બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Summer precautions started by government and gandhinagar updates
Last Updated: 11:27 AM, 8 April 2024
ADVERTISEMENT
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હજુ આગામી ત્રણ મહિના ભારે ગરમી રહેવાની છે. આવા સમયમાં પાણીની વધુ જરુરીયાત રહે છે. ખાસ કરીને દૂરના છેવાડાના વિસ્તારો,ગામડાઓમાં તેમજ અનેક શહેરોમાં પાણીની સમસ્યા થતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની વહીવટી તંત્રએ અત્યારથી જ કમર કસી છે. દર બુધવારે મળતી સેક્રેટરીઓની મીટીંગમાં મુખ્ય સચિવ રાજકુમારે પણ આ સંદર્ભમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ પાણી પુરવઠા બોર્ડના આઈએએસ અધિકારી શાહમીના હુસૈન પાસેથી માહિતી મેળવી હતી. ત્યાર બાદ સૂચના આપી હતી કે, આકરો ઉનાળો શરૂ થાય ત્યાર પહેલા જ નળ સે જળ યોજના હેઠળ આવતા ગામડાઓમાં તપાસ કરી લેવી. જ્યાં નળ બગડેલા હોય, તૂટી ગયા હોય તો તેને બદલી દેવા અથવા રીપેરીંગ કરાવી દેવુ. એટલુ જ નહી, જ્યાં નળ સે જળ યોજના અમલી ન બની શકી હોય તેવા તેમજ પાણીની સમસ્યાવાળા વિસ્તારોમાં પાણી પહોંચાવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દેવી. જેમાં ટેન્કરથી પાણી પહોંચાડવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. અમદાવાદની આસપાસના કેટલાયે ગામડાઓ તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં કઈ રીતે ટેન્કરથી પીવાનુ પાણી પહોંચાડવુ તેનુ આયોજન ઘડાઈ રહ્યુ છે. સચિવાલયમાં બાબુઓ કબુલી રહ્યા છે કે, આપણી પાસે પાણીનો એક જ મોટ સ્ત્રોત નર્મદા ડેમ છે. પરંતુ કેવડીયાથી કચ્છ સુધીના દૂરના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં કઈ રીતે બચત થઈ શકે તેના વિકલ્પો પણ વિચારાઈ રહ્યા છે.
ADVERTISEMENT
અત્યારે લોકસભાની ચૂંટણીની સમગ્ર દેશભરમાં આચારસંહિતા લાગુ છે. જેને લઈને કોઈ નીતિ વિષયક નિર્ણય કરી શકાય નહી. એટલુ જ નહી, કોઈ નવા ટેન્ડર જારી કરી શકાય નહી, બદલી ન થઈ શકે. કેટલીયે બાબતોમાં ચૂંટણી પંચને મંજૂરી માટે ફાઈલો મોકલવી પડે છે. દર બુધવારે સચિવાલયમાં મળતી કેબિનેટની મંત્રીમંડળની બેઠક પણ આચારસંહિતાને કારણે બંધ છે. જેથી ટોચના અધિકારીઓને પણ સીધી કોઈ જ સૂચના આપી શકાતી નથી. ગુજરાતમાં 7મી મેના દિવસે ચૂંટણી-મતદાન છે.ગુજરાતમાં માત્ર એક જ તબક્કામાં તમામ 26 બેઠકોનુ મતદાન થવાનુ છે. ત્યાર બાદ પણ દેશના બીજા રાજ્યોમાં લોકસભાની બાકી રહેનારી બેઠકો માટે મતદાન ચાલુ રહેશે. 1લી જૂને 7મા અને અંતિમ તબક્કાનુ મતદાન અને 4થી જૂને મત ગણતરી છે. સચિવાલયમાં ફરજ બજાવતા બાબુઓ જણાવે છે કે, ગુજરાતની લોકસભાની 26 બેઠકોનુ મતદાન પૂર્ણ થયા બાદ આચારસંહિતામાં આંશિક રીતે રાહત મળશે. એટલે કે બંધ થયેલી કેબિનેટની બેઠક દર બુધવારે મળી શકશે. તેમજ નવા કામો પણ થઈ શકશે. મોટાભાગે સરકાર દ્રારા આંશિક આચારસંહિતામાં કોઈ મોટા નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોતા નથી. પરંતુ હાલમાં શિથિલ બનેલુ તંત્ર 8મી જૂનથી વાઈબ્રન્ટ મોડમાં આવી જશે.
ADVERTISEMENT
ગુજરાતના ચાર સિનિયર IAS અધિકારી ત્રણ અઠવાડીયા માટે મૈસુરની સફરે ઉપડી ગયા છે. આ ચારેય અધિકારીઓને આઈએએસ કેડરમાં ફરજ બજાવ્યાને 25 વર્ષ પૂર્ણ થયા છે. નિયમો મુજબ હવે આ અધિકારીઓની મૈસુરીમાં આ છેલ્લી ટ્રેનિંગ રહેશે. આ ચારેય અધિકારીઓ પ્રિન્સિપલ સેક્રેટરીઓ છે. રવિવારે તેઓ મૈસુર જવા ઉપડી ગયા છે.જ્યાં તેઓ ત્રણ અઠવાડીયા જેટલો સમય રહેશે અને 27મીએ પરત આવી જશે તેમજ 29મી એપ્રિલથી પુનઃ ફરજ પર હાજર થઈ જશે.અત્રે નોંધનીય છે કે, આઈએએસ કેડરમાં જોઈન્ટ થયા બાદ સમયાંતરે તમામ આઈએએસ અધિકારીઓએ મૈસુર જઈને તાલીમ લેવી પડે છે. આ સંદર્ભમાં બાબુઓ હળવાશભર્યા મૂડમાં કહે છે કે, કેરિયરની શરૂઆતમાં આવી તાલીમ ખુબ જ જરૂરી હોય છે. પરંતુ કેડરમાં 25 વર્ષનો અનુભવ લીધા બાદ અમારે ખરેખર કોઈ જ તાલીમની જરૂરત રહેતી નથી. પરંતુ સરકારી નિયમો હોવાથી અમે ફોર્માલીટી પૂરી કરવા માટે તાલીમ લેવા જઈએ છીએ. તાલીમના બ્હાને અમે થોડો બ્રેક મળી રહે છે અને મૈસૂરીનો માહોલ એટલો સરસ હોય છે કે, અઠવાડીયુ ત્યાં રહીએ એટલે આખા વર્ષની તાજગી મળી જાય છે.
ADVERTISEMENT
સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપે શોભનાબેન કાનજીભાઈ મકવાણાને ટિકિટ આપી છે. તેઓ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની બાલીસણા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જો રાજકીય પાર્ટીમાં જોડાવવુ હોય અને ચૂંટણી લડવી હોય તો શિક્ષિકા તરીકે રાજીનામુ આપવું પડે. ઉચ્ચ શિક્ષણમાં હોય તો ચૂંટણી લડી શકે અને જનપ્રતિનિધિ બની શકે પણ શોભનાબેન પ્રાથમિક શિક્ષિકા હતા એટલે રાજીનામુ આપવું પડવું પડ્યું. સરકારી નોકરી કરતા તમામ લોકોને રાજીનામુ આપવું પડે છે. એટલે ટિકિટ મળ્યા બાદ ભાજપના ઉમેદવાર શોભનાબેને 23મી માર્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે રાજીનામુ આપ્યુ હતુ. સામાન્ય રીતે કોઈપણ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ માગે ત્યારે અઢીથી ત્રણ મહિના જેટલો સમય થતો હોય છે. પરંતુ શોભનાબેનના કિસ્સામાં આ તમામ પ્રક્રિયાને માત્ર ત્રણ દિવસમાં જ પૂરી કરી લેવાઈ હતી. જેને લઈને શિક્ષકો મજાક કરી રહ્યા છે કે, સરકારી તંત્ર સામાન્ય શિક્ષકો અને કર્મચારીઓના કામમા પણ આટલી ઝડપ લાવતા હોય તો કેટલા બધા પ્રશ્નો હલ થઈ જાય. આ અગાઉ સ્વૈચ્છિક રાજીનામુ માત્ર ગણતરીના દિવસોમાં જ મંજૂર થયુ હોય તેવી કોઈને ખબર નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.