Cyclone Biparjoy News: Cyclone Biparjoy ના કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ, દરિયાકિનારાના વિસ્તારોમાં 144 લાગુ
રાજ્ય પર બિપરજોયનું સંકટ
દરિયાકિનારાના વિસ્તારોમાં 144 લાગુ
રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ
ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. તંત્ર દ્વારા Cyclone Biparjoy ની અસરને પગલે હવે દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, Cyclone Biparjoy ને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
અરબી સમુદ્રમાં Cyclone Biparjoy ને લઈ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. નવસારીના દરિયાકાંઠાના ગામોના બીચ પર સહેલાણીઓને પ્રવેશબંધી કરાઇ છે. આ સાથે દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપી છે. આ સાથે નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ તરફ અમરેલીના દરિયાકાંઠાના બીચ પર ફરવા પ્રવેશબંધી કરાઇ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2023
રાજ્યની અનેક શાળાઓમાં રજા જાહેર કરાઇ
Cyclone Biparjoy ની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે, મોરબી જિલ્લામાં 2 દિવસ શાળાઓ બંધ રહેશે, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન રજા રહેશે, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે અને ગીરસોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે.
બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે.
ભારે પવનની પણ કરાઇ આગાહી
આ તરફ બીપોરજોય વાવાઝોડાને લઈ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવનની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે. બીપરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.
24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જ્યારે કેશોદમાં 5.5 ઈંચ, સૂત્રાપાડામાં સવા 5 ઈંચ, માળિયા હાટીનામાં 5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, વંથલીમાં સવા 3 ઈંચ, ઉપલેટામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ, તલાલામાં પોણા 2 ઈંચ, જૂનાગઢમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી
તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 15 જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂને રાજકોટ, પોરબંદર, મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદ ખાબકી શકે છે.