બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ડૉક્ટરના આપઘાત કેસમાં ખુલાસો, 4 આરોપી 6 મહિના માટે સસ્પેન્ડ, અન્ય 4 ફેકલ્ટીને પણ નોટિસ મળી
Last Updated: 06:18 PM, 10 August 2026
સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના રહસ્યમય આપઘાતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં હર્ષ પંડ્યાને ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
એન્ટી રેગિંગ સ્ક્વોડની તપાસમાં મેન્ટલ હેરેસમેન્ટ, વર્બલ એબ્યુઝ અને લેક ઓફ ડિસેન્સી સહિતના આક્ષેપો સાબિત થયા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર મામલે ચારેય સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે FIR નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT
‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ચાર સિનિયર ડૉક્ટરોમાંથી ત્રણ મહિલા છે. આરોપ છે કે તેઓ હર્ષ પંડ્યાને ગાળો આપી અપમાનિત કરતા અને કલાકો સુધી માનસિક રીતે હેરાન કરતા હતા.તપાસ દરમિયાન એવો પણ આક્ષેપ સામે આવ્યો છે કે સિનિયર ડૉક્ટરો હર્ષને ‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’ કહીને અપમાનિત કરતા હતા. લાંબા સમય સુધી ટોર્ચરિંગ અને સતત માનસિક દબાણના કારણે હર્ષ પર ગંભીર અસર પડી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
ADVERTISEMENT
મૃતકને કહેતા 'અમે તમારા બોસ છીએ અને તમે અમારા નોકર છો' ડૉ.નિરાલી,ડૉ.અનુજ,ડૉ.દીક્ષિતા અને ડૉ.હિના 6 મહિના માટે સસ્પેન્ડ રેગિંગ કરનાર સિનિયર ડૉક્ટર્સ સામે FIR પણ નોંધવામાં આવશે
રાત્રે 8.30થી સવારે 4 વાગ્યા સુધી મેરેથોન બેઠક
ADVERTISEMENT
હર્ષ પંડ્યાના આપઘાત બાદ તેમના પિતાની ફરિયાદના આધારે રેગિંગ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય કમિટી રચવામાં આવી હતી.કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડૉક્ટરો અને તેમના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન અને સફાઈકર્મીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા.રાત્રે 8.30 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે પોતાનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કર્યો હતો.

ADVERTISEMENT
ચાર રેસિડેન્ટ ડૉક્ટરો 6 મહિના માટે સસ્પેન્ડ
કમિટીના અહેવાલના આધારે ચાર રેસિડેન્ટ ડૉક્ટરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ડૉ. નિરાલી વસાવે
ડૉ. અનુજ મહેશ્વરી
ડૉ. દીક્ષિતા ઘેવરિયા
ડૉ. હિના ભુત
ચારેયને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન હોસ્પિટલ, હોસ્ટેલ તથા તમામ શૈક્ષણિક અને ટીચિંગ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો આદેશ કરાયો છે.

HOD સહિત ચાર ફેકલ્ટીને શો-કોઝ નોટિસ
રેગિંગના આ કેસમાં માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને પણ શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
નોટિસ મેળવનાર ફેકલ્ટીમાં:
ડૉ. સુમૈયા મુલ્લા
ડૉ. સંગીતા રાજદે
ડૉ. યોગિતા મિસ્ત્રી
ડૉ. લતિકા પુરોહિત
એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હોવાનું તંત્ર તરફથી જણાવાયું છે. સમગ્ર મામલે રાજ્ય સરકારને પણ સત્તાવાર અહેવાલ મોકલવામાં આવ્યો છે.

‘સિનિયરોના રેગિંગની ફરિયાદ છતાં HODએ ધ્યાન ન આપ્યું’
તપાસ દરમિયાન એવો પણ આક્ષેપ સામે આવ્યો છે કે કેટલાક વિદ્યાર્થીઓએ અગાઉ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ, ટોર્ચરિંગ અને હેરાનગતિ અંગે HOD સમક્ષ રજૂઆત કરી હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સિનિયર વિદ્યાર્થીઓ અડધો કલાક કે તેથી વધુ સમય સુધી તેમને ટોર્ચર કરતા અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા હતા. તેમ છતાં ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે હવે જવાબદાર લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સાથે જ ભવિષ્યમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં રેગિંગની ઘટનાઓ ન બને તે માટે કડક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પણ વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ RTOએ 250 લોકોના લાયસન્સ રદ કર્યાં, આ એક ભૂલ કરશો તો તરત સસ્પેન્ડ થશે તમારું લાયસન્સ
આરોગ્યમંત્રીએ આપી કડક ચેતવણી
હર્ષ પંડ્યા કેસમાં રેગિંગનો ખુલાસો થયા બાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેગિંગ કરનારા તબીબોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.તેમણે કહ્યું કે, “જો તમે આવું કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો. તમારા સર્ટિફિકેટમાં આની નોંધ થશે તો લોકો તમને ધિક્કારશે.” હવે હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રેગિંગની ભૂમિકા અંગે પોલીસ તપાસ આગળ વધશે અને ચારેય સસ્પેન્ડ કરાયેલા રેસિડેન્ટ ડૉક્ટરો સામે FIR સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.