ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડુંગળી રૂ.70 અને લસણ રૂ.350એ પહોંચ્યું, દિવાળી સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા
Last Updated: 02:13 PM, 30 September 2026
ADVERTISEMENT
ડુંગળીના ભાવમાં છેલ્લા એક મહિનામાં જ મોટો ઉછાળો આવતાં સામાન્ય પરિવારોના ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે. છૂટક બજારમાં ડુંગળીના ભાવ વધીને પ્રતિકિલો રૂ. ૬૫થી ૭૦ સુધી પહોંચી ગયા છે, જે ઓગસ્ટમાં પ્રવર્તતા ભાવ કરતાં લગભગ બમણા છે, બીજી તરફ લસણના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. છૂટક બજારમાં લસણના ભાવ પ્રતિકિલો રૂ. ૩૫૦ની આસપાસ પહોંચ્યા છે. વેપારીઓના મતે આગામી પખવાડિયામાં લસણના ભાવ પ્રતિકિલો રૂ. ૬૦૦ સુધી પહોંચી શકે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ડુંગળી ઉગાડતા અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડતાં નવા પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર અસર પડી છે, પરિણામે બજારમાં ડુંગળીની આવક ઘટી છે અને હાલ વેપારીઓ પાસે સંગ્રહિત જૂના જથ્થા પર બજારનો મોટો આધાર છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વાસણાના ડુંગળી અને બટાકાના વેપારી શંકરભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા લગભગ એક મહિનાથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. ૫૦ સુધી પહોંચ્યા છે, જ્યારે છૂટક બજારમાં ગ્રાહકોએ પ્રતિકિલો રૂ. ૬૦થી ૭૦ ચૂકવવા પડી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ ડુંગળીના પાકના સામાન્ય સંગ્રહચક્રની અવધિ આશરે ૧૨ મહિનાની હોય છે. આ વ્યવસ્થાના કારણે બજારમાં અછત ઊભી થતી અટકે છે, જોકે આ વર્ષે ઉનાળામાં થયેલા કમોસમી વરસાદના કારણે સંગ્રહિત ડુંગળીનો નોંધપાત્ર જથ્થો બગડી ગયો હતો, પરિણામે અસરગ્રસ્ત જથ્થાનો મોટો હિસ્સો પ્રતિકિલો રૂ. ૧૫થી ૨૦ના ભાવે વેચી દેવો પડ્યો હતો. જથ્થાબંધ વેપારી ભેરુલાલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ડુંગળીની સૌથી વધુ આવક નાશિકથી થાય છે. આ ઉપરાંત બેંગલુરુ અને સૌરાષ્ટ્રમાંથી પણ ડુંગળીનો જથ્થો આવે છે.
ADVERTISEMENT
વેપારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસોમાં અમદાવાદમાં દરરોજ ડુંગળીની ૪૦થી ૫૦ ટ્રક આવતી હોય છે. એક ટ્રકમાં આશરે ૧૦ ટન એટલે કે ૧૦,૦૦૦ કિલો ડુંગળી હોય છે, જોકે હાલ ડુંગળીની આવક ઘટીને દરરોજ માત્ર ૨૦થી ૨૫ ટ્રક થઈ ગઈ છે. આવકમાં થયેલા આ ઘટાડાની સીધી અસર બજારભાવ પર પડી રહી છે. અમદાવાદ એપીએમસીમાં હાલ ૧૦૦ કિલો ડુંગળીના ભાવ રૂ. ૪,૫૦૦થી ૫,૦૦૦ છે એટલે કે જથ્થાબંધ બજારમાં એક કિલો ડુંગળીનો ભાવ રૂ. ૪૫થી ૫૦ આસપાસ છે.

ADVERTISEMENT
ડુંગળીના વધતા ભાવની અસર હવે સામાન્ય પરિવારોના રસોડા સુધી પહોંચી છે. ગૃહિણી કલ્પનાબહેન પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૦ દિવસથી તેમણે ડુંગળીની ખરીદી ઘટાડી છે. અગાઉ અમે એક કિલો ડુંગળી ખરીદતાં હતાં. હવે માત્ર ૫૦૦ ગ્રામ જ ખરીદીએ છીએ. રસોઈમાં પણ જરૂર કરતાં વધારે ડુંગળી વાપરવાનું ટાળીએ છીએ. જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવના કારણે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય રીતે બજારમાં સંગ્રહિત ડુંગળીનો જથ્થો વધુ વપરાય છે, કારણ કે આ સમયગાળામાં નવી ડુંગળીની આવક સામાન્ય રીતે ઉપલબ્ધ હોતી નથી, જોકે આ વર્ષે આખા વર્ષ દરમિયાન સારી સ્થિતિમાં રહી શકે એવો ડુંગળીનો સંગ્રહિત જથ્થો ઓછો રહ્યો છે, જ્યારે બગાડનું પ્રમાણ વધારે હતું.
ADVERTISEMENT
વેપારીઓના જણાવ્યા અનુસાર બજારમાં ડુંગળીની આવકના પ્રમાણના આધારે ભાવમાં પ્રતિકિલો આશરે રૂ. ૫ાંચનો ઘટાડો અથવા વધારો થઈ શકે છે, જોકે નજીકના ભવિષ્યમાં ભાવમાં સતત અને નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે. દિવાળી પછી નવી ડુંગળીની આવક શરૂ થશે ત્યારે જ ભાવમાં રાહત મળવાની આશા છે. ત્યાં સુધી ગ્રાહકોએ ઊંચા ભાવનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.