બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કરોડો રૂપિયાનો ટોલટેક્સ વસુલ્યો, પણ રોડનું સમારકામ કરવાનું તંત્ર ભૂલી ગયું, VTVના રિયાલિટી ચેકમાં ખુલાસો
Last Updated: 04:03 PM, 30 July 2026
ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં જ ફરી એકવાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે. એક તરફ NHAIએ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ટોલપ્લાઝાઓ પરથી રૂ. 24,814 કરોડનો ટોલટેક્સ વસૂલ્યો છે, તો બીજી તરફ વરસાદ પડતાં જ હાઇવે પર ખાડા, અધૂરા સમારકામ અને ટ્રાફિકની સમસ્યાઓ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની છે. રાજ્યમાં પાંચ વર્ષ દરમિયાન ટોલપ્લાઝાની સંખ્યા પણ 38થી વધીને 66 થઈ ગઈ છે, છતાં મુસાફરોને મળતી સુવિધાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
VTVની ટીમે વલસાડ જિલ્લામાંથી પસાર થતા દેશના સૌથી વ્યસ્ત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (NH-48) પર ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું હતું. અહીં અનેક સ્થળોએ રસ્તા પરનો ડામર ઉખડી ગયો છે અને મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. વરસાદી પાણી ભરાઈ જતાં આ ખાડાઓ દેખાતા પણ નથી, જેના કારણે ખાસ કરીને બાઇકચાલકો અને નાના વાહનો માટે અકસ્માતનો ભય અનેકગણો વધી જાય છે.
માત્ર એકાદ સ્થળે નહીં, પરંતુ હાઇવેના અનેક ભાગોમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત ભારે ટ્રાફિક વચ્ચે વાહનચાલકોને બ્રેક મારવી પડે છે, લેન બદલવી પડે છે અને ઘણી વખત વાહનોને નુકસાન પણ વેઠવું પડે છે. લાખો વાહનો માટે લાઇફલાઇન ગણાતા આ હાઇવે પર હાલ સુરક્ષિત મુસાફરી કરતાં અકસ્માત ટાળવો વધુ મુશ્કેલ બન્યો છે.
ADVERTISEMENT
આંકડાઓ પર નજર કરીએ તો NHAIની ટોલ આવક દર વર્ષે સતત વધી રહી છે. વર્ષ 2021-22માં રૂ. 3,642 કરોડ, 2022-23માં રૂ. 4,518 કરોડ, 2023-24માં રૂ. 4,851 કરોડ, 2024-25માં રૂ. 5,450 કરોડ અને 2025-26માં રૂ. 6,352 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એટલે કે માત્ર પાંચ વર્ષમાં કુલ રૂ. 24,814 કરોડનો ટોલ ઉઘરાવવામાં આવ્યો છે. પરંતુ આ કરોડોની આવક છતાં રસ્તાની ગુણવત્તા અંગે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
વાહનચાલક આશુતોષ પાંડેએ જણાવ્યું કે,
ADVERTISEMENT
"દરેક જગ્યાએ ટ્રાફિક અને ખાડા છે. ગાડીની હાલત ખરાબ થઈ જાય છે. મજબૂરીમાં ટોલ ચૂકવવો પડે છે, પરંતુ રસ્તાની સ્થિતિ એવી છે કે સરકારે પહેલા રસ્તા સુધારવા જોઈએ. જનતા પરેશાન છે, પણ કોઈ સાંભળતું નથી."
આ પણ વાંચો- રાજકોટમાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ધાડ! 2 લૂંટારુઓ ₹19 લાખ લઈને ફરાર, પોલીસ દોડતી થઈ
ADVERTISEMENT
ચિરાગ પટેલે જણાવ્યું કે,
"અમે ટોલ તો ચૂકવીએ જ છીએ, તો હાઇવેનું મેન્ટેનન્સ પણ સમયસર થવું જોઈએ. દર બે-ત્રણ દિવસે વાહનને નુકસાન થાય છે, ટાયર પંચર થાય છે અને જાળવણીનો ખર્ચ વધી જાય છે."
ADVERTISEMENT
કારચાલક મનોજ દેસલેના જણાવ્યા મુજબ,
"ખાડાના કારણે મારી કારનો અકસ્માત થયો હતો અને ગાડી ટોટલ લોસ થઈ ગઈ. ઘણા મુસાફરો આવા ખાડાઓને કારણે ફ્લાઇટ પણ ચૂકી જાય છે."
ADVERTISEMENT
VTVના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન સ્પષ્ટ જોવા મળ્યું કે અનેક જગ્યાએ ભયાનક ખાડાઓ છે. પરિણામે વાહનચાલકોને છેલ્લી ક્ષણે બ્રેક મારવી પડે છે અથવા અકસ્માતનો ભોગ બનવું પડે છે. દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ જોવા મળતો નથી.
હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવે છે, ત્યારે રસ્તાની જાળવણી માટે જવાબદાર તંત્ર સમયસર કામગીરી કેમ કરતું નથી? ટોલ વસૂલવામાં કોઈ બાંધછોડ નથી, પરંતુ મુસાફરોને સુરક્ષિત અને ખાડામુક્ત હાઇવે આપવાની જવાબદારી કોણ નિભાવશે? હવે વાહનચાલકોની નજર NHAI પર છે કે કરોડોની આવક પછી પણ ખાડાઓનું આ સામ્રાજ્ય ક્યારે ખતમ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.