આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી, હવામાન વિભાગે કહ્યું 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.
સુરતમાં મેઘરાજાની આક્રમક બેટિંગ
અનેક સ્થળ જળબંબાકાર થતાં લોકો પરેશાન
રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત
ગુજરાત માટે વરસાદના મામલે જાણે કે ભાદરવો ભરપૂર એ બાબત સાચી પૂરવાર થતી હોય તેમ મેઘરાજાની તોફિની બેટિંગને જોતા લાગે છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ઠેર-ઠેર મેઘમહેર અને ક્યાંક મહેરકહેર થઈ રહી છે. આજે સુરત શહેરમાં સવારથી મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી હતી. વરસાદના રૌદ્ર સ્વરૂપને લીધે ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. અનેક સ્થળ જળબંબાકાર થતાં લોકો બેહાલ થયા હતા. સુરત ઉધનામાં 8 કલાકમાં દે ધનાધન 5 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં હતાં.
વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
સુરતમાં વહેલી સવારથી મેહુલિયો મહેરબાન થયો હતો. ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા હતા. ઉધના-નવસારી રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે. વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં સુરતના ચોર્યાસીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નદી-નાળા છલકાઈ ઊઠ્યા હતા. વરસાદને કારણે સોસાયટીઓમાં પાણી ભરાયાં હતાં. વહેલી સવારે સ્કૂલ અને કોલેજ જતા તેમજ કામકાજ માટે જતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. જેના કારણે વહેલી સવારે જ લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા હતા.
5 દિવસ હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.
મનોરમા મોહંતી (હવામાન વિભાગના ડાયરેક્ટર)
ગુજરામમાંથી ચોમાસુ લેશે વિદાયઃ મનોરમા મોહંતી
તેઓએ જણાવ્યું કે, દેશમાં ચોમાસાના વિદાય થવાની થઈ શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થઈ છે. આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે.
હવામાન નિષ્ણાંતોએ શું કરી છે આગાહી?
તો કેટલાક હવામાન નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરે વધુ મજબૂત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નવરાત્રીના તહેવારોમાં પણ વરસાદ પડશે તેવી આગાહી પણ આ નિષ્ણાંતો દ્વારા કરાઈ છે.
ખેડૂતો બન્યા ચિંતાતુર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતાં ખેતરોમાં ઊભા પાક મુરઝાઈ જવા લાગ્યા હતા અને તેમાં ઈયળ સહિતના કીડા પડવાથી ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા હતા. હવે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડવાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. જોકે, ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે ખેડૂતોને રોવાનો વારો પણ આવ્યો છે.