બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / શિવાજી મહારાજ વિશે ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન, રિતેશ દેશમુખે બાબાને બરાબરના ખખડાવ્યા
Last Updated: 10:38 PM, 26 April 2026
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધથી થાકી ગયા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપતા અભિનેતા રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી છે. રિતેશે મહારાજની વિરાસતને ઓછી આંકવાના પ્રયાસને અસહ્ય ગણાવ્યો છે. ભારે વિરોધ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે અને જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માંગે છે. રિતેશ દેશમુખ હાલમાં મહારાજ પર બાયોપિક બનાવી રહ્યા છે જે 1 May ના રોજ રિલીઝ થવાની છે.
ADVERTISEMENT

સમગ્ર વિવાદની શરૂઆત નાગપુરના એક કાર્યક્રમથી થઈ હતી, જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજ સતત યુદ્ધો લડીને માનસિક રીતે થાકી ગયા હતા. બાબાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, "એક દિવસ મહારાજ તેમના ગુરુ સમર્થ રામદાસ સ્વામી પાસે ગયા, પોતાનો મુગટ તેમના ચરણોમાં મૂક્યો અને કહ્યું કે હવે હું વધુ લડવા માંગતો નથી, હું ખૂબ થાકી ગયો છું. હવે તમે જ આ રાજ્ય સંભાળો. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ઈતિહાસકારો અને શિવાજી મહારાજના અનુયાયીઓએ તેને ઈતિહાસ સાથેની છેડછાડ ગણાવી હતી, કારણ કે મહારાજે ક્યારેય હાર સ્વીકારી નહોતી કે તેઓ ક્યારેય થાક્યા નહોતા.
ADVERTISEMENT

પોતાને મહારાજના પરમ ભક્ત માનતા રિતેશ દેશમુખે આ ટિપ્પણીથી આહત થઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મરાઠીમાં એક અત્યંત પ્રભાવશાળી પોસ્ટ કરી હતી. રિતેશે લખ્યું કે, જ્યારે કોઈ આપણા આરાધ્ય દેવ વિશે આવી મનઘડંત અને અપમાનજનક વાતો કરે છે, ત્યારે એક શિવ-ભક્ત તરીકે લોહી ઉકળવું સ્વાભાવિક છે. શિવાજી મહારાજની વિરાસતને મર્યાદિત કરવાનો કે તેને ઓછી દેખાડવાનો પ્રયાસ સમય જતાં મટી જશે, પરંતુ જે રીતે સહ્યાદ્રીની પર્વતમાળાઓ અડીખમ છે, તેમ મહારાજનું નામ પણ કરોડો વર્ષો સુધી અમર રહેશે." રિતેશે 'પ્રતાપ પુરંદર', 'ક્ષત્રિય કુલ-ભૂષણ' અને 'સિંહાસનધીશ્વર' જેવા બિરૂદ સાથે મહારાજને વંદન કર્યા હતા.
ADVERTISEMENT
વિવાદ વધતા અને મહારાષ્ટ્રના વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી મળ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ નરમ વલણ અપનાવ્યું હતું. તેમણે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. શાસ્ત્રીએ કહ્યું, આજે ભારતમાં જે પણ સનાતની જીવંત છે, તેનું સૌથી મોટું શ્રેય છત્રપતિ શિવાજી મહારાજને જાય છે. અમે પણ તેમનામાં અતૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ. જો આપણે અંદરોઅંદર લડીશું તો બીજા લોકોને મોકો મળશે. તેમ છતાં જો કોઈને મારા શબ્દોથી ઠેસ પહોંચી હોય તો હું દિલથી ક્ષમા માંગુ છું.
ADVERTISEMENT
રિતેશ દેશમુખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેઓ હાલમાં તેમની ઐતિહાસિક ફિલ્મ 'રાજા શિવાજી' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રિતેશ પોતે શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ 1 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જે મહારાજના પ્રારંભિક જીવન અને 'સ્વરાજ્ય' ની સ્થાપના માટેના સંઘર્ષને દર્શાવશે. રિતેશની આ આકરી પ્રતિક્રિયાએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર પડદા પર જ નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ મહારાજના આદર્શો અને સન્માન માટે હંમેશા અવાજ ઉઠાવવા તૈયાર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.