ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:10 AM, 30 October 2026
ADVERTISEMENT
Mumbai Viral Gujarati Case : મુંબઈ નજીક વિરારના ગ્લોબલ સિટી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારનાં ત્રણ ગુજરાતી ભાઈ-બહેનના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય ભાઈ-બહેન બીમારી અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં. પોલીસને તેમના મૃત્યુ પહેલાંનો એક વીડિયો પણ મળ્યો છે, જેમાં તેમણે ગુજરાતીમાં પોતાની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ 50 વર્ષીય કુમાર મહેતા, 52 વર્ષીય દીપેશ મહેતા અને 48 વર્ષીય ખેવના મહેતા તરીકે થઈ છે. ત્રણેય મૂળ ગુજરાતના રાજુલા તાલુકાના જાફરાબાદના વતની હતાં અને વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી સ્થિત ગાર્ડન એવન્યુ બિલ્ડિંગના ડી વિંગમાં આવેલા ફ્લેટ નંબર 1203માં રહેતાં હતાં. તેઓ વર્ષ 2025થી આ મકાનમાં ભાડે રહેતાં હતાં.
ADVERTISEMENT
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ગુરુવારે સવારે ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી હતી. આસપાસના રહેવાસીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં બોલિંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે બપોરે આશરે 2:30 વાગ્યે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ઘરની અંદર ત્રણેય ભાઈ-બહેનના મૃતદેહ મળી આવ્યા હતા, જેની હાલત કોહવાઈ ગયેલી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેયમાંથી એક વ્યક્તિને સ્ટ્રોક આવ્યો હોવાનું અને અન્ય એક વ્યક્તિ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પરિવાર આર્થિક મુશ્કેલીઓમાંથી પણ પસાર થઈ રહ્યો હતો. ત્રણેયે જીવન ટૂંકાવતાં પહેલાં ગુજરાતીમાં વીડિયો બનાવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. આ વીડિયોમાં બીમારી અને આર્થિક સંકડામણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
બોલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ કાવલેના જણાવ્યા અનુસાર, ત્રણેયે આશરે ત્રણથી ચાર દિવસ પહેલાં ઝેરી પદાર્થ પીધો હોવાની આશંકા છે. પોલીસે મૃતકોની અન્ય એક બહેનનો પણ સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ત્રણેય ભાઈ-બહેન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં અને તેમણે તેની પાસે પણ નાણાકીય મદદ માગી હતી. હાલમાં પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર ઘટનાની વિવિધ પાસાંઓથી તપાસ શરૂ કરી છે. ત્રણ ગુજરાતી ભાઈ-બહેનનાં એકસાથે થયેલાં આ રહસ્યમય મોતથી તેમના વતન સહિત પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો