ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી બે દિવસ PM મોદી ગુજરાતને આંગણે, ₹750 કરોડની આંગણવાડીઓની ભેટ આપશે
Last Updated: 07:58 AM, 30 October 2026
ADVERTISEMENT
PM Modi In Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર, બનાસકાંઠા અને એકતાનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન બપોરે ગાંધીનગર પહોંચશે અને લોકભવન ખાતે રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજ્યના નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે. ત્યારબાદ તેઓ બનાસકાંઠાના ભીલડી ખાતે આયોજિત રાષ્ટ્રીય 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ખેડૂતોને આર્થિક સહાયની ભેટ આપવા ઉપરાંત બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
ADVERTISEMENT
ભીલડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે તેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવશે. આ હપ્તા હેઠળ દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ ₹18,680 કરોડથી વધુની આર્થિક સહાય મળશે.
ADVERTISEMENT
ગુજરાતના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે. રાજ્યના 52.32 લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં ₹1,051 કરોડથી વધુની સહાય જમા થશે. આ કાર્યક્રમનું રાજ્યવ્યાપી જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાતના 34 જિલ્લા અને 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વડાપ્રધાનની સાથે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં આશરે ₹750 કરોડના ખર્ચે તૈયાર થનારી આંગણવાડીઓના ખાતમુહૂર્ત અને આધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં 4,000થી વધુ નવી આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે 300થી વધુ આધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ થશે. આ નવા ચાઇલ્ડ-ફ્રેન્ડલી કેન્દ્રોથી ત્રણ લાખ બાળકો સહિત આશરે ચાર લાખ લાભાર્થીઓને સીધો લાભ મળશે. આધુનિક આંગણવાડીઓમાં બાળકો માટે સ્માર્ટ ટીવી, શુદ્ધ પીવાનું પાણી, પોષણ વાટિકા અને બાળમૈત્રીપૂર્ણ ફર્નિચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હાલમાં ગુજરાતની 53 હજારથી વધુ આંગણવાડીઓ દ્વારા 51 લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આંગણવાડીની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે કાર્યકરોને ફાઇવજી સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા છે, જેના માધ્યમથી ડિજિટલ મોનિટરિંગ અને પોષણ યોજનાઓનો અમલ વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીલડી ખાતેથી બનાસ ડેરીના વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. કુલ ₹407.56 કરોડના ખર્ચે નિર્મિત ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ભીલડી ખાતે ₹324.77 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું બોવાઇન બ્રીડિંગ રિસર્ચ સેન્ટર પશુપાલકોને અર્પણ કરવામાં આવશે. આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારણા અને પશુપાલન ક્ષેત્રે સંશોધન માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત સણાદર ખાતે ₹51.65 કરોડના ખર્ચે નિર્મિત ફ્રેન્ચ ફ્રાઈસ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે પાલનપુર ખાતે ₹31.14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સ્વયંસંચાલિત સ્ટોરેજ સિસ્ટમનું પણ લોકાર્પણ થશે. આ સિસ્ટમના કારણે દૂધ અને દૂધની બનાવટોના સંગ્રહ તથા સંચાલનની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે.
ADVERTISEMENT
બનાસ ડેરી દ્વારા પર્યાવરણ અને પશુપાલકોની આવક વધારવાના હેતુથી થરાદ અને રાધનપુર ખાતે બે નવા બાયો-CNG પ્લાન્ટ સ્થાપવાની પણ યોજના છે. વડાપ્રધાનના હસ્તે આ બંને પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્લાન્ટમાં પશુઓના છાણમાંથી બાયો-CNG ગેસ અને સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે. તેનાથી સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને પશુપાલકોને છાણના ઉપયોગ થકી નિયમિત વધારાની આવક મેળવવાની તક ઊભી થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
બનાસકાંઠાના ભીલડી ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવશે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ખેડૂતો, પશુપાલકો, બાળકો અને રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની રહેશે. એક તરફ PM કિસાન યોજનાના 24મા હપ્તા થકી કરોડો ખેડૂતોને આર્થિક સહાય મળશે, તો બીજી તરફ આંગણવાડીઓના આધુનિકીકરણ અને બનાસ ડેરીના નવા પ્રોજેક્ટ્સ થકી કૃષિ, પશુપાલન અને બાળપોષણ ક્ષેત્રે નવી સુવિધાઓનો ઉમેરો થશે.
સવારે 8:45 કલાકે: ડીસા એરપોર્ટ આગમન.
સંકળાયેલા મુદ્દાઓ