવાર હક્ક જતો રહ્યા બાદ ગણોતિયાઓને ફરીથી તે જ જમીનમાં કોઈ હિસ્સો મળી શકતો નથી. આમ છત્તા ચોક્કસ અધિકારીઓની ટોળકીએ આવા વર્ષો જૂના ગણોતિયાઓને શોધીને જમીન તેમના નામે કરાવી, બારોબાર વેચી મારવામાં આવે છે. જેમાં આવા ગણોતીયાઓને નજીવી રકમ જ ચૂકવાય છે. બાકીની જમીનોમાં ભાગબટાઈ કરી દેવામાં આવે છે. આવું કરવાથી સરકારને તેમજ કેટલાક કિસ્સામાં ખાનગી જમીનોના માલિકોને નુકસાન થાય છે. ચર્ચા મુજબ આ બાબતની જાણ થતા જ મહેસૂલ પંચે જીલ્લા કલેક્ટરને તેમજ મહેસૂલ સચિવને તપાસ કરીને પગલાં લેવાની ભલામણ કરી છે. જોઈએ હવે ખરેખર તપાસ થાય છે કે પછી ઘીના ઠામમા ઘી પાડી દેવામાં આવે છે.

પ્રામાણિક અધિકારીઓની એકાએક બદલી કરી દેવાતા અન્ય અધિકારીઓમાં આક્રોશ!

તાજેતરમાં જ ઔડામાં ફરજ બજાવતા બે અધિકારીઓની એકાએક જ બદલી કરી દેવાઈ હતી. સામાન્ય રીતે ભ્રષ્ટાચારની ફરિયાદ કે આક્ષેપો હોય તો તુરંત જ બદલી થતી હોય છે. પરંતુ આ કેસમાં હકીકત તદન જુદી જ છે. ઔડામાં ચર્ચા છે કે જેમની બદલી થઈ તેઓ નખશિખ પ્રામાણિક છે. સૂત્રોનું કહેવું છે કે, તેમની કારકિર્દી દરમિયાન ક્યારે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી કે કોઈ પગલાં પણ લેવાયા નથી. આ બન્ને અધિકારીઓ જમીનોની ફાઈલોને શાંતિથી સ્ટડી કરીને તેમનો નિકાલ કરતા હતા. તેમજ ખોટું થવા દેતા નહોતા. તેમના કારણે અન્ય કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની દુકાનો લગભગ બંધ થઈ ગઈ હતી. ઉપરાંત કેટલાક બિલ્ડરોને પણ ભોગવવાનું આવ્યુ હતું. આખરે બિલ્ડરોના દલાલોને સક્રિય કરાયા હતા. તેમજ ગાંધીનગર સુધી લાગવગના જોરે વાત પહોંચાડાઈ હતી. જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે, આ બન્ને અધિકારીઓ ફાઈલોને પોતાની પાસે જ દબાવી રાખે છે તેનો જલ્દીથી નિકાલ કરતા નથી. આખરે બન્ને અધિકારીઓની ચુપચાપ રીતે બદલી કરી દેવાઈ હતી. જેનો પડઘો અન્ય પ્રામાણિક અધિકારીઓમાં પણ પડ્યો છે.

સુરતમાં અમુક રાજકીય નેતાઓને સોનાની લગડી પહોંચાડવા આવી રહી છે

નવી સરકારમાં દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરત અત્યારે પાવર સેન્ટર બની ગયુ છે. સાથોસાથ સુરતમાં દારુ અને ડ્રગ્સનુ ગેરકાયેદ વેચાણ પણ વધી ગયું છે. ખાસ કરીને રૂરલ સુરતની હાલત ખૂબ જ કફોડી છે. આ સંદર્ભમાં સ્થાનિક કક્ષાએ તેમજ સરકારમાં અનેક ફરિયાદો પણ થઈ છે. પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકતું નથી. સુરતમાં હીરાના મોટા વેપારીઓ પણ છે. ચિક્કાર નાણા છે. સટ્ટાના ગેરકાયદે કામો પણ થાય છે. આ તમામ બાબતોની જાણકારી પોલીસ તંત્રને છે જ. આમ છત્તા કોઈ કાર્યવાહી કરાતી નથી. આવા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓએ સ્થાનિક રાજકીય નેતાઓ સાથે ઘરોબો કેળવી લીધો છે. તેઓ પોતાના મળતિયા મારફતે આવા નેતાઓને નિયમિત રીતે વહીવટ કરી નાખે છે. જાણીને આશ્ચર્ય થશે કે, સુરતમાં હવે બે નંબરનો વહીવટ રોકડમાં નથી થતો પરંતુ સોનાની લગડીઓમાં થાય છે. ભૂતકાળમાં પણ ઈંટોના વહીવટની વાતો જગજાહેર હતી. હવે બિસ્કિટની વાતો શરૂ થઈ છે. આંખ આડા કાન કરવા માટે આવા નેતાઓને બિસ્કિટ પહોંચાડવામાં આવતા હોવાની ચર્ચા છે.

વધુ વાંચો : ગાંધીનગરથી આજે મહાકુંભ માટે બસ રવાના, મુખ્યમંત્રીના હસ્તે બસનું પ્રસ્થાન

ગુજરાત યુનિ.ના કૌભાંડની તપાસ થાય તો અનેક અધિકારીઓને જેલભેગા થવુ પડશે

તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસરે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનું બહાર આવ્યુ હતું. યુનિ.ના બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા કરવાને બદલે પોતાના બેન્ક ખાતામાં આ રકમ જમા કરાવી લીધી હતી. આટલી મોટી રકમો કઈ રીતે ટ્રાન્સફર થઈ તે પ્રશ્ન મોટો છે. કુલપતિ, રજીસ્ટ્રાર કે યુનિ.ના નાણા ખાતાના અધિકારીઓને કેમ કશી ખબર ન પડી કે પછી તે પૈકીમાંથી કોઈ આ અધિકારી સાથે સંકળાયેલુ છે તેની ચર્ચા શરૂ થઈ છે. માત્ર એક સામે જ FIR થઈ છે. જેને લઈને યુનિ.ના અધિકારીઓમાં ગણગણાટ શરૂ થયો છે. તેઓ ચર્ચા કરી રહ્યા છે કે, જો ખરેખર આ કૌભાંડની તલસ્પર્શી તપાસ થાય તો અન્ય કેટલાય અધિકારીઓને જેલ ભેગા થવાનો વારો આવશે. ભાજપના એક નેતાના કોઈ સગાની સંડોવણી હોવાથી બધા સામે પોલીસ ફરિયાદ કરાતી નથી એવી વાતો યુનિ.ના કર્મચારીઓ-અધિકારીઓ કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે, જેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે તે અધિકારીના બેન્ક એકાઉન્ટમાં યુનિ.ના કરોડો રૂપિયા જમા થાય બાદ તેને રોકડમાં ઉપાડીને અન્ય અધિકારીઓમાં પણ તેનો વહીવટ કરાતો હતો. સરકાર હવે સમગ્ર કૌભાંડની તપાસ કરશે કે પછી ફાઈલને માળીયા પર ચઢાવી દેશે તે સમય બતાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet meeting Political News Gandhinagar News
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ