મહેસાણામાં મરચું બનાવતી ફેક્ટરી પર દરોડો પાડીને નકલી મરચાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહિ કરવામાં આવશે.
મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
"ભેળસેળ કરનારાઓને છોડવામાં નહીં આવે"
"કડક કાર્યવાહી માટે સૂચન આપ્યા છે"
મહેસાણામાં મરચાના એકમો ઉપર દરોડા પાડવા મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ હશે તેની વિરૂદ્ધ પુરતી તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ખાદ્ય પાન અને દવાઓમાં જે પણ ભેળસેળ અથવા તો કન્ટેન્ટની અંદર પણ ક્યાંય પણ નાની મોટી તકલીફો ઉભા કરતા હોય છે એવા કોઈ પણને નહી છોડવામાં આવે. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આવા એકમો ઉપર પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
VTV NEWS દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું
વર્તમાન સમયમાં મરચું અને ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાંથી નકલી લાલ મરચાનો જથ્થો ઝડપાયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણામાંથી નકલી મરચાનો જથ્થો ઝડપાયા બાદ અલગ અલગ જગ્યાએ વિટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. નકલી મરચાની ઓળખ કરવા VTV NEWS દ્વારા રાજકોટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. પાણીમાં મરચું નાખવાથી મરચાની ઓળખ થઈ શકે છે. સામાન્ય લોકો પણ ઘરે બેસીને મરચાની ઓળખ કરી શકે છે. ઓરિજનલ મરચું પાણીમાં ડૂબે છે, નકલી મરચું પાણીમાં ડૂબતું નથી.
ગુજરાત લેબમાં મરચાની ઓળખ
અમદાવાદમાં પણ અસલી-નકલી મરચાની લેબમાં પરખ કરવામાં આવી છે. ગુજરાત લેબના એક્સપર્ટે જણાવ્યું કે, ગ્રાહકોએ મસાલા ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખવું જોઈએ. વધુ પડતું લાલ મરચું ભેળસેળિયું હોય શકે છે. સસ્તા મરચામાં પણ ભેળસેળ હોય છે. ગ્રાહકોએ હંમેશા પોપ્યુટેડ બ્રાન્ડના મસાલા લેવા જોઈએ. ઘરે આખા મસાલા દળવા જોઈએ જેથી ભેળસેળ વાળા મસાલા ન ખાઈ શકીએ. આ ઉપરાંત પેકિંગ કરેલા મસાલા લેવા જોઈએ. નકલી મસાલાના વધુ પડતા સેવનથી કેન્સર થવાની શક્યતા છે.
10 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ
જે બાદ મહેસાણા ફૂડ વિભાગના અધિકારી વી.જે ચૌધરીએ જણાવ્યું હતું કે, વિજાપુરમાં આરોપી માલ બહાર વેચે તે પહેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. હલકી ગુણવત્તાવાળા મરચામાં કલર ઉમેરીને તેને કાશ્મીરી મરચા જેવો કલર આપીને ઊંચી રકમ વસુલવામાં આવે છે. હાલ પાંચ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 10 લાખનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, મરચાનું બે પ્રકારે ઘરે જ પરીક્ષણ થઈ શકે છે. મરચાનું કેમિકલ બેઝ અને ફીઝીકલ બેઝ પરીક્ષણ થઈ શકે છે. પાણીની મરચું નાખવાથી કોઈ ભેળસેળ હશે તો ખબર પડી જશે.